M’Cheyne Bible Reading Plan
યફતાનો એફ્રાઈમ લોકો પર હુમલો
12 એફ્રાઈમના કુળસમૂહ યુદ્ધ માંટે ભેગા થયા અને સાફોન ગયા. તેમણે યફતાને કહ્યું, “તું અમને બોલાવ્યા વિના આમ્મોનીઓ સામે લડવા કેમ ગયો? અમે તને તથા તારા ઘરને પણ સળગાવી દઈશું.”
2 યફતાએ તેઓને કહ્યું, “માંરે અને માંરા માંણસોને આમ્મોનીઓ સાથે ભારે ઝધડો થયો હતો. મેં તમને મદદ માંટે બોલાવ્યા હતાં, પણ તમે અમને તેમનાથી બચાવવા આવ્યા નહિ, 3 મેં જોયું કે તમે અમને મદદ કરવા આવ્યા નહોતાં, તેથી તમાંરી મદદ વિના હું એકલો માંરા જીવના જોખમે આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગયો, યહોવાએ મને માંરા દુશ્મનો પર વિજય અપાવ્યો, તો પછી તમે આજે માંરી સાથે લડવા શા માંટે આવો છો?”
4 ત્યાર પછી યફતાએ ગિલયાદના બધા માંણસોને એકત્રિત કર્યા અને એફ્રાઈમના કુળસમૂહ સાથે લડાઈ કરી અને તેઓને હરાવ્યા; કારણ કે, એફ્રાઈમના લોકો તેમને હંમેશા કહેતા, “તમે સર્વ જે ગિલયાદમાં રહો છો, એફ્રાઈમથી ભાગી આવેલા છો, તમાંરી પાસે તમાંરી પોતાની જમીન નથી તમે એફ્રાઈમ અને મનાશ્શા વચ્ચે રહો.”
5 તેણે એફ્રાઈમના સૈન્યની પાછળ આવેલા યર્દનના આરા કબજે કરી લીધા, કોઈ એફ્રાઈમી યર્દન ઓળંગીને નાસી જવા પ્રયત્ન કરે તો ગિલયાદના રક્ષકો તેને પડકારતા. “શું તું એફ્રાઈમના કુળનો છે?” જો તે “ના” કહે તો 6 તેઓ કહેતા, “કે બોલ, ‘શિબ્બોલેથ’” પણ તે “સિબ્બોલેથ” બોલતો, કારણ તે એનો ચોખ્ખો ઉચ્ચાર કરી શકતો નહિ, એટલે તેઓ તેને પકડીને યર્દનના ઘાટ ઉપર માંરી નાખતા, તે યુદ્ધમાં 42,000 એફ્રાઈમીઓ માંર્યા ગયા હતાં.
7 ગિલયાદનો યફતા છ વર્ષ ઈસ્રાએલનો ન્યાયાધીશ તરીકે હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને ગિલયાદમાં તેના પોતાના શહેરમાં દફનાવવામાં આવ્યો.
ન્યાયાધીશ ઈબ્સાન
8 યફતાહ પછી બેથલેહમનો ઈબ્સાન ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો, તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતી. તેણે તેની ત્રીસેત્રીસ પુત્રીઓને અજાણ્યા શખ્સોને પરણાવી હતી અને તેના ત્રીસ પુત્રો તેના અંદરના સગામાંથી ન હોય તેવી પત્નીઓ લાવ્યા હતાં. 9 તે સાત વર્ષ સુધી ઈસ્રાએલીઓનો ન્યાયાધીશ હતો અને તેઓને ન્યાય આપ્યો હતો. 10 પછી ઈબ્સાનનું અવસાન થયું. તેને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.
ન્યાયાધીશ એલોન
11 તેના પછી ઝબુલોનના કુળસમૂહનો એલોન ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો. તેણે ઈસ્રાએલમાં 10 વર્ષ લોકોનો ન્યાય કર્યો. 12 ત્યારબાદ એલોનનું પણ અવસાન થયું અને તેને ઝબુલોનના કુળસમૂહના આયાલોનમાં દફનવવામાં આવ્યો.
