Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
“મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર
મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો.
મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું.
તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
હા, તું યહોવાની રાહ જોજે,
તેઓ તને સહાય કરશે.
7 ન્યાયીના માર્ગે ચાલનારનો રસ્તો સુગમ છે;
તમે યહોવા એને સરળ બનાવો છો.
8 અમે તમારા નિયમોને માર્ગે ચાલીએ છીએ,
અને તમારી જ પ્રતિક્ષા કરીએ છીએ,
તમારું નામસ્મરણ એ જ અમારા
પ્રાણની એકમાત્ર ઝંખના છે.
9 આખી રાત હું તમારા માટે ઉત્કંઠિત રહ્યો છું;
મારા ખરા હૃદયથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ;
કારણ કે જ્યારે તમે પૃથ્વીનો ન્યાય કરીને શિક્ષા કરો છો,
ત્યારે લોકો પોતાની દુષ્ટતાથી પાછા ફરે છે અને યોગ્ય માર્ગે વળે છે.
10 પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય,
તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી;
સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે,
અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.
11 હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે,
તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી,
તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે
તેનું ભાન થતાં તેઓ લજવાય!
તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.
12 હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો,
અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.
દેવ પોતાના લોકોને નવું જીવન આપશે
13 હે અમારા દેવ યહોવા,
તમારા સિવાયના બીજા હાકેમોએ
અમારા ઉપર હકૂમત ચલાવી છે
પણ અમે તો માત્ર તને જ સ્વીકારીએ છીએ.
14 પહેલાં જેઓએ અમારી ઉપર શાસન કર્યું હતું,
તેઓ મૃત્યુ પામ્યાં અને ચાલ્યા ગયા છે;
તેઓ હવે ફરીથી કદી જ પાછા આવી શકે તેમ નથી.
તેમ તેઓની વિરુદ્ધ થયા અને તેઓનો નાશ કર્યો અને તેઓનું નામનિશાન પણ રહ્યું નથી.
15 યહોવાની સ્તુતિ થાઓ!
હે યહોવા, તમે અમારી પ્રજાની વૃદ્ધિ કરી છે,
અમારા દેશના બધા જ સીમાડા વિસ્તાર્યા છે.
37 જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ ઘણા દુ:ખી થયા. તેઓએ પિતર અને બીજા શિષ્યોને પૂછયું, “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?”
38 પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. 39 આ વચન તમારા માટે છે અને તે તમારાં બાળકો તથા જે લોકો દૂર દૂર છે તેઓને માટે પણ છે. આપણા પ્રભુ દેવ તેની પાસે જેટલાંને બોલાવશે તે દરેક માણસ માટે છે.”
40 પિતરે બીજા ઘણા શબ્દોથી તેઓને ચેતવણી આપી; તેણે તેઓને કહ્યું, “હાલમાં જે દુષ્ટ લોકો જીવી રહ્યા છે તેઓથી તમારી જાતનો બચાવ કરો!” 41 પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.
વિશ્વાસીઓનો ફાળો
42 વિશ્વાસીઓએ સંગતમાં ભેગા મળવાનું ચાલું રાખ્યું. તેઓ પ્રેરિતોના બોધ શીખવામાં તેઓના સમયનો ઉપયોગ કરતા. વિશ્વાસીઓ એકબીજાના સહભાગી બન્યા. તેઓ રોટલી ભાગવામાં તથા પ્રાર્થના કરવામાં લાગું રહ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International