Read the Gospels in 40 Days
ઈસુ તેના શિષ્યો માટે પ્રાર્થના કરે છે
17 ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે. 2 તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે. 3 અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે. 4 તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. 5 અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”
6 “તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે. 7 હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે. 8 તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે. 9 હમણા હું તેઓને માટે પ્રાર્થના કરું છું. હું જગતના લોકો માટે પ્રાર્થના કરતો નથી. પણ તેં મને જે લોકો આપ્યાં છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું, કારણ કે તેઓ તારાં છે. 10 મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે.
11 “હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ. 12 જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.
13 “હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય. 14 તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.
15 “હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું. 16 તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી. 17 તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે. 18 મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે. 19 હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.
20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે. 21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે. 22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય. 23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.
24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે. 25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે. 26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”
ઈસુ પકડાય છે
(માથ. 26:47-56; માર્ક 14:43-50; લૂ. 22:47-53)
18 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી, તે તેના શિષ્યો સાથે વિદાય થયો. તેઓ કિદ્રોન ખીણને પેલે પાર ગયા. બીજી બાજુએ ત્યાં એક ઓલીવના વૃક્ષોની વાડી હતી. ઈસુ અને તેના શિષ્યો ત્યાં ગયા.
2 યહૂદાએ જાણ્યું આ જગ્યા ક્યાં હતી, કારણ કે ઈસુ તેના શિષ્યો સાથે વારંવાર ત્યાં મળતા હતો. યહૂદા જે ઈસુની વિરૂદ્ધ થયો હતો. 3 તેથી યહૂદા સૈનિકોના સમૂહને બાગ તરફ દોરી ગયો. યહૂદા મુખ્ય યાજકો તથા ફરોશીઓ પાસેથી સિપાઈઓને લઈને આવ્યો. તેઓ મશાલો, ફાનસો અને શસ્ત્રો લઈને આવ્યા હતા.
4 ઈસુ બધું જ જાણતો હતો કે તેનું શું થવાનું હતું. ઈસુ બહાર ગયો અને પૂછયું, “તમે કોને શોધો છો?”
5 તે માણસોએ ઉત્તર આપ્યો, “નાઝરેથના ઈસુને.”
ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” (યહૂદા, જે એક ઈસુની વિરૂદ્ધ થયો તે તેઓની સાથે ત્યાં ઊભો હતો.) 6 જ્યારે ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” ત્યારે માણસો પાછા પડ્યા અને જમીન પર પડ્યા.
7 ઈસુએ તેઓને ફરીથી પૂછયું, “તમે કોની શોધ કરો છો?”
તે માણસોએ કહ્યું, “નાઝરેથના ઈસુની.”
8 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું કે, હું ઈસુ છું, તેથી જો તમે મારી શોધ કરતાં હોય તો પછી આ બીજા માણસોને મુક્ત રીતે જવા દો.” 9 આ બન્યું તેથી ઈસુએ અગાઉ કહ્યું હતું તે સાચું સાબિત થશે. “તેં મને આપેલા માણસોમાંથી મેં કોઈને ગુમાવ્યો નથી.”
10 સિમોન પિતર પાસે એક તલવાર હતી. તેણે તલવાર ખેંચીને પ્રમુખ યાજકના સેવકને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. (સેવકનું નામ માલ્ખસ હતુ.) 11 ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાનમાં મૂક! મારે પીડાનો પ્યાલો પીવાનું સ્વીકારવું જોઈએ જે મને પિતાએ આપ્યો છે.”
ઈસુને અન્નાસની આગળ લાવવામાં આવે છે
(માથ. 26:57-58; માર્ક 14:53-54; લૂ. 22:54)
12 પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો. તેઓએ ઈસુને બાંધ્યો. 13 અને તેને પ્રથમ અન્નાસ પાસે લાવ્યા. અન્નાસ કાયાફાનો સસરો હતો. તે વર્ષે કાયાફા પ્રમુખ યાજક હતો. 14 કાયાફા જે એક હતો જેણે યહૂદિઓને સલાહ આપી. જો કોઈ એક માણસ બધા લોકો માટે મૃત્યુ પામે તો તે વધારે સારું હશે.