ન્યાયાધીશ આબ્દોન
13 તેના પછી હિલ્લેલનો પુત્ર આબ્દોન પિરઆથોની ઈસ્રાએલનો ન્યાયાધીશ થયો. 14 તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતાં. જેઓ સીત્તેર ગધેડાઓ ઉપર સવારી કરતા, તેણે ઈસ્રાએલીઓ ઉપર આઠ વર્ષ સુધી શાસન કર્યું. 15 પછી હિલ્લેલના પુત્ર આબ્દોન પિરઆથોનીનું અવસાન થયું, તેને અમાંલેકીઓના પહાડી પ્રદેશમાં આવેલા એફ્રાઈમ દેશના પિરઆથોન નગરમાં દફનાવવામાં આવ્યો.
પાઉલ અને સિલાસ સાથે તિમોથીનું જવું
16 પાઉલ દર્બે અને લુસ્ત્રાના શહેરોમાં ગયો તિમોથી નામનો એક ઈસુનો શિષ્ય ત્યાં હતો. તિમોથીની માતા એક યહૂદિ વિશ્વાસી હતી. તેના પિતા એક ગ્રીક હતા. 2 લુસ્ત્રા અને ઈકોનિયામાંના વિશ્વાસીઓ તિમોથીને માન આપતા. તેઓ તેના વિષે સારી વાતો કહેતા. 3 પાઉલની ઈચ્છા હતી કે તિમોથી તેની સાથે મુસાફરી કરે. પરંતુ તે પ્રદેશમાં રહેતા તમામ યહૂદિઓ જાણતા હતા કે તિમોથીના પિતા ગ્રીક હતા. તેથી યહૂદિઓ ખાતર પાઉલે તિમોથીની સુન્નત કરાવી.
4 પછી પાઉલ અને તેની સાથેના માણસોએ એક ગામથી બીજે ગામ મુસાફરી કરી. તેઓએ વિશ્વાસીઓને પ્રેરિતો અને વડીલો તરફથી યરૂશાલેમમાં નિયમો અને નિર્ણયો આપ્યા. તેઓએ વિશ્વાસીઓને આ નિયમોનું પાલન કરવા કહ્યું. 5 તેથી મંડળીઓ વિશ્વાસમાં વધારે મજબૂત થતી હતી અને પ્રતિદિન વધારે મોટી થતી જતી હતી.
આસિયા (એશિયા માઈનોર) માં પાઉલની યાત્રા
6 પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. 7 પાઉલ અને તિમોથી મૂસિયાની નજીકના પ્રદેશમાં ગયા. તેઓ બિથૂનિયાના પ્રદેશમાં જવા ઈચ્છતા હતા. પરંતુ ઈસુનો આત્મા તેઓને અંદર જવા દેતો ન હતો. 8 તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.
9 તે રાત્રે પાઉલે એક દર્શન જોયું. આ દર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઉલની પાસે આવ્યો. તે માણસે ત્યાં ઊભા રહીને વિનંતી કરી, “મકદોનિયા પાર કરીને આવો, અમને મદદ કરો!” 10 પાઉલે દર્શન જોયું પછી, અમે તરત જ મકદોનિયા જવાની તૈયારી કરી. અમે સમજ્યા કે દેવે અમને પેલા લોકોને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.
લૂદિયાનું બદલાણ
11 અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ. 12 પછી અમે ફિલિપ્પી ગયા. ફિલિપ્પી મકદોનિયાના પ્રદેશમાં એક મહત્વનું શહેર છે. તે રોમનો માટેનું શહેર છે. અમે તે શહેરમાં થોડાક દિવસો માટે રહ્યા.
