Revised Common Lectionary (Semicontinuous)
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
17 “ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે
કે જેની પાછળ સિંહ પડ્યો હોય,
પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો.
પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”
18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મેં જે રીતે આશ્શૂરના રાજાને સજા કરી હતી તે રીતે બાબિલના રાજાને
અને તેના દેશને પણ સજા કરીશ.
19 “‘હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ,
તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે.
તેની ભૂખ એફ્રાઇમ
અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.’”
20 “જ્યારે એ સમય આવશે
ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે,
યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે,
કારણ કે, જેમને હું જીવતા
રહેવા દઇશ તેમને માફ કરીશ.”
આ યહોવાના વચન છે.
31 ફરીથી યહૂદિઓએ ઈસુને મારી નાખવા પથ્થરો હાથમાં લીધા. 32 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”
33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
34 ઈસુએ ઉત્તર આપ્યો, “તે તમારા કાયદામાં લખેલું છે, ‘હું (દેવ) કહું છું કે તમે દેવો છો.’(A) 35 આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે – તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે. 36 તો પછી તમે શા માટે કહો છો કે હું જે કહું છું દેવની વિરૂદ્ધ છે. કારણ કે મેં કહ્યું, ‘હું દેવનો દીકરો છું.’ હું એ જ છું જેને દેવે પસંદ કર્યો છે અને જગતમાં મોકલ્યો છે. 37 જો મારા પિતા જે કરે છે તે હું ન કરું તો, પછી હું જે કહું તે ના માનશો. 38 પણ જો હું મારા પિતા જે કરે છે તે જ કરું તો, પછી તમારે હું જે કઈ કરું તેમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે મારામાં વિશ્વાસ ન કરો, પરંતુ હું જે કંઈ કરું છું તેમાં તમે વિશ્વાસ કરો. પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39 ઈસુને પકડવાનો પ્રયત્ન યહૂદિઓએ ફરીથી કર્યો. પરંતુ ઈસુ તેઓની પાસેથી નીકળી ગયો.
40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો. તે સ્થળે ઈસુ ગયો. ઈસુ ત્યાં રહ્યો. 41 અને ઘણા લોકો તેની પાસે આવ્યા. તે લોકોએ કહ્યું, “યોહાને કદી ચમત્કારો કર્યા નથી. પરંતુ યોહાને આ માણસ વિષે જે બધું કહ્યું હતું તે સાચું છે.” 42 અને ત્યાં ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International