પિતર ઈસુની જાણકારી વિષે જૂઠું બોલે છે
(માથ. 26:69-70; માર્ક 14:66-68; લૂ. 22:55-57)
15 સિમોન પિતર અને બીજો એક ઈસુનો શિષ્ય ઈસુને અનુસર્યા. આ શિષ્ય પ્રમુખ યાજકને જાણતો હતો. તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના મકાનના વરંડામાં ગયો. 16 પરંતુ પિતરે બહાર દરવાજાની બાજુમાં રાહ જોઈ. તે શિષ્યે જેણે જાણ્યું કે પ્રમુખ યાજક બહારની બાજુ પાછો આવ્યો. તેણે તે છોકરીને કહ્યું કે લોકો માટે દરવાજા ઉઘાડ. પછી તે પિતરને અંદર લાવ્યો.
17 દરવાજા પાસેની ચોકીદાર છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”
પિતરે કહ્યું, “ના, હું નથી!”
18 તે સમયે ઠંડી હતી, તેથી તો સેવકો અને ચોકીદારોએ અગ્નિ સળગાવ્યો હતો. તેઓ તેની આજુબાજુ ઊભા હતા અને પોતાની જાતે તાપતા હતા. પિતર આ માણસોની સાથે ઊભો હતો.
પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે
(માથ. 26:59-66; માર્ક 14:55-64; લૂ. 22:66-71)
19 પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિષે પ્રશ્નો પૂછયા. તેણે ઈસુને તેણે આપેલા બોધ વિષે પ્રશ્નો પૂછયા. 20 ઈસુએ ઉત્તર આપ્યો, “હું હમેશા બધા જ લોકોને જાહેરમાં કહું છું. મેં હમેશા સભાસ્થાનોમાં અને મંદિરોમાં બોધ આપ્યો છે. બધા જ યહૂદિઓ ત્યાં ભેગા થતા હતા. મેં કદી ગુપ્ત રીતે કશું જ કહ્યું નથી. 21 તો પછી તું મને શા માટે પ્રશ્ન કરે છે? જે લોકોએ મારો બોધ સાંભળ્યો છે તેઓને પૂછ. મેં શું કહ્યું તે તેઓ જાણે છે.”
22 જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યાં ઊભેલા ચોકીદારોમાંના એકે તેને માર્યો. ચોકીદારે કહ્યું, “તારે પ્રમુખ યાજક સાથે આ રીતે વાત ના કરવી જોઈએ!”
23 ઈસુએ ઉત્તર આપ્યો, “જો હું કંઈક ખોટું કહું તો, પછી અહીં દરેક જણને સાબિત કરાવો કે શું ખોટું હતું. પણ જો મેં કહેલી વાતો સાચી હોય તો પછી તું મને શા માટે મારે છે?”
24 તેથી અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યો. હજુ ઈસુ બંધાએલો હતો.
પિતર ફરી જૂઠું બોલે છે
(માથ. 26:71-75; માર્ક 14:69-72; લૂ. 22:58-62)
25 સિમોન પિતર પોતાની જાતને ગરમ રાખવા માટે અગ્નિ પાસે ઊભો હતો, બીજા માણસોએ પિતરને કહ્યું, “શું તું તે માણસના (ઈસુ) શિષ્યોમાંનો એક છે?”
પરંતુ પિતરે નકાર કરીને કહ્યું, “ના, હું નથી.”
26 પ્રમુખ યાજકના સેવકોમાંનો એક ત્યાં હતો. આ સેવક તે માણસનો સંબંધી હતો જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો. તે સેવકે કહ્યું કે, “મેં તને તેની (ઈસુ) સાથે બાગમાં જોયો નથી?”
27 પરંતુ ફરીથી પિતરે કહ્યું, “ના, હું તેની સાથે ન હતો!” અને તે જ સમયે મરઘો બોલ્યો.