13 વિશ્રામવારના દિવસે શહેરના દરવાજા બહાર નદીએ ગયા. અમે વિચાર્યુ કે અમને પ્રાર્થના માટે નદી કિનારે જગ્યા મળશે. કેટલીક સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી. તેથી અમે ત્યાં બેઠા અને તેઓની સાથે વાતો કરી. 14 ત્યાં થુવાતિરા શહેરની એક લૂદિયા નામની સ્ત્રી હતી. તેનું કામ જાંબુડિયાં વેચવાનું હતું. તે સાચા દેવની ભક્તિ કરતી હતી, લૂદિયાએ પાઉલને ધ્યાનથી સાંભળ્યો. પ્રભુએ તનું હ્રદય ઉઘાડ્યું. તેણે પાઉલે જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. 15 તે અને તેના ઘરમાં રહેતા બધા લોકોનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું. પછી લૂદિયાએ અમને તેના ઘરમાં નિમંત્રણ આપ્યું. તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે વિચારતા હોય કે હું પ્રભુ ઈસુની સાચી વિશ્વાસી છું, તો પછી મારા ઘરમાં આવો અને રહો.” તેણે અમને તેની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો.
પાઉલ અને સિલાસ કારાવાસમાં
16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્મા[a] હતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા. 17 આ છોકરી પાઉલને અને અમને અનુસરી. તેણીએ મોટે સાદે કહ્યું, “આ માણસો પરાત્પર દેવના સેવકો છે! તેઓ તમને કહે છે તમારું તારણ કેવી રીતે થશે?” 18 ઘણા દિવસો સુધી તેણે આ કરવાનું ચાલુ રાખ્યું. પાઉલ બેચેન હતો. તેથી તેણે તેના તરફ ફરીને આત્માને કહ્યું, “ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી હું તને આજ્ઞા કરું છું કે તું એનામાંથી બહાર નીકળી જા!” તરત જ તે આત્મા બહાર નીકળી ગયો.
19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા. 20 તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે, 21 તેઓ લોકોને એવું કહે છે, જે આપણા માટે યોગ્ય નથી. આપણે રોમન નાગરિકો છીએ. આપણે આ વસ્તુઓ કરી શકીએ નહિ.”
22 લોકો પાઉલ અને સિલાસની વિરૂદ્ધ થયા પછી તે આગેવાનોએ પાઉલ અને સિલાસના વસ્ત્રો ફાડી નાખ્યાં અને પાઉલ અને સિલાસને ફટકા મારવાની આજ્ઞા કરી. 23 તે માણસોએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી આગેવાનોએ પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા. તે આગેવાનોએ દરોગાને કહ્યું, “સખ્ત જાપ્તા નીચે તેઓની ચોકી કરજે.” 24 દરોગાએ આ ખાસ હુકમ પાળ્યો, તેથી તેણે પાઉલ અને સિલાસને જેલમાં ખૂબ દૂર અંદરની બાજુએ પૂર્યા. તેણે તેઓના પગ બે લાકડાના મોટા ટૂકડાઓ વચ્ચે બાંધી દીધા.
25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં. 26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા. 27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો. 28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”
29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો. 30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”
31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.” 32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું. 33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. 34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.
35 બીજી સવારે આગેવાનોએ કેટલાક સૈનિકોને સંત્રીને કહેવા મોકલ્યા, “આ માણસોને મુક્ત કરો અને જવા દો!”
36 સંત્રીએ પાઉલને કહ્યું, “આગેવાનોએ તમને મુક્ત કરીને છોડી મૂકવા આ સૈનિકો મોકલ્યા છે. તમે હવે અહીથી જઈ શકો છો. શાંતિથી જાઓ.”
37 પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!”
38 સૈનિકોએ પાઉલે જે કહ્યું તે આગેવાનોને કહ્યું, જ્યારે આગેવાનોએ સાંભળ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ડરી ગયા હતા. 39 તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે. તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું. 40 પરંતુ જ્યારે પાઉલ અને સિલાસ કારાવાસમાંથી બહાર આવ્યા. તેઓ લૂદિયાને ઘેર ગયા. તેઓએ ત્યાં કેટલાક વિશ્વાસીઓને જોયા અને તેઓને દિલાસો આપ્યો પછી પાઉલ અને સિલાસ વિદાય થયા.
