Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
જ્ઞાન-અજ્ઞાનની ઉજવણી
9 જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે; 2 તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે. 3 તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે, 4 “કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે, 5 આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ. 6 તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માર્ગે ચાલો.”
7 જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે. 8 ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. 9 જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
10 યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11 જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વર્ષો વધશે. 12 જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.
8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે. 11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International