Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
“તેમની કૃપા સદાય રહે છે.”
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
દેવનો પવિત્ર કોશ યરૂશાલેમમાં ખસેડાયો
6 દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. 2 પછી દાઉદ અને તેના માંણસો દેવનો કરારકોશ ત્યાંથી લઈ આવી યરૂશાલેમ ફેરવવાં માંટે યહૂદામાં આવેલા “બાલા” મુકામે ગયો, દેવનો પવિત્ર કોશ દેવના સિંહાસન જેવો છે. તેની ઉપર કરૂબ દેવદૂતોની પ્રતિમાં છે અને યહોવા આ દેવદૂતો પર રાજાની જેમ બેસે છે. 3 દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.
4 આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. 5 દાઉદ અને સર્વ ઇસ્રાએલીઓ યહોવા સમક્ષ વીણા, સારંગી, સિતાર, ડફ, કરતાલ, ઝાંઝ તથા સર્વ પ્રકારના સંગીતનાં સાધનો વગાડતા વગાડતા નાચતા ગાતા હતા. 6 જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો. 7 આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો. 8 યહોવાએ જે કર્યું તેને કારણે દાઉદ નારાજ થયો. તેણે તે સ્થળનું નામ “પેરેસ-ઉઝઝાહ” (ઉઝઝાહ પર આવેલો કોપ) પાડયું. આજે પણ તે સ્થળ એ જ નામથી ઓળખાય છે.
9 તે દિવસે દાઉદને યહોવાનો ભય લાગ્યો અને તે બોલ્યો, “પવિત્રકોશને હું અહીંયા કેવી રીતે લાવી શકીશ?” 10 આથી તેણે પવિત્ર કોશને દાઉદનગરમાં નહિ લઈ જવાનો નિર્ણય કર્યો, અને તે તેને ગાથનગરમાં ઓબેદ-અદોમ નામની વ્યકિતને ઘેર રાખ્યો. 11 ત્રણ માંસ સુધી પવિત્રકોશ ઓબેદ-અદોમને ઘેર રહ્યો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને આશીર્વાદ આપ્યા.
12 જયારે દાઉદને આ સમાંચાર મળ્યા કે “દેવે ઓબેદ-અદોમને તેના કુટુંબને અને તેની માંલિકીની દરેક વસ્તુને આશીર્વાદ આપ્યાં ત્યારે તે આનંદ પામ્યો અને ખુશીથી કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગર લઈ આવ્યો.” 13 જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો. 14 દાઉદ શણના કપડાઁનું એફોદ પહેરીને ખૂબ આનંદથી યહોવા સમક્ષ નાચતો હતો.
15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં.
ઈસુના પુનરુંત્થાનના સમાચાર
(માથ. 28:1-10; માર્ક 16:1-8; યોહ. 20:1-10)
24 વહેલી સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ કબર પાસે જ્યાં ઈસુનો દેહ મૂક્યો હતો ત્યાં આવી. તેઓ તેને માટે બનાવેલા સુગંધી દ્ધવ્યો લાવી હતી. 2 એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. 3 તેઓ અંદર ગઇ, પણ તેઓએ પ્રભુ ઈસુનો દેહ જોયો નહિ. 4 સ્ત્રીઓ આ સમજી શકી નહિ જ્યારે તેઓ આ વિષે અચરજ પામતાં હતાં ત્યારે ચળકતાં લૂગડામાં બે માણસો (દૂતો) તેઓની બાજુમાં આવીને ઊભા. 5 તે સ્ત્રીઓ ઘણી ગભરાઇ ગઇ; તેઓએ તેમના મસ્તક નીચાં નમાવ્યા. તે બે માણસોએ સ્ત્રીઓને કહ્યું કે, “જે જીવંત વ્યક્તિ છે તેને તમે અહી શા માટે શોધો છો? આ જગ્યા તો મરેલા લોકો માટે છે. 6 ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું? 7 ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.” 8 પછી સ્ત્રીઓને ઈસુએ જે કહ્યું હતું તે યાદ આવ્યું.
9 સ્ત્રીઓ કબર આગળથી પાછી આવી અને અગિયાર શિષ્યો તથા બીજા શિષ્યો પાસે ગઇ. સ્ત્રીઓએ કબરમાં જે કંઈ શયું હતું તે બધું તેઓને કહ્યું. 10 આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના યાકૂબની મા મરિયમ તથા કેટલીએક બીજી સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓએ પ્રેરિતોને જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. 11 પરંતુ સ્ત્રીઓએ જે કહ્યું તે પ્રેરિતોએ માન્યું નહિ. એ વાતો મૂર્ખાઇ ભરેલી લાગી. 12 પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International