બંદીવાસ માટે યર્મિયાનો પ્રબોધ
25 યોશિયાનો પુત્ર રાજા યહોયાકીમ યહૂદિયા પર રાજ્ય કરતો હતો. તેના ચોથા વર્ષે યહૂદિયાના સર્વ લોકો માટે યહોવા તરફથી યર્મિયા પાસે આ સંદેશો આવ્યો. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તે વર્ષે રાજ કરવાનું શરું કર્યું. 2 અને યર્મિયા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,
3 છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી. 4 વળી વર્ષોના વર્ષો સુધી યહોવાએ તમારી પાસે પોતાના પ્રબોધકો મોકલ્યા હતા; છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ.
5 તેમનો સંદેશો એ હતો કે, “તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો, તો તમે જે ભૂમિ યહોવાએ લાંબા સમય પહેલાં તમને અને તમારા પિતૃઓને સદાને માટે આપી હતી તેમાં રહી શકશો. 6 તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.
7 “પરંતુ તમે મારું સાંભળ્યું નહિ, તમે તમારે માર્ગે આગળ વધ્યા અને તમારી મૂર્તિઓ વડે મને ક્રોધિત કર્યો છે. તેથી તમારા પર આવી પડેલી સર્વ વિપત્તિને માટે તમે પોતે જ જવાબદાર છો.”
8 અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી. 9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે. 10 હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ. 11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.
12 “અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ. 13 મેં જે જે કહેલું છે, આ ગ્રંથમાં લખેલું છે, અને યર્મિયાએ એ લોકોની વિરુદ્ધ જે જે આગાહી કરી છે, તે બધું હું એ દેશ પર ગુજારીશ. 14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”
વિશ્વના રાષ્ટ્રો સાથે ન્યાય
15 ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે. 16 તેઓ બધા એ પીધા પછી લથડીયાં ખાશે. અને તેમની વચ્ચે મેં મોકલેલા યુદ્ધથી ભાન ભૂલી જશે.”
17 આથી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો. અને યહોવાએ મને જે જે પ્રજાઓમાં મોકલ્યો તેમને મેં પાયો. 18 હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે.
19 મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું.
20 તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને,
21 અદોમ, મોઆબ અને આમ્મોનના લોકોને,
22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને, 23 દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં, 24 અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને, 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.
27 “પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇને ઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’
28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે. 29 તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.’” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
30 “તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે,
‘યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ
તથા પૃથ્વી પર વસનારા સર્વની
વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે.
રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે.
31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે.
યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે,
તે બધા માણસોનો ન્યાય કરે છે.
તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.’”
આ યહોવાના વચન છે.
32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે,
“જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં,
એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે,
પૃથ્વીના દૂર દૂરને છેડેથી
પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”
33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ.
34 હે દુષ્ટ આગેવાનો!
રડો, પોક મૂકીને રડો,
હે લોકોના ઘેટાં પાળકો!
તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે.
તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો.
35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ,
નાસી જવાને રસ્તો પણ નહિ મળે.
હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.
36 સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે,
ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે,
કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે.
37 તેમના ભયંકર રોષને કારણે
તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે.
38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા
સિંહની જેમ યહોવા બહાર આવે છે.
યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં,
પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે.
