Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવાનું ગીત.
1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે;
તે સર્વને ધન્ય છે.
2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે.
તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે;
તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે.
5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે.
ઇસ્રાએલને શાંતિ થાઓ.
12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું:
“ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા.
ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”
13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો. 14 તે દિવસ પહેલા અને ત્યાર પછી આવું કદી બન્યું નથી કે જ્યારે સૂર્ય અને ચંદ્ર થોભી ગયા હોય. એ બધું એક માંણસની પ્રાર્થનાના કારણે થયું હતું. જેથી યહોવાએ કોઈ માંણસનું સાંભળ્યું અને ઇસ્રાએલના લોકો માંટે લડયાં.
દેવની આજ્ઞા અને મનુષ્યએ બનાવેલ નિયમો
(માર્ક 7:1-23)
15 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”
3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’(A) અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’(B) 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે,
પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે.
9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે.
તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.’”(C)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International