Read the Gospels in 40 Days
જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે
9 ઈસુ જ્યારે ચાલતો હતો ત્યારે, તેણે એક આંધળા માણસને જોયો. આ માણસ જન્મથી આંધળો હતો. 2 ઈસુના શિષ્યોએ પૂછયું, “રાબ્બી, આ માણસ જન્મથી જ આંધળો છે. પરંતુ કોના પાપથી તે આંધળો જનમ્યો? તેના પોતાના પાપે, કે તેના માબાપના પાપે?”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય. 4 જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી. 5 જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”
6 ઈસુએ આમ કહ્યાં પછી, ઈસુ ધૂળ પર થૂંકયો તે સાથે થોડો કાદવ બનાવ્યો. ઈસુએ તે માણસની આંખો પર કાદવ મૂક્યો. 7 ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.
8 કેટલાક માણસોએ આ માણસને પહેલા ભીખ માગતો જોયો હતો. આ લોકોએ અને તે માણસના પડોશીઓએ કહ્યું, “જુઓ! આ એ જ માણસ છે જે હંમેશા બેસીને ભીખ માગતો હતો.”
9 કેટલાક લોકોએ કહ્યું, “હા! તે એ જ માણસ છે,”
પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે એ જ માણસ નથી. તે ફક્ત તેના જેવો દેખાય છે.” તેથી તે માણસે પોતે કહ્યું કે, “હું એ જ માણસ છું જે પહેલાં આંધળો હતો.”
10 લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”
11 તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો. તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો. પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો.”
12 લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?”
તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”
ઈસુએ સાજા કરેલા માણસને યહૂદિઓ પ્રશ્ન પૂછે છે
13 પછી લોકો તે માણસને ફરોશીઓ પાસે લાવ્યા જે આંધળો હતો. 14 ઈસુએ કાદવ બનાવીને તે માણસની આંખો સાજી કરી. જે દિવસે ઈસુએ આ કર્યું તે વિશ્રામવાર હતો. 15 તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછયું, “તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”
તે માણસે ઉત્તર આપ્યો, “તેણે મારી આંખો પર કાદવ મૂક્યો. મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું.”
16 કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”
બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.
17 યહૂદિ અધિકારીઓએ તે માણસને ફરીથી પૂછયું, “આ માણસે (ઈસુ) તને સાજો કર્યો, અને તું જોઈ શકે છે. તું એના વિષે શું કહે છે?”
તે માણસે ઉત્તર આપ્યો, “તે એક પ્રબોધક છે.”
18 યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા. 19 તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
20 માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો. 21 પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.” 22 તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.
24 તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”
25 તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”
26 યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”
27 માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”
28 યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ. 29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”
30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે. 31 આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય. 32 જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય. 33 આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”
34 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.
આત્મિક અંધાપો
35 ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, “શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”
36 તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”
37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”
38 તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.
39 ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”
40 કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”
41 ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”
ઘેટાંપાળક અને તેનાં ઘેટાં
10 ઈસુ કહે છે, “હું તમને સત્ય કહું છું જ્યારે માણસ ઘેટાંના વાડામાં પ્રવેશે છે, ત્યારે તેણે દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ. પછી જો તે બીજા કોઈ રસ્તેથી પ્રવેશ કરે છે, તો તે એક લૂંટારો છે. તે ઘેટાં ચોરવાનો પ્રયત્ન કરે છે. 2 પણ જે માણસ ઘેટાંની સંભાળ રાખે છે તે દરવાજામાંથી પ્રવેશે છે. તે ઘેટાંપાળક છે. 3 જે માણસ દરવાજાની ચોકી કરે છે તે ઘેટાપાળક માટે દરવાજો ઉઘાડે છે. અને ઘેટાં ઘેટાંપાળકનો અવાજ ધ્યાનથી સાંભળે છે. ઘેટાંપાળક તેનાં પોતાનાં ઘેટાંને તેમનાં નામનો ઉપયોગ કરીને બોલાવે છે. અને તેઓને બહાર દોરી જાય છે. 4 તે ઘેટાંપાળક તેનાં બધાં ઘેટાંને બહાર કાઢે છે પછી તે તેઓની આગળ ચાલે છે અને તેમને દોરે છે. ઘેટાં તેની પાછળ જાય છે. કારણ કે તેઓ તેના અવાજને જાણે છે. 5 પરંતુ અજાણ્યાં વ્યક્તિની પાછળ ઘેટાં કદી જતાં નથી. તેઓ તે વ્યક્તિની પાસેથી નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યા માણસનો અવાજ ઓળખતા નથી.”
6 ઈસુએ લોકોને આ વાત કહી, પરંતુ લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ.
ઈસુ એક ઉત્તમ ઘેટાંપાળક
7 તેથી ઈસુએ ફરીથી કહ્યું, “હું તમને સત્ય કહું છું, હું ઘેટાં માટેનું બારણું છું. 8 મારા આવતા પહેલા જે લોકો આવ્યા તે બધા ચોરો અને લૂંટારાઓ હતા. ઘેટાંઓએ તેઓને ધ્યાનથી સાંભળ્યા નહિ. 9 હું બારણું છું. જે કોઈ વ્યક્તિ મારા દ્વારા પ્રવેશ કરે છે તેનું રક્ષણ થશે. તે વ્યક્તિ અંદર આવશે અને બહાર જશે. તે માણસ તેની જરુંરિયાતો જ મેળવી શકશે. 10 ચોર ફક્ત ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા આવે છે. પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે.
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19 ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં. 20 આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21 પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!”
યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22 તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ[a] નો સમય આવ્યો. 23 મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો. 24 યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”
25 ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તો તમને બધું જ કહ્યું છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. હું મારા પિતાના નામે કામો કરું છું. હું કોણ છું તે મારા કામો બતાવશે. 26 પણ તમે વિશ્વાસ કરતા નથી. શા માટે? કારણ કે તમે મારાં ઘેટાં (લોકો) નથી. 27 મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે. 28 હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ. 29 મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ. 30 હું અને મારાં પિતા એક જ છીએ.”
31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા. 32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’(A) 35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે – તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે. 36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે. 37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો. 38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો. 41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International