ઈસુનો રાજાની જેમ યરૂશાલેમમાં પ્રવેશ
(માથ. 21:1-11; લૂ. 19:28-40; યોહ. 12:12-19)
11 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક આવતા હતા. તેઓ જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથનિયાના શહેરો પાસે આવ્યા. ત્યાં ઈસુએ તેના બે શિષ્યોને આગળ મોકલ્યા. 2 ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે જે ગામ જુઓ છો તે ગામમાં જાઓ. જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે, તમે એક ગધેડાના વછેરાને ત્યાં બાંધેલો જોશો. આ વછેરા પર કોઈએ કદી સવારી કરી નથી, તે વછેરાને છોડીને તેને અહીં મારી પાસે લાવ. 3 જો કોઈ વ્યક્તિ તને પૂછે કે તું તે વછેરાને શા માટે લઈ જાય છે, તો તે વ્યક્તિને કહેજે, ‘માલિકને આ વછેરાની જરૂર છે. તે જલ્દીથી તેને પાછો મોકલશે.’”
4 તે શિષ્યો ગામમાં ગયા. તેઓએ એક ઘરના દરવાજા નજીક શેરીમાં એક વછેરાને બાંધેલો જોયો. તે શિષ્યોએ તે વછેરાને છોડ્યો. 5 કેટલાક લોકો ત્યાં ઊભા હતા અને તેઓએ આ જોયું, તે લોકોએ પૂછયું, “તમે શું કરો છો? તમે તે વછેરાને શા માટે છોડો છો?” 6 ઈસુએ શિષ્યોને જે જવાબ આપવા કહેલું તે રીતે શિષ્યોએ જવાબ આપ્યો. લોકોએ શિષ્યોને વછેરું લેવા દીધું.
7 શિષ્યો ઈસુ પાસે વછેરો લાવ્યા. શિષ્યોએ તેમના લૂગડાં વછેરા પર મૂક્યાં. અને ઈસુ તેના પર બેઠો. 8 ઘણા લોકોએ તેમનાં ડગલા ઈસુ માટે રસ્તા પર પાથર્યા. બીજા લોકોએ ખેતરમાંથી ડાળીઓ કાપી અને રસ્તા પર ડાળીઓ પાથરી. 9 કેટલાક લોકો ઈસુની આગળ આગળ ચાલતા હતા. બીજા લોકો તેની પાછળ ચાલતા હતા. બધા લોકોએ બૂમ પાડી,
“‘તેની સ્તુતિ કરો!’
‘આવકાર! પ્રભુના નામે જે એક આવે છે તે દેવનો આશીર્વાદિત છે!’ (A)
10 “આપણા પિતા દાઉદના રાજ્યને દેવના આશીર્વાદ છે.
તે રાજ્ય આવે છે!
પરમ ઊંચામાં દેવની સ્તુતિ કરો!”
11 ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો અને મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં દરેક વસ્તુઓ તરક જોયું. પણ સાંજ પડી ગઈ હતી, તેથી ઈસુ બાર પ્રેરિતો સાથે બેથનિયા ગયો.
નિષ્ફળ અંજીરી
(માથ. 21:18-19)
12 બીજે દિવસે, જેવું તેઓએ બેથનિયા છોડ્યું, ઈસુ ભૂખ્યો થયો હતો. 13 ઈસુએ દૂર એક અંજીરીનું ઝાડ જેને પાંદડા આવ્યાં હતાં તે જોયું. તેથી ઈસુ તે ઝાડ પાસે ગયો કે કદાચ તેને તે પરથી કઈ મળે, પણ ઈસુએ તે ઝાડ પર કોઈ અંજીર જોયા નહિ. ત્યાં ફક્ત પાંદડાઓ હતાં. કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 તેથી ઈસુએ તે ઝાડને કહ્યું, “લોકો તારા પરથી ફરી કદી ફળ ખાશે નહિ.” ઈસુના શિષ્યોએ તેને આ કહેતા સાંભળ્યું.
