Revised Common Lectionary (Semicontinuous)
લોકોમાં શ્રદ્ધા અને દેવમાં શ્રદ્ધા
5 આ યહોવાના વચન છે,
“એને શાપિત જાણજો જે મારાથી
વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે,
જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!
6 તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે.
જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે
એવી ખારી જમીનમાં ઊભો છે
અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.
7 પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે
અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.
8 તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે,
જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે;
તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી;
એનાં પાંદડા લીલાછમ રહે છે.
દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી,
તે ફળ આપતું જ રહે છે.
9 “માણસના મન જેવું કઇં કપટી નથી;
તે એવું તો કુટિલ છે કે
તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.
10 માત્ર યહોવા તે જાણે છે,
યહોવા સર્વ હૃદયોની તપાસ કરે છે.
અને તેના અભ્યંતરની પરીક્ષા કરે છે.
જેથી પ્રત્યેકના આચરણ પ્રમાણે એટલે
તેણે કેવું જીવન વીતાવ્યું છે
તેના આધારે તેને તે યોગ્ય બદલો આપે છે.
ભાગ પહેલો
(ગીત 1–41)
1 દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
2 યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
3 તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.
4 પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
5 તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
6 યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.
મૃત્યુમાંથી આપણે ઊઠીશું
12 ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊઠયો છે તેવો ઉપદેશ આપવામાં આવે છે તો તમારામાંના કેટલાએક એમ શા માટે કહે છે કે મૂએલાનું પુનરુંત્થાન નથી? 13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. 14 અને જો ખ્રિસ્ત કદી પણ ઊઠયો નથી તો અમારો ઉપદેશ નિરર્થક છે. અને તમારો વિશ્વાસ અર્થહીન છે. 15 અને દેવ વિષે અસત્ય બોલવા માટે અમે ગુનેગાર ઠરીશું. શા માટે? કારણ કે અમે દેવ વિષે એવો ઉપદેશ આપ્યો કે દેવે ખ્રિસ્તને મૂએલામાંથી ઊઠાડયો છે. અને જો લોકો મૂએલામાંથી ઊઠયા ન હોય તો દેવે ખ્રિસ્તને મૂએલામાંથી કદી પણ ઊઠાડયો નથી. 16 જો મૃત લોકો મૂએલામાંથી ઊઠયા નથી તો ખ્રિસ્ત પણ કદી મૂએલામાંથી ઊઠયો નથી. 17 અને જો ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો નથી તો તમારો વિશ્વાસ નિરર્થક છે, પરંતુ તમે તમારાં પાપો માટે હજુ પણ દોષિત છો. 18 અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલાં છે, તેઓ હંમેશને માટે વિલિન થઈ ગયા છે. 19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ.
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો.
ઈસુનો ઉપદેશ અને લોકોને સાજાપણું
(માથ. 4:23-25; 5:1-12)
17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા. 18 જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા. 19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા!
20 ઈસુ તેના શિષ્યો તરફ જોતાં જોતાં બોલ્યો,
“તમે લોકો જે ગરીબ છો, તે સૌને ધન્ય છે,
કારણ કે દેવનું રાજ્ય તમારુંછે.
21 તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે,
કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો.
આજે તમે રડો છો,
તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો.
22 “માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે. 23 એવું બને તે દિવસે તમે આનંદમગ્ર બનીને નાચી ઊઠજો, કારણ કે આકાશમાં તમને મોટો બદલો પ્રાપ્ત થશે. કારણ કે તેઓના બાપદાદાઓએ પણ આ પ્રબોધકો સાથે આ જ રીતે વ્યવહાર કર્યા છે.
24 “પણ હે ધનવાનો, તમને અફસોસ છે,
કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે.
25 અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે,
કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે,
અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે,
કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો.
26 “જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International