Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 11

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
    માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”

કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
    તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
    અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
    તો પછી સારા લોકો શું કરી શકે?

યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
    યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
    તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
    પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
    અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
    જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.

યશાયા 24:1-13

પૃથ્વી સંબંધી દેવનું ન્યાયશાસન

24 જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે. બધાની દશા સરખી થશે; યાજકો, અને લોકો, સેવકો અને ધણીઓ, દાસીઓ અને શેઠાણીઓ, ખરીદનારાઓ અને વેચનારાઓ, ઉછીનું લેનારા અને આપનારા, લેણદારો અને દેણદારો. સમગ્ર પૃથ્વી બિલકુલ ઉજ્જડ અને વેરાન થઇ જશે, તેને લૂંટી લેવામાં આવશે, કારણ કે આ યહોવાના વચન છે. પૃથ્વી સૂકાઇ જાય છે અને સંકોચાઇ જાય છે, સૂકી ભૂમિ નકામી થઇ જાય છે અને ક્ષીણ થઇ જાય છે. પૃથ્વી અને આકાશ બંને ક્ષીણ થતા જાય છે.

પૃથ્વી તેના વસનારાઓથી ષ્ટ થઇ છે, કારણ કે તેમણે નિયમનું ઉલ્લંધન કર્યુ છે, અને કાયદાઓ તોડ્યાં છે. તેઓએ દેવ સાથેના સનાતન કરારનો ભંગ કર્યો છે. આથી શાપ પૃથ્વીને ભરખી રહ્યો છે અને એમાં વસનારાઓ પોતાના ગુનાની સજા ભોગવી રહ્યા છે. આથી પૃથ્વીની વસ્તી ઘણી ઘટી ગઇ છે અને માત્ર થોડાં જ માણસો બચવા પામ્યા છે.

દ્રાક્ષના વેલા કરમાઇ ગયા છે, તેથી દ્રાક્ષનો દ્રાક્ષારસ બનતો નથી, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે. અને રૂદન કરે છે. વીણાનું સુમધુર સંગીત અને ખંજરીનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો છે. આનંદના દિવસોનો અંત આવ્યો છે. હવે લોકો ગીત ગાતાં ગાતાં દ્રાક્ષારસ પીતા નથી, તેમને તે કડવો લાગે છે.

10 નગરી ઉજ્જડ અને વેરાન થઇ ગઇ છે; બધાં ઘરો બંધ થઇ ગયાં છે, તેથી કોઇ વ્યકિત તેમાં પ્રવેશી શકતું નથી. 11 નગરમાં રસ્તાઓ પર લોકો પોકાર કરે છે, કારણ દ્રાક્ષારસ મળતો નથી. આનંદોત્સવ પર અંધકારની છાયા ઊતરી છે, ધરતી પરથી આનંદને દેશવટો દેવાયો છે; 12 સમગ્ર નગર ખંડેર થઇ ગયું છે; તેના દરવાજાઓ તોડી પાડવામાં આવ્યા છે.

13 પૃથ્વી પરના લોકો, જાણે જૈતુન વૃક્ષને ઝૂંડી નાખ્યા હોય તેવા.
    અથવા દ્રાક્ષ ચૂંટી લીધા પછી દેખાતા
    દ્રાક્ષવેલા જેવા લાગે છે.

હિબ્રૂઓ 11:17-28

17-18 દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 19 ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું.

20 વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.

22 વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા.

23 વિશ્વાસના કારણે જ મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહિ.

24-25 વિશ્વાસથી મૂસા મોટો થયો અને મોટા થયા પછી પોતાને ફારુંન રાજાની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું. 26 ઈજીપ્ત દેશની સંપતિના ધણી બનવા કરતાં તેણે ખ્રિસ્તનું અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યુ, કેમ કે ભવિષ્યમાં દેવના તરફથી તેને જે મહાન ખજાનો મળવાનો હતો તેના તરફ તેણે લક્ષ રાખ્યું.

27 વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય. 28 મૂસાએ પાસ્ખા તૈયાર કર્યુ અને દરવાજાની બારસાખ ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂત[a] ઈસ્રાએલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાએ વિશ્વાસ (દેવમાં) હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International