Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 55:1-9

યહોવાને શોધનારાને આશીર્વાદ

55 યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે?
    તમારી પાસે પૈસા ન હોય તો
પણ આવો અને પીઓ!
    આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ,
અને દૂધ અને દ્રાક્ષારસ વિના
    મૂલ્યે લઇ જાઓ.
જે ખવાય એવું નથી તેની પાછળ શા માટે પૈસા ખર્યો છો?
    જેનાથી તૃપ્તિ થતી નથી તેની પાછળ તમારી મજૂરી શા માટે ખચીર્ નાખો છો?
મારું કહ્યું ધ્યાનથી સાંભળો,
    અને ઉત્તમ ખોરાક ખાવ.
મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો.
    મારું સાંભળશો તો જીવન પામશો.
હું તમારી સાથે કાયમનો કરાર કરીશ.
    મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું
    તે તમારા ઉપર કરીશ.
મેં તેને લોકોની આગળ મારો સાક્ષી બનાવ્યો હતો.
    તેને મેં પ્રજાઓનો નેતા અને શાસક બનાવ્યો હતો.”

“તેમે પણ અજાણી પ્રજાઓ પર અધિકાર ચલાવશો.
    અને તે પ્રજાઓ તમારી પાસે દોડી આવશે.
કારણ કે ઇસ્રાએલના પરમ પવિત્ર યહોવાએ
    તમારું સન્માન કર્યું છે.”
યહોવા મળે એમ છે
    ત્યાં સુધીમાં તેને શોધી કાઢો,
તે નજીક છે
    ત્યાં સુધીમાં તેને બોલાવો.
દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે;
    અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે;
તેઓ યહોવા પાસે પાછા ફરે;
    તે તેમના પર દયા કરશે;
આપણા દેવને ચરણે પાછા વળો;
    તે પૂરી માફી આપશે.

દેવને લોકો સમજી શકવાના નથી

યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી
    અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.
કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે,
    તેમ મારા માર્ગો તમારા માર્ગોથી
    અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”

ગીતશાસ્ત્ર 63:1-8

દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.

હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
    જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
    ને દેહ તલપે છે.
તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
    પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
    તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
    ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
    અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
    આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
તમે મને સહાય કરી છે,
    અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
    તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.

1 કરિંથીઓ 10:1-13

યહૂદિઓ જેવા ન બનો

10 ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા. મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા. તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું. તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો. પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા.

આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા. મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.”(A) આપણે વ્યભિચારના પાપો જે તેમાંના કેટલાએક લોકોએ કર્યા તે નહિ કરવા જોઈએ. તેઓના પાપોને કારણે એક જ દિવસમાં તેઓમાંના 23,000 લોકો મૃત્યુ પામ્યા. તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું. 10 અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા.

11 જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે. 12 તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ. 13 બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે. પરંતુ તમે દેવમાં ભરોસો રાખી શકો છો. તમારી સહનશક્તિની સીમા બહાર તે તમને વધારે પરીક્ષણમાં પડવા દેશે નહિ. પરંતુ જ્યારે તમે પરીક્ષણમાં પડો, ત્યારે તે પરીક્ષણમાંથી છટકવા માટેનો રસ્તો પણ દેવ જ તમને બતાવશે, તેથી તમે સહન કરી શકો.

લૂક 13:1-9

પસ્તાવો કરો

13 તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું? ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો! પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા? તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”

નિરુંપયોગી વૃક્ષ

ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ. ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું, ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?’ પણ માળીએ ઉત્તર આપ્યો, ‘સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો. બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International