Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 1:4-10

યર્મિયાને દેવ તરફથી હાકલ

યહોવાએ મને કહ્યું:

“તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં
    મેં તને પસંદ કર્યો હતો;
તું જન્મ્યો તે પહેલાં
    મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો,
    આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”

મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”

પરંતુ યહોવાએ કહ્યું,

“હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’
    કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે,
    અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
તે લોકોથી બીશ નહિ, કારણ,
    હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”
આ યહોવાના વચન છે.

પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,

“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું,
    તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે,
વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે,
    બાંધવાનું અને રોપવાનું છે.”

ગીતશાસ્ત્ર 71:1-6

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
    મને શરમિંદો કરશો નહિ.
મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
    મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
    તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
હે મારા દેવ, તમે મને દુષ્ટોના
    ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
    મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
    મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
    હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.

1 કરિંથીઓ 13

પ્રીતિ એજ શ્રેષ્ઠ દાન છે

13 જો હું માણસોની તથા દૂતોની વિવિધ ભાષા બોલી શકું, પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો હું રણકારો કરનાર ઘૂઘરી કે ઝમકાર કરતી એક ઝાઝ માત્ર છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય તો, હું દેવની તમામ રહસ્યપૂર્ણ વાતો જાણતો હોઉં અને સર્વ બાબતમાં જ્ઞાની હોઉં, અને પર્વતોને હઠાવી દે એવો મારો વિશ્વાસ હોય. પરંતુ આ બધી બાબતો ઉપરાંત જો મારામાં પ્રીતિ ન હોય તો હું કશું જ નથી. મારી પાસે જે કઈ છે તે બધું જ હું લોકોને ખવડાવવા માટે આપી દઉં. અને હું મારું શરીર પણ અર્પણ તરીકે અગ્રિને સોંપી દઉં. પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો પછી મને કોઈ લાભ નથી.

પ્રીતિ સહનશીલ છે અને પ્રીતિ પરોપકારી છે. પ્રીતિમાં ઈર્ષ્યા નથી, તે બડાશ મારતી નથી અને તે ગર્વિષ્ઠ પણ નથી. પ્રીતિ ઉદ્ધત નથી, પ્રીતિ સ્વાર્થી નથી અને પ્રીતિ આસાનીથી ક્રોધિત પણ થઈ જતી નથી. પ્રીતિ તેની સામે થયેલા અનુચિત વ્યવહારને યાદ રાખથી નથી. પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે. પ્રીતિ ધૈર્ય સાથે આ બાબતોને સ્વીકાર્ય ગણે છે. પ્રીતિ હમેશા વિશ્વાસ કરે છે, હમેશા આશા રાખે છે, અને હમેશા મદદરુંપ બને છે. હમેશા સહન કરે છે.

પ્રીતિ ક્યારેય નામશેષ થતી નથી. દેવ તરફથી ભવિષ્ય કથન કરવાનાં દાનો છે, પણ તે તો સમાપ્ત થઈ જશે. વિવિધ ભાષાઓમાં વકતવ્ય આપવાના દાનો છે, પણ તે દાનો પણ નામશેષ થઈ જશે. જ્ઞાનનું દાન છે, પણ તે અસ્ત પામશે. આ વસ્તુઓનો અંત આવશે કારણ કે જે જ્ઞાન અને ભવિષ્ય કથન આપણી પાસે છે તે અપૂર્ણ છે. 10 પરંતુ જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થશે ત્યારે અપૂર્ણતાનો અંત આવશે.

11 જ્યારે હું બાળક હતો ત્યારે બાળક જેવી વાતચીત કરતો; બાળક જેવું વિચારતો; બાળક જેવી યોજનાઓ ઘડતો. પણ હું જ્યારે પુરુંષ બન્યો, ત્યારે મેં બાળકો જેવું વર્તન છોડી દીઘું છે. 12 આપણી સાથે પણ આમ જ છે. અત્યારે તો આપણે દર્પણમાં ઝાખું ઝાંખું જોઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીશું. અત્યારે તો હું ફક્ત એક અંશને જ જાણું છું. પરંતુ ત્યારે કે જ્યારે હું સંપૂર્ણપણે જ્ઞાત હોઈશ. જેવી રીતે દેવ મને ઓળખે છે. તેવી રીતે હું પણ તેને સંપૂર્ણ જાણીશ. 13 તેથી વિશ્વાