Revised Common Lectionary (Semicontinuous)
સાદે
137 હે યહોવા, તમે ન્યાયી છો,
તમારા ન્યાયવચનો યથાર્થ છે.
138 તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા,
ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
139 તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે,
કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
140 તમારા શબ્દો તદૃન નિર્મળ છે;
અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
141 જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી,
હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે;
તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
143 મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે.
પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
144 તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે,
માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.
5 “મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી. 6 એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’
7 “શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે, શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું લાચાર ધ્રુજતો ઊભો રહીશ અને તમારા લેણદારો અચાનક તમારું સર્વસ્વ લૂંટી લેશે. 8 તમે ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે; માણસોના રકતપાતને, અને દેશમાં હિંસાને લીધે, નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
9 “એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે. 10 આ બધી યોજનાઓને લીધે તેઁ તારા કુટુંબને કાળી ટીલી લગાડી છે. અનેક લોકોની હત્યા કરીને તેઁ તારી જાત સાથે પાપ કર્યુ છે. 11 કારણકે દીવાલનો એકેક પથ્થર સુદ્ધાં તેની વિરૂદ્ધ પોકારી ઊઠશે અને લક્કડકામનો એકેએક ટુકડો સુદ્ધાં તેનો પડઘો પાડશે.
39 યહૂદિઓએ કહ્યું, “અમારો પિતા ઈબ્રાહિમ છે.”
ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર ઈબ્રાહિમના બાળકો હતા તો પછી તમે જે કામો ઈબ્રાહિમે કર્યા તે જ કરશો. 40 હું એ માણસ છું કે જેણે દેવ પાસેથી સાંભળ્યું તે સત્ય તમને કહ્યું છે. પરંતુ તમે મને મારી નાખવા પ્રયત્ન કરો છો. ઈબ્રાહિમે તેના જેવું કંઈ જ કર્યું નથી. 41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.”
પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે. દેવ અમારો પિતા છે. અમારો તે માત્ર એક જ પિતા છે.”
42 ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “જો દેવ ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને હવે હું અહીં છું. હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. દેવે મને મોકલ્યો છે. 43 હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી. 44 તમારો પિતા શેતાન છે, અને તમે તેના દીકરા છો. તે જે ઈચ્છે છે તે કરવા તમે ઈચ્છો છો. શેતાન શરુંઆતથી જ ખૂની હતો. શેતાન હંમેશા સત્યથી વિરૂદ્ધ છે અને તેથી તેનામાં સત્ય નથી. જૂઠું બોલવું તે તેનો સ્વભાવ છે. હા, તે જુઠો છે. અને તે જૂઠાનો બાપ છે.
45 “હું સત્ય કહું છું, તેથી તમે મારામાં વિશ્વાસ કરતા નથી. 46 તમારામાંથી કોણ સાબિત કરી શકે છે કે હું પાપનો ગુનેગાર છું. જો હું સત્ય કહું છું, તો પછી તમે શા માટે મારું માનતા નથી? 47 જે વ્યક્તિ દેવનો છે તે દેવ જે કહે છે તે સ્વીકારે છે. પણ તમે દેવ જે કહે છે તે સ્વીકારતા નથી. કારણ કે તમે દેવના નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International