ઈસુનું મંદિરમાં જવું
(માથ. 21:12-17; લૂ. 19:45-48; યોહ. 2:13-22)
15 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી. 16 ઈસુએ મંદિરમાંથી કોઈ પણ માણસને વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપવાની ના પાડી. 17 પછી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, “શાસ્ત્રોમાં તે લખેલું છે. ‘મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનુ ઘર કહેવાશે.’ પરંતુ તમે દેવના ઘરને ‘ચોરોને છુપાવા માટેની જગ્યામાં ફેરવો છો.’”
18 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ બાબતો સાંભળી. તેઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ઈસુથી ડરતા હતા. કારણ કે બધા લોકો તેના ઉપદેશથી અચરજ પામતા હતા. 19 તે રાત્રે, ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું.
ઈસુ વિશ્વાસનું સામથ્યૅ બતાવે છે
(માથ. 21:20-22)
20 બીજી સવારે ઈસુ તેના શિષ્યો સાથે ચાલતો હતો. તેઓએ અંજીરીનું ઝાડ જોયું. ઈસુ આગલા દિવસે જે વિષે બોલ્યો હતો. એ અંજીરનું વૃક્ષ તેના મૂળ સાથે સૂકાઇ ગયેલું જોયું. 21 પિતરે વૃક્ષનું સ્મરણ કરીને ઈસુને કહ્યું, “ઉપદેશક, જો! ગઈકાલે, તે કહ્યું કે અંજીરનું વૃક્ષ મૂળમાંથી સૂકાઇ જશે. હવે તેં સૂકું અને મરેલું છે!”
22 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવમાં વિશ્વાસ રાખો. 23 હું તમને સત્ય કહું છું. તમે આ પર્વતને કહી શકો છો, ‘જા, દરિયામાં પડ.’ અને જો તમને તમારા મનમાં શંકા ના હોય અને વિશ્વાસ હોય કે તમે જે કહેશો તે બનશે તો દેવ તે તમારા માટે કરશે. 24 તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે. 25 જ્યારે તમે પ્રાર્થના કરો છો, અને તમે યાદ કરો છો કે તમે બીજા કોઈ એક વ્યક્તિ સાથે કઈક કારણસર ગુસ્સે થયા છો. તો તે વ્યક્તિને માફ કરો. [26 પણ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો તમારો પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.]”
યહૂદિ આગેવાનોની ઈસુના અધિકારની શંકા
(માથ. 21:23-27; લૂ. 20:1-8)
27 ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા. ઈસુ મંદિરમાં ચાલતો હતો. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા. 28 તેઓએ ઈસુને કહ્યું, “અમને કહે! તને આવા કામો કરવાની કઈ સત્તા છે? તને આ સત્તા કોણે આપી?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે મારા પ્રશ્નનો જવાબ આપો. પછી હું તમને કોની સત્તાથી આ કામો કરું છું તે કહીશ. 30 મને કહો: જ્યારે યોહાન લોકોને બાપ્તિસ્મા આપતો હતો, ત્યારે તે (સત્તા) દેવ પાસેથી આવી કે માણસો પાસેથી? મને ઉત્તર આપો!”
31 આ યહૂદિ નેતાઓએ ઈસુના પ્રશ્ન વિષે વાતો કરી. તેઓએ એકબીજાને કહ્યું, “જો આપણે ઉત્તર આપીએ. યોહાનનું બાપ્તિસ્મા દેવ પાસેથી, તો પછી ઈસુ કહેશે, ‘તો પછી યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નહોતા?’ 32 પણ જો આપણે કહીએ, ‘યોહાનનું બાપ્તિસ્મા માણસ પાસેનું હતું.’ તો લોકો આપણા પર ગુસ્સે થશે.” (આ આગેવાનો લોકોથી બીતા હતા. બધાજ લોકોને વિશ્વાસ હતો કે યોહાન એક પ્રબોધક હતો.)
33 તેથી આગેવાનોએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે ઉત્તર જાણતા નથી.”
ઈસુએ કહ્યું, “તો પછી હું તમને કહીશ નહિ કે આ કામો હું કઈ સત્તાથી કરું છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International