Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 35:11-28

11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
    અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
    તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
    પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
    તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
    જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
    તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
    પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
    તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.

17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
    તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
    મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.

18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
    ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
    આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
    તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
    ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
    તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
    હવે તમે શાંત બેસી રહેશો નહિ;
    અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
    મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
    મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
    અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
    અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
    અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
    તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
    તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”

28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
    અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.

નિર્ગમન 35:1-29

વિશ્રામવારના નિયમો

35 મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે:

“માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી. સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.”

મુલાકાતમંડપ માંટેની તૈયારી

પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને કહ્યું, “યહોવાએ આ આજ્ઞા આપી છે: દેવ માંટે ખાસ ભેટો ભેગી કરો. તમાંરામાંથી પ્રત્યેકે તમાંરા હૃદયમાં નક્કી કરવું કે તમાંરે શું આપવું છે. જેઓના હૃદય ઉદાર હોય તેઓ યહોવા પાસે અર્પણો લાવે: સોનું, ચાંદી અને કાંસા. ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ, ઘેટાનું પકવેલું ચામડું, કુમાંશદાર ચામડાં, બાવળનાં લાકડાં, દીવા માંટે તેલ, અભિષેકના તેલ માંટે અને ધૂપને માંટે તેજાના, સુંગધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો, યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો.

10 “તમાંરામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાએ જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે: 11 પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ: 12 પવિત્રકોશ અને તેની દાંડાઓ, ઢાંકણ અને દયાસન, પવિત્રસ્થાનને બંધ કરવાનો પડદો; 13 બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી. 14 દીપવૃક્ષ અને દીવાઓ, તેનાં સાધનો, કોડિયાં અને પૂરવાનું તેલ. 15 ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, અને મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માંટેનો પડદો. 16 આહુતિ માંટે વેદી, અને તેની કાંસાની જાળી; થાંભલાઓ અને વેદી પર વપરાતી બધી વસ્તુઓ અને કાંસાનું પહોળુ વાસણ અને તેનું તળ. વેદીને ઊચકવાનાં બધાં સાધનો, દાંડા, કડી અને તેની ધોડી; 17 આંગણાની ભીતો માંટેના પડદાઓ, સ્તંભો, તેઓની કૂભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માંટેના પડદાઓ; 18 મુલાકાતમંડપના અને તેના આંગણાં માંટેના સ્તંભો, આંગણાની ખૂટીઓ અને તેની દોરીઓ, 19 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.”

લોકોના ઉદાર આર્પણો

20 પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા. 21 પછી યહોવાના આત્માંથી જેઓના હૃદયોને સ્પર્શ થયો હતો, તે દરેક પોતાની રાજીખુશીથી મુલાકાતમંડપનાં સાધનો માંટે, તેની સામગ્રી માંટે અને પવિત્ર વસ્ત્રો માંટે તેઓનાં અર્પણો લઈને યહોવાને ભેટ ધરવા પાછા આવ્યા. 22 સ્ત્રીઓ અને પુરુષો પણ આવ્યા અને તેમણે દરેકે રાજીખુશીથી-કોઈએ નથ, તો કોઈએ લવિંગિયાં કોઈએ વીટી, તો કોઈએ હાર. એમ વિવિધ પ્રકારના સોનાનાં ઘરેણાં યહોવાને ભેટ ધર્યા.

23 બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં. 24 જે કોઈ યહોવાને ચાંદી કે કાંસાની ભેટ ધરાવી શકે તેમ હતા તે સૌ તે લાવ્યા, તો કેટલાક બાંધકામ માંટે જરૂરી બાવળનું લાકડું લાવ્યા. 25 જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું. 26 બીજી કેટલીક કુશળ સ્ત્રીઓએ બકરાંના વાળ કાંતીને કાપડ તૈયાર કરી આપ્યું.

27 યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં. 28 તેમ જ દીવા માંટે તથા અભિષેક અને સુગંધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા.

29 આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં.

પ્રેરિતોનાં કૃત્યો 10:9-23

બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”

14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”

15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું. 17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?

કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં. 18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”

19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે. 20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.” 21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”

22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.” 23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.

બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International