Read the Gospels in 40 Days
પસ્તાવો કરો
13 તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું? 3 ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો! 4 પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા? 5 તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”
નિરુંપયોગી વૃક્ષ
6 ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ. 7 ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું, ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?’ 8 પણ માળીએ ઉત્તર આપ્યો, ‘સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો. 9 બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.’”
ઈસુનું વિશ્રામવારે એક સ્ત્રીને સાજા કરવું
10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.
14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”
15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.
દેવનું રાજ્ય શાના જેવું?
(માથ. 13:31-33; માર્ક 4:30-32)
18 પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું? 19 દેવનું રાજ્ય રાઇના બી જેવું છે. જેને એક માણસે આ બી લઈને પોતાની વાડીમાં વાવ્યું. તે બી ઊગ્યું અને મોટું ઝાડ થયું. પક્ષીઓએ તેની ડાળીઓ પર માળાઓ બાંધ્યા.”
20 ઈસુએ ફરી કહ્યું, “હું દેવના રાજ્યને શાની સાથે સરખાવું? 21 તે ખમીર જેવું છે જેને સ્ત્રી રોટલી બનાવવા માટે લોટના મોટા વાસણમાં ભેળવે છે. ખમીર બધા લોટને ફુલાવે છે.”
સાંકડો દરવાજો
(માથ. 7:13-14; 21:23)
22 ઈસુ દરેક શહેર અને ગામડામાં બોધ કરતો હતો. તેણે યરૂશાલેમ તરફથી યાત્રા ચાલુ રાખી. 23 કોઈકે ઈસુને પૂછયું, “પ્રભુ! કેટલા લોકોનું તારણ થશે? ફક્ત થોડાક?”
ઈસુએ કહ્યું, 24 “સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ. 25 જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’ પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’ 26 પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’ 27 પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’
28 “તમે લોકો ઈબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે ભયથી રડશો અને દાંત પીસશો. 29 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે. 30 જે લોકો હમણા જીવનમાં નીચામાં નીચી જગ્યાએ છે તે લોકો દેવના રાજ્યમાં ઊંચામાં ઊચી જગ્યાએ હશે. અને જે લોકો હમણા ઊચામાં ઊચી જગ્યાઓ છે તેઓ હવે દેવના રાજ્યમાં નીચામાં નીચી જગ્યાએ હશે.”
યરૂશાલેમમાં ઈસુના મૃત્યુની આગાહી
(માથ. 23:27-39)
31 તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!”
32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવા[a] ને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે. 33 તે પછી મારે જવું જોઈએ, કારણ કે બધા પ્રબોધકોએ યરૂશાલેમમાં મરવું પડે.
34 “ઓ યરૂશાલેમ! યરૂશાલેમ! તું પ્રબોધકોને મારી નાખે છે. દેવે તારી પાસે મોકલેલા લોકોને નેં પથ્થરે માર્યા. ઘણી વાર મેં તારાં લોકોને મદદ કરવાની ઈચ્છા કરી. જેમ મરઘી પોતાનાં બચ્ચાઓને પાંખો તળે ભેગાં કરે છે તેમ કેટલી વાર તારાં લોકોને ભેગા કરવાની ઇચ્ચા કરી, પણ તમે મને કરવા દીધું નહિ. 35 હવે તમારું ઘર સંપૂર્ણ ઉજ્જડ મૂકવામાં આવશે. હું તમને કહું છું કે, પ્રભુનાં નામે જે આવે છે તેને ધન્ય છે, એમ તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી જોઈ શકશો નહિ.”
વિશ્રામવારે સાજાં કરવું યોગ્ય છે?
14 ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા. 2 જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો. 3 ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહ્યું, “વિશ્રામવારે સાજાં કરવું સારું છે કે ખરાબ?” 4 પણ તેઓએ ઉત્તર આપ્યો નહિ. તેથી ઈસુએ તે માણસને લક્ષમાં લીધો અને તેને સાજો કર્યો. પછી ઈસુએ તે માણસને મોકલી દીધો. 5 ઈસુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહ્યું, “જો તમારો દીકરો અથવા કામ કરનાર પ્રાણી વિશ્રામવારે કૂવામાં પડે તો તમે તરત જ તેને બહાર કાઢશો.” 6 ઈસુએ જે કહ્યું તેની સામે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કંઈ જ કહી શક્યા નહિ.
તમારી જાતને મહત્વ ન આપો
7 પછી ઈસુનું ધ્યાન કેટલાએક મહેમાનો ઉત્તમ જગ્યાએ બેસવાની પસંદગી કરતા હતા તે તરફ ગયું, તેથી ઈસુએ તેઓને આ વાર્તા કહી; 8 “જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય. 9 અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો.
10 “તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, ‘મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ.’ પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. 11 પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.”
તમને બદલો મળશે
12 પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13 તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14 તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”
મોટા ભોજન સમારંભ વિષે વાર્તા
(માથ. 22:1-10)
15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”
16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં. 17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’ 18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું, ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’ 19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’ 20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’
21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’
22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’ 23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય. 24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!’”
તારે પ્રથમ આયોજન કરવું જોઈએ
(માથ. 10:37-38)
25 ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26 “જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27 જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.
28 “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29 જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30 તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’
31 “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32 જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.
33 “તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.
તમારો પ્રભાવ ના છોડો
(માથ. 5:13; માર્ક 9:50)
34 “મીઠું એ સારું છે પણ જો મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે તો પછી તેની કશી કિમંત રહેતી નથી. તમે તેને ફરી ખારું બનાવી શકતા નથી. 35 તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે.
“જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International