Revised Common Lectionary (Semicontinuous)
મરિયમ દેવની સ્તુતિ કરે છે
46 પછી મરિયમે કહ્યું,
47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
17 તમે ફરીવાર રાજાને (દેવને) એક સુવિશાળ દેશ પર પૂરા વૈભવપૂર્વક રાજ્ય કરતો જોવા પામશો. 18 ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?” 19 કારણ કે તેઓનો નાશ થશે; તમે સમજી શકો નહિ તેવી વિચિત્ર તોતડી બોબડી ભાષાવાળા આ ક્રોધી અને હિંસક લોકો નાશ પામશે.
દેવ યરૂશાલેમને બચાવશે
20 આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી. 21 ત્યાં સૈન્યોના દેવ યહોવા આપણને તેની ભવ્યતા સાથે દર્શન દેશે. આપણે વિશાળ નદીઓ અને ઝરણાંઓના પ્રદેશમાં વસીશું. ત્યાં કોઇ શત્રુઓના વહાણો નહિ આવે. 22 કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે.
6 તે દૂતે મને કહ્યું, “આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે. તેણે તેના દૂતને જે થોડી વારમાં થવાનું જ છે તે તેના સેવકોને બતાવવાં મોકલ્યો છે. 7 ‘ધ્યાનથી સાભંળો! હું જલદીથી આવું છું. જે વ્યક્તિ પ્રબોધના વચનોને પાળે છે તેને ધન્ય છે.’”
18 જે આ પ્રબોધનાં વચનો સાંભળે છે તે દરેક વ્યક્તિને હું ચેતવું છું. જો કોઈ વ્યક્તિ આ વચનોમાં કાંઈક ઉમેરો કરશે, તો દેવ તે વ્યક્તિને આ પુસ્તકમાં લખેલી મુસીબતો આપશે. 19 અને જો કોઈ વ્યક્તિ આ પુસ્તકના પ્રબોધનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો દેવ તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી, અને પવિત્ર નગરમાંથી, એટલે જેના વિષે આ પુસ્તકમાં જે લખેલું છે, તેમાંથી કાઢી નાખશે.
20 ઈસુ કહે છે કે આ વાતો સત્ય છે. હવે તે કહે છે કે, “હા, હું જલદીથી આવું છું.”
આમીન! હે પ્રભુ ઈસુ, આવ!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International