Revised Common Lectionary (Semicontinuous)
1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
મારો માલિક તેમની મજાક કરે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
આજે હું તારો પિતા થયો છુ.”
8 તું મારી પાસે માગ,
એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
તૂટેલ બરણી
19 ત્યારબાદ યહોવાએ યર્મિયાને કહ્યું, “જા, અને એક માટીની બરણી ખરીદી લાવ, ત્યાર પછી લોકોના કેટલાક આગેવાનોને અને કેટલાક યાજકોને તારી સાથે લઇ લે. 2 નગરનાં પૂર્વ દરવાજાએથી તેઓને બેન-હિન્નોમની ખીણમાં લઇ જા, અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ. 3 તું એમ કહેજે, ‘સાંભળો, હે યહૂદિયાના રાજાઓ અને યરૂશાલેમના વતનીઓ! ઇસ્રાએલના દેવ સૈન્યોના દેવ યહોવાના આ વચનો છે; હું આ જગ્યા પર એવી વિપત્તિ ઉતારનાર છું કે જે કોઇ સાંભળશે તેનાં કાનમાં ગુંજ્યા કરશે. 4 રણ કે ઇસ્રાએલે મારો ત્યાગ કર્યો છે અને તેમણે વિદેશી દેવોને દહનાર્પણો ધરાવીને આ સ્થાનને ષ્ટ કર્યુ છે. એ વિદેશી દેવો જેના વિષે તેમણે તેમના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાએ પણ ક્યારેય સાંભળ્યું નથી. તેમણે આ સ્થાનને નિર્દોષોના લોહીથી ભરી દીધું છે. 5 તેમણે બઆલ દેવને માટે યજ્ઞવેદીઓ ઊભી કરી છે. જ્યાં તેઓ પોતાનાં બાળકોની આહુતિ આપે છે. મેં કદી એવી આજ્ઞા કરી જ નથી. એવો કોઇ વિચાર પણ મારા મનમાં કદી આવ્યો જ નથી!’” 6 યહોવા કહે છે, “‘એવો દિવસ આવશે જ્યારે આ ખીણ “તોફેથ” અથવા “બેન-હિન્નોમ” થી ઓળખાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે. 7 આ જગ્યાએ હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોની બધી યોજનાઓના માટીની બરણીની જેમ ભૂક્કેભૂક્કા ઉડાવી દઇશ! હું તેમનો તેમના દુશ્મનોને હાથે તરવારથી નાશ કરાવીશ, તેમના મૃતદેહ હું પંખીઓને અને જંગલી પશુઓને ખાવા સોંપી દઇશ. 8 હું યરૂશાલેમને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક જોશે કે મેં તેને કેટલું ભારે નુકશાન પહોંચાડ્યું છે! અને તે આ જોઇને આશ્ચર્ય પામશે, કે મે તેનો કેવો નાશ કર્યો. 9 તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના પુત્રોનું તથા પોતાની પુત્રીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.’
10 “અને હવે, યર્મિયા, તારી સાથે લાવેલી બરણીને તું આ માણસોના દેખતા તોડી નાખ. 11 તેઓને કહે, ‘યહોવા સૈન્યોનો દેવ તરફથી તમને આ સંદેશો છે; તેવી જ રીતે હું યરૂશાલેમ શહેરને તોડી નાખીશ જેમ કુંભાર એક વાસણને તોડી નાખે છે જેથી તેનું સમારકામ ક્યારેય ન થાય. તોફેથમાં ઘણા બધા લોકોને દફનાવવામાં આવશે કારણ કે તેઓને દફનાવવા માટે બીજી કોઇ જગ્યા નથી. 12 આ ખીણમાં જેવું હશે તેવું જ યરૂશાલેમમાં પણ હશે, કારણ કે હું યરૂશાલેમને પણ મૃતદેહોથી ભરી દઇશ. 13 યરૂશાલેમનાં મકાનો, યહૂદિયાના રાજાઓનાં મકાનો અને જે જે ઘરનાં છાપરાં પર લોકોએ આકાશનાં નક્ષત્રોને બલિદાન ચઢાવ્યાં છે અને બીજા દેવોને પેયાર્પણો આપ્યા છે તે બધા મકાનો “તોફેથ” જેવાં નષ્ટ બની જશે.’”
14 યહોવાએ દેવી વાણી ભાખવા યર્મિયાને તોફેથ મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો, 15 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ કહે છે; ‘મેં વચન આપ્યું છે તે મુજબ આ નગર તેમજ તેની આસપાસના નગરો પર સર્વ વિપત્તિઓ હું લાવીશ, કારણ કે તમે લોકો હઠીલા છો અને મારું કહ્યું માનતા નથી.’”
ખ્રિસ્ત ઈસુના એક સારા સેવક બનો
6 આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ. 7 દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ. 8 શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 9 હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. 10 એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે.
11 આ બધી બાબતોની તું આજ્ઞા આપજે તથા શીખવજે. 12 તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે.
13 લોકોની આગળ પવિત્રશાસ્ત્ર વાચવાનું તું ચાલુ રાખ, તેઓને વિશ્વાસમાં દૃઢ કર, અને તેઓને ઉપદેશ આપ. હુ ત્યાં આવી પહોંચું ત્યા સુધી તું એ કાર્યો કરતો રહેજે. 14 તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યા[a] તે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ. 15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે. 16 તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International