ઈસુને પિલાતની આગળ લાવવામાં આવે છે
(માથ. 27:1-2, 11-31; માર્ક 15:1-20; લૂ. 23:1-25)
28 પછી યહૂદિઓ ઈસુને કાયાફાના મકાનમાંથી રોમન હાકેમના દરબારમાં લઈ જાય છે. તે વહેલી સવારનો સમય હતો. યહૂદિઓ દરબારની અંદર જઈ શક્યા નહિ. તેઓ તેમની જાતને અશુદ્ધ[a] બનાવવા ઈચ્છતા નહોતા. કારણ કે તેઓ પાસ્ખાપર્વનું ભોજન ખાવા ઈચ્છતા હતા. 29 તેથી પિલાત બહારની બાજુએ યહૂદિઓ તરફ ગયો. તેણે પૂછયું, “તું શું કહે છે, આ માણસે શું ખોટું કર્યુ છે?”
30 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તે ખરાબ માણસ છે. તેથી અમે તેને તારી પાસે લાવ્યા છીએ.”
31 પિલાતે યહૂદિઓને કહ્યું, “ઓ યહૂદિઓ, તમે પોતે એને લઈ જાઓ, અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો.”
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “પણ અમારું નિયમશાસ્ત્ર અમને કોઈ વ્યક્તિને તેને મૃત્યુદંડની શિક્ષા કરવાની પરવાનગી આપતું નથી.”
32 (આમ બન્યું તેથી પોતે કેવી રીતે મૃત્યુ પામવાનો હતો તે વિષે ઈસુએ કહેલા વચન સાચા ઠરે.)
33 પછી પિલાત પાછો મહેલની અંદરની બાજુએ ગયો. પિલાતે ઈસુને પોતાની પાસે બોલાવ્યો. તેણે ઈસુને પૂછયું, “શું તું યહૂદિઓનો રાજા છે?”
34 ઈસુએ કહ્યું, “શું તે તારો પોતાનો સવાલ છે, અથવા બીજા લોકોએ તને મારા વિષે કહ્યું છે?”
35 પિલાતે કહ્યું, “હું યહૂદિ નથી! તે તારા પોતાના લોકો અને મુખ્ય યાજકો તને લાવ્યા છે. તેં શું ખોટું કર્યુ છે?”
36 ઈસુએ કહ્યું, “મારું રાજ્ય આ જગતનું નથી. જો તે આ જગતનું હોત, તો પછી મારા સેવકો લડાઈ કરત તેથી મને યહૂદિઓને સોંપવામાં આવી શકાયો ના હોત. પણ મારું રાજ્ય બીજા કોઈ સ્થળનું છે.”
37 પિલાતે કહ્યું, “તેથી તું રાજા છે!”
ઈસુએ ઉત્તર આપ્યો, “તું કહે છે કે હું રાજા છું તે સાચું છે. મારો જન્મ આ માટે હતો કે લોકોને સત્ય વિષે કહેવું. તેના કારણે હું જગતમાં આવ્યો છું. અને પ્રત્યેક વ્યક્તિ જે સત્યનો છે તે મને ધ્યાનથી સાંભળે છે.”
38 પિલાતે કહ્યું, “સત્ય શું છે?” જ્યારે પિલાતે આ કહ્યું, તે ફરીથી યહૂદિઓ સાથે બહાર ગયો. પિલાતે યહૂદિઓને કહ્યું, “આ માણસમાં તેની સામેનો કોઈ આક્ષેપ મૂકવા જેવું મને કંઈ લાગતું નથી. 39 પણ પાસ્ખાપર્વના સમયે તમારા માટે એક બંદીવાનને મારે મુક્ત કરવો જોઈએ એવો તમારા રિવાજોમાં એક રિવાજ છે. શું તમે ઈચ્છો છો કે હું આ ‘યહૂદિઓના રાજાને મુક્ત કરું?’”
40 યહૂદિઓએ પાછળથી બૂમ પાડી, “ના, એને તો નહિ જ! બરબ્બાસને મુક્ત કરીને જવા દો?” (બરબ્બાસ એ તો લૂંટારો હતો.)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International