Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
4 પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
પૂરતું અપમાન અને દોષારોપણ થયું.
યહોશુઆનું મૃત્યુ
6 યહોશુઆએ લોકોને તેમના ઘરે પાછા મોકલી દીધાં. તેથી સર્વ કુળસમૂહના ઈસ્રાએલી લોકો તેમના ઘરે પાછા ગયા અને પોતાની ભૂમિનો કબજો લીધો. 7 જયારે યહોશુઆ જીવતા હતાં અને ઈસ્રાએલના વડીલો જેઓ યહોવાએ કરેલા મહાન કાર્યોના સાક્ષી હતાં, અને જેઓ યહોશુઆથી લાંબુ જીવ્યા હતાં, ત્યાં સુધી લોકો યહોવાની સેવા કરતા રહ્યાં. 8 એકસો દસ વર્ષની ઉંમરે નૂનનો પુત્ર યહોશુઆ, યહોવાનો સેવક મૃત્યુ પામ્યો. 9 તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલી ભૂમિમાં જે તિમ્નાથ હેરેસની જમીન તેના હિસ્સામાં આવી હતી ત્યાં દફનાવવામાં આવ્યો.
10 તેના પછી આ આખી પેઢી ગુજરી ગઈ. બીજી પેઢી આવી, તેને ન હતી યહોવાની ખબર કે ન હતી ઈસ્રાએલીઓ માંટે તેણે કરેલાં ઉમદા કાર્યોની ખબર. 11 તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. 12 યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા. પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો. 13 તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.
14 યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ, 15 ઈસ્રાએલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો, યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાંણે કરશે. પરિણામે ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.
દેવના કોપથી સાત પ્યાલા ભરાયા
16 પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું, કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”
2 પ્રથમ દૂતે જગ્યા છોડી. તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું. પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં.
3 બીજા દૂતે તેનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. પછી તે સમુદ્ર મૃત્યુ પામેલા એક માણસના લોહીના જેવો થઈ ગયો. સમુદ્રમાંના દરેક જીવંત પ્રાણી મૃત્યુ પામ્યાં.
4 તે ત્રીજા દૂતે તેનું પ્યાલું નદીઓ તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. તે નદીઓ અને તે ઝરાઓ લોહી થઈ ગયા. 5 પછી મેં પાણીના દૂતને દેવને એમ કહેતા સાંભળ્યો કે:
“તું તે એક છે, જે છે, અને હંમેશા હતો.
તું પવિત્ર છે,
તું જે ન્યાય કરે છે તે યોગ્ય છે.
6 તે લોકોએ તારા સંતોનું, અને તારા પ્રબોધકોનું, લોહી વહેવડાવ્યું છે.
હવે તેં પેલા લોકોને લોહી પીવા આપ્યું છે.
તેઓ એ માટે લાયક છે.”
7 અને મેં વેદીને એમ કહેતાં સાભળી કે:
“હા, પ્રભુ દેવ, સર્વશક્તિમાન,
તારા ન્યાયના ચૂકાદા સત્ય તથા યથાર્થ છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International