Print Page Options
Previous Prev Day Next DayNext

Read the Gospels in 40 Days

Read through the four Gospels--Matthew, Mark, Luke, and John--in 40 days.
Duration: 40 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યોહાન 15-16

ઈસુ એક દ્રાક્ષાવેલો છે

15 ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે. તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે. મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં છો અને હું તમારામાં રહીશ. કોઈ ડાળી એકલી ફળ આપી શકે નહિ. તે દ્રાક્ષાવેલામાં હોવી જોઈએ. તમારું મારી સાથે તેવું જ છે. તમે એકલા ફળ આપી શકો નહિ. તમારે મારામાં રહેવું જોઈએ.

“હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે. તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે. પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી. જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે. મારામાં રહો, અને મારાં વચનમાં રહો. જો તમે તેને અનુસરવાનું ચાલુ રાખશો તો તમે તમારી જરૂરી કોઈ પણ વસ્તુ માગી શકશો. અને તે તમને આપવામાં આવશે. તમારે વધારે ફળ આપવાં જોઈએ અને બતાવવું જોઈએ કે તમે મારા શિષ્યો છો. આનાથી મારા પિતાને મહિમા પ્રાપ્ત થાય છે.

“જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. 10 મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય. 12 મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો. 13 પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે. 14 હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.

16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.

ઈસુ તેના શિષ્યોને ચેતવણી આપે છે

18 “જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.

20 “મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે. 21 લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી. 22 જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.

23 “જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે. 24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે. 25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’

26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે. 27 અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.”

16 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ. લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે. લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી. મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.

પવિત્ર આત્માનું કાર્ય

“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો. હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’ તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે. પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.

“જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે. સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી. 10 તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ. 11 અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.

12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે. 13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે. 14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે. 15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.

ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે

16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”

17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’” 18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”

19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?” 20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.

21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે. 22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ. 23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે. 24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.

જગત પર વિજય

25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ. 26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ. 27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”

29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી. 30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”

31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો? 32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.

33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International