Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 27-28

દહનાર્પણની ભેટ માંટે વેદી

27 “વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય. ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી.

“અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે. અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે. અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.

“અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે. વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.

પવિત્ર મંડપનો ચોક

“મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો. 10 પડદાઓ લટકાવવા માંટે કાંસાની 20 થાંભલીઓ, કાંસાની 20 કૂંભીઓ બેસાડવી અને એ થાંભલીઓના આડા સળિયા અને આંકડા ચાંદીના બનાવવા. 11 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે.

12 “એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય. 13 પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા. 14 પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય. 15 અને બીજી બાજુએ પણ 15 હાથના પડદા અને ત્રણ થાંબલી અને ત્રણ કૂંભી હોય.

16 “પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે. 17 ચોકની આજુબાજુની બધી થાંભલીઓ ચાંદીના સળીયાથી જોડાયેલી હોય, તેમના સાંકળા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ કાંસાની હોય. 18 આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ. 19 પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ.

દીવી માંટેનું તેલ

20 “દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો. 21 હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”

યાજકોના પોષાક

28 દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે.

“તારા ભાઈ હારુનને માંટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય. મેં જે કારીગરોને કુશળતા આપી છે તેઓને સૂચના આપ કે હારુન માંટે પોષાક તૈયાર કરે જેથી યાજક તરીકે તે માંરી સંમુખ સેવા કરે. તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં. એ વસ્ત્રો સોનેરી ઘેરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણમાંથી જ બનાવવાં.

એફોદ અને કમરબંધ

“તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે. એના બે છેડા જોડવા માંટે એને ખભા પાસે બે સ્કંધપેટી હોય.

“કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય.

“ત્યારે ગોમેદના બે પાષાણે લેવા અને પછી તેના પર ઇસ્રાએલનાં પુત્રોનાં નામ કોતરવાં. 10 પ્રત્યેક પાષાણ પર છ નામ ઉંમરના ઉતરતા ક્રમ પ્રમાંણે આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે. 11 આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા. 12 હારુને આ નામો પોતાના બે ખભા ઉપર ધારણ કરીને યહોવા પાસે જવું જેથી તેને એમનું સ્મરણ થાય. 13 એફોદ પર પત્થરને બેસાડવા માંટે શુધ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં. 14 અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી.

ન્યાયકરણનું ઉરપત્ર

15 “પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કારીગરીવાળું ન્યાયકરણનું ઉરપત્ર બનાવવું, એ સોનરી દોરો, ભૂરા, જાંબુડિયા અને લાલ ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય. 16 જે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય. 17 વળી તેમાં ચાર હારમાં નંગ જડવા, પહેલી હારમાં માંણેક, પોખરાજ અને લાલ હોય. 18 બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો હોય; 19 ત્રીજી હારમાં શનિ, અકીક, અને યાકૂત હોય, 20 અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાંજ જડવાં. 21 પ્રત્યેક પથ્થર પર ઇસ્રાએલના બારમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇસ્રાએલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.

22 “ઉરપત્ર માંટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે. 23 વળી બે સોનાની કડી કરાવવી અને તે ઉરપત્રને ઉપરને છેડે જોડી દેવી. 24 અને એ બે કડીઓ સાથે પેલી બે સોનાની સાંકળી જોડી દેવી. 25 સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી. 26 પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી. 27 કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી. 28 ઉરપત્રનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવી. આમ કરવાથી ઉરપત્ર એફોદથી છૂટું પડી જશે નહિ.

29 “જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરપત્ર પર ઇસ્રાએલના બાર પુત્રોનાં નામ ધારણ હોવા જોઈએ. 30 અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે.

યાજકોના અન્ય પોશાકો

31 “એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો, ને તેની વચમાં માંથા માંટે એક કાણું રાખવું. 32 એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ. 33 અને ડગલાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી. 34 જેથી નીચલી કોર ઉપર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે. 35 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.

36 “પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું. 37 એ પત્ર પાધડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું. 38 હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે.

39 “હારુનનો ડગલો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને કમરપટા ઉપર સુંદર જરીકામ કરેલું હોય. 40 હારુનના પ્રત્યેક પુત્રોને માંટે તેને માંન અને આદર આપવા જામો, કમરબંધ અને પાઘડી બનાવવા જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય. 41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે.

42 “તેઓને માંટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા જાંધિયા બનાવવા, જેથી તેઓનું નાગાપણુ કોઈની નજરે ન પડે. 43 હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”

માથ્થી 21:1-22

ઈસુનો રાજાની માફક યરૂશાલેમમાં પ્રવેશ

(માર્ક 11:1-11; લૂ. 19:28-38; યોહ. 12:12-19)

21 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો. જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’”

પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું:

“સિયોનની દીકરી,
    ‘જો તારો રાજા તારી પાસે આવે છે,
તે નમ્ર છે તથા એક ગધેડા પર,
    એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર
    સવાર થઈન આવે છે.’”(A)

શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ. શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો. લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી. કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,

“દાઉદના દીકરાને હોસાન્ના!
    ‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’(B)

આકાશમાં દેવનો મહિમા થાઓ!”

10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”

11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”

ઈસુનો મંદિરમાં પ્રવેશ

(માર્ક 11:15-19; લૂ. 19:45-48; યોહ. 2:13-22)

12 ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. 13 તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’(C) પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’(D) બનાવી દીઘી છે.”

14 પછી કેટલાક અંધજનો અને અપંગો ઈસુની પાસે આવ્યાં. ઈસુએ તેઓને સાજા કર્યા. 15 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.

16 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછયું, “આ બાળકો જે કહે છે, તે શું તમે સાંભળો છો?”

ઈસુએ ઉત્તર આપ્યો, “હા, શાસ્ત્ર કહે છે કે, ‘તેં ઘાવણા બાળકોના મુખે તારી સ્તુતિ કરાવી છે તે યોગ્ય સ્તુતિ છે.’(E) શું શાસ્ત્રમાં તમે વાંચ્યું નથી?”

17 પછી ત્યાંથી ઈસુ તે સ્થળ છોડીને યરૂશાલેમ નગરની બહાર આવ્યો અને બેથનિયા ચાલ્યો ગયો. અને ત્યાં રાત રોકાયો.

ઈસુ વિશ્વાસનું સાર્મથ્ય બતાવે છે

(માર્ક 11:12-14, 20-24)

18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો. 19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.

20 શિષ્યોએ જ્યારે આ જોયું ત્યારે અચંબા સાથે ઈસુને પૂછયું, “આ અંજીરનું ઝાડ એકદમ કેમ સૂકાઈ ગયું?”

21 ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે તમે આ પર્વતને કહી શકશો, ‘અહીંથી ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ તો તે પ્રમાણે થશે. 22 જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International