Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
27 “યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ. 28 માટે તું એમને કહેજે, ‘આ એ પ્રજા છે જે પોતાના દેવ યહોવાનું સાંભળતી નથી કે સુધરતી નથી; સચ્ચાઇ મરી પરવારી છે; એમને મોઢે હવે એનું નામ પણ સાંભળવા મળતું નથી.’
કતલની ખીણ
29 “હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે. 30 આવુ બન્યું કારણકે યહૂદિયાના લોકોએ મારી સામે એવું શરમજનક કૃત્ય કર્યું છે, કે તે મને ગમ્યું નથી, તેમણે મારું નામ ધરાવતા મંદિરમાં ઘૃણાસ્પદ મૂર્તિઓ મૂકી એને તેને અશુદ્ધ કર્યું છે. 31 તેમણે પોતાનાં પુત્રપુત્રીઓને હોમવા બેન-હિન્નોમની ખીણમાં તોફેથ નામનો યજ્ઞકુંડ બાંધ્યો છે. મેં એવી આજ્ઞા કરી જ નથી, એવો વિચાર સુદ્ધાં મારા મનમાં કદી આવ્યો નથી.” 32 “એવો સમય આવે છે જ્યારે ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમની ખીણ’ નું નામ બદલીને ‘કતલની ખીણ’ રાખવામાં આવશે અને તેઓને દફનાવવા જગ્યા બાકી ન રહે ત્યાં સુધી તેમને તોફેથમાં દફનાવવામાં આવશે પછી તેઓના મૃતદેહોને ખીણમાં નાખી દેવામાં આવશે. 33 પછી એ લોકોના મૃતદેહોને આકાશના પંખીઓ અને જંગલી પશુઓ ખાશે અને તેમને ડરાવીને હાંકી મૂકનાર કોઇ નહિ હોય, 34 ત્યારે હું યહૂદિયાના ગામોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી આનંદના અને હર્ષના અવાજો અને વરવધૂના કિલોલ-હષોર્લ્લાસ બંધ કરીશ. જેથી સમગ્ર પ્રદેશ ઉજ્જડ વેરાન વગડો બની જશે.”
વિશ્રામવારના દિવસે ઈસુ માંદા માણસને સાજો કરે છે
(માથ. 12:9-14; માર્ક 3:1-6)
6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો. 7 વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે. 8 પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો. 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?”
10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો. 11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International