Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
14 યહોવા કહે છે, “જુઓ, હવે એ સમય આવે છે જ્યારે લોકો સોગંદ લેતી વખતે ક્યારેય નહિ કહે કે જેવી રીતે ચોક્કસ પણે યહોવા જીવે છે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો. 15 પણ તેઓ કહેશે જેમ ચોક્કસ પણે યહોવા જીવીત છે તેમ ઇસ્રાએલીઓને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેઓને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાના સમ! કારણકે, મેં તેમના પૂર્વજોને ભૂમિ આપી હતી તેમાં જ હું તેમને પાછા લાવીશ.”
16 યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે. 17 કારણ કે હું આખો વખત તેમનું અને તેમના પાપોનું નિરીક્ષણ કરું છું. તેથી મારાથી કશું છુપું રહેતુ નથી. 18 હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.”
19 હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર,
મારું સાર્મથ્ય તથા મારો ગઢ,
સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે,
“અમારા વડીલો મૂર્ખ હતા,
કારણ કે તેઓએ જૂઠા દેવોની
તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.
20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે?
માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે.”
21 યહોવા કહે છે, “તેઓ આવી કબૂલાત કરતા આવશે,
તો હું મારું સાર્મથ્ય અને પરાક્રમ તેઓને દેખાડીશ
અને હું એકલો જ દેવ છું ને મારું નામ જ ‘યહોવા છે’
તેવું તેઓને સમજાવીશ.”
હૃદય પર લખેલ પાપ
17 યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી
તથા હીરાકણીથી લખેલું છે;
તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે
અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;
2 કારણ કે તેઓના પુત્રો ઊંચા
પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે
તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો
અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે.
3 અરે, ખેતરમાંના મારા પર્વત,
તમારાં સર્વ પાપોની કિંમત રૂપે
હું તમારી સર્વ સંપત્તિ
તમારા શત્રુઓને આપી દઇશ.
4 મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો.
દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે,
જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં
હું તમને મોકલી આપીશ.
તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે
અને તે સદાકાળ સળગતો રહેશે.”
પાઉલ સાથેના લોકો વિષેના સમાચાર
7 તુખિકસ ખ્રિસ્તમાં મારો વહાલો ભાઈ છે. પ્રભુમાં તે મારી સાથે વિશ્વાસુ સેવક તથા સાથી દાસ છે. તે તમને મારી સાથે બની રહેલી તમામ ઘટનાઓ જણાવશે. 8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું. 9 ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે.
10 અરિસ્તાર્ખસ તમને ક્ષેમકુશળ કહે છે. તે મારી સાથે અહીં કેદી છે. અને માર્ક, બાર્નાબાસનો પિત્રાઈ પણ તમને ક્ષેમકુશળ કહે છે. (માર્ક અંગે શું કરવું તે ક્યારનું મેં તમને જણાવી દીધું છે. જો તે ત્યાં આવે, તો તમે તેને આવકારજો.) 11 ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે.
12 એપાફ્રાસ પણ તમને ક્ષેમકુશળ કહે છે. તે ઈસુ ખ્રિસ્તનો સેવક છે. અને તે તમારા સંઘનો છે. તે હમેશા તમારા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થે છે કે તમે આત્મિક રીતે પરિપકવ બનવા માટે વિકાસ પામો અને દેવ તમારા માટે ઈચ્છે છે તે દરેક વસ્તુ તમને પ્રાપ્ત થાય. 13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે. 14 દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે.
15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો. 16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, “તને પ્રભુએ જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવા સાવધ રહેજે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International