Revised Common Lectionary (Semicontinuous)
દેવનાં સ્તુતિગાન
12 તમે તે દિવસે ગાશો:
“હે યહોવા હું તમારો આભાર માનું છું!
તમે મારા પર રોષે ભરાયા હતા,
હવે તમારો રોષ સમી ગયો છે
અને તમે મને પ્રેમ આપ્યો છે.
2 દેવ મારા ઉદ્ધારક છે;
અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી;
મારો આશ્રય યહોવા દેવ જ છે;
ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”
3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી
આનંદભેર પાણી ભરશો.
4 તમે તે દિવસે કહેશો કે,
“યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો;
સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો;
તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે
તમે તેના સર્વદા ગુણગાન ગાઓ;
ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો,
ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે.
અને તમારા સૌની વચ્ચે વસે છે.
પાપ સંબંધી ચેતવણી ને યહોવાની સહાય
59 જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે. 2 પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો. 3 તમારા હાથ લોહીથી, ને અપરાધોથી ખરડાયેલા છે; ને તમારી જીભ જૂઠું બોલે છે અને દગાફટકાથી વાત કરે છે. 4 અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે. 5 તેઓ સાપનાં ઇંડા સેવે છે અને કરોળિયાનાં જાળાં ગૂંથે છે; જે એ ઇંડા ખાય છે તે મોતને ભેટે છે, ને જે ઈંડુ ફૂટે છે તેમાંથી સાપ નીકળે છે.
6 તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી.
તેમનાં કર્મો કુકર્મો છે અને તેમના હાથ હિંસા આચરે છે. 7 દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિર્દોષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે, 8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માર્ગો છેતરામણા છે અને એ માર્ગે જનારા કોઇને શાંતિ મળતી નથી.
ઇસાએલના પાપોથી મુશ્કેલીઓનું આવવું
9 તેથી આપણને ન્યાય મળતો નથી,
આપણી મુકિત હજી દૂર છે.
અમે અજવાળાની આશા રાખીએ છીએ,
પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ
અને અંધકારમાં અટવાઇએ છીએ.
10 આપણે અંધજનની જેમ ભીંતે
હાથ દઇને ફાંફા મારીએ છીએ,
આપણે ભરબપોરે જાણે અંધારી
રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ;
જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!
11 આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ,
ને હોલાની જેમ કણીએ છીએ.
આપણે ન્યાયને ઝંખીએ છીએ,
પણ ન્યાય મળતો નથી,
તારણની આશા રાખીએ છીએ,
પણ તે અમારાથી દૂર રહે છે.
12 હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે
અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
અમને અમારા પાપોનું ભાન છે,
અમારા પાપ અમે જાણીએ છીએ.
13 તારી સામે અમે બળવો કર્યો છે
અને તારો નકાર કર્યો છે,
અમે તમને,
અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે,
અમે ઘોર ત્રાસ
અને બળવાની વાતો કરીએ છીએ,
અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ
અને તેને જ ઉચ્ચારીએ છીએ.
14 અમે ન્યાયને પાછો કાઢીએ છીએ
અને ધર્મને આઘો રાખીએ છીએ.
ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે,
અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.
15 હા, સત્યનો સદંતર અભાવ છે,
અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે.
યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે
અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
3 અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ. અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે. તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે. 4 તેથી બીજી દેવની મંડળીઓ આગળ અમે તમારાં વખાણ કરીએ છીએ. અમે કહીએ છીએ કે કઈ રીતે તમે તમારા વિશ્વાસમાં દૃઢ બનવાનું ટકાવી રાખ્યું છે. તમારી ઘણી રીતે સતાવણી કરવામાં આવી છે, અને ઘણી મુશ્કેલીઓ તમે સહન કરી છે પરંતુ નિષ્ઠા પ્રતિ તમે અચળ રહ્યાં છો.
દેવના ન્યાય વિષે પાઉલ કહે છે
5 એ સાબિત થઈ ચૂક્યું છે કે દેવ તેના ન્યાયમાં યથાર્થ છે. દેવ તેના રાજ્ય માટે તમે યોગ્ય ગણાઓ તેવા બનાવવા માંગે છે. તમારે ભોગવવી પડતી વેદના તે રાજ્ય માટે છે. 6 દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે. 7 અને તમે કે જે હેરાન થયા છો તેમને દેવ વિસામો આપશે. દેવ અમને પણ વિસામો આપશે. જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે. ઈસુ સ્વર્ગમાંથી તેના પરાક્રમી દૂતો સાથે આવશે. 8 તે આકાશમાંથી જવાળામય અગ્નિ સહિત જેઓ દેવને જાણતા નથી તેવા લોકોને શિક્ષા કરવા આવશે. જે લોકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુર્વાતા માનતા નથી તેઓને દેવ શિક્ષા કરશે. 9 તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે. 10 જે દિવસે પ્રભુ ઈસુ આવશે ત્યારે આમ બનશે. ઈસુ તેના સંતો[a] સાથે મહિમાને સ્વીકારવા આવશે. અને દરેક વિશ્વાસીઓ ઈસુ દર્શનથી મુગ્ધ બની જશે. અમે તમને જે કહ્યું તેમાં તમે વિશ્વાસ રાખ્યો છે તેથી તમે એ વિશ્વાસુઓના સમૂહમાં સામેલ થશો.
11 તેથી અમે હમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે તમને જીવવા મળેલ તેડાને યોગ્ય થઈ ચાલો માટે દેવ તમને સહાય કરે. તમારામાં રહેલું સૌજન્ય તમને સારું કાર્ય કરવા પ્રેરે છે અને તમારો વિશ્વાસ તમને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ કે દેવનું સાર્મથ્ય તમને આમ વધુ ને વધુ કરવા માટે મદદરૂપ બનો. 12 અમે આ બધા માટે પ્રાર્થના કરીએ છીએ કે જેથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ તમારામાં મહિમાવાન થાય. અને તેના થકી તમે મહિમાવાન બનો. આ મહિમા આપણા દેવ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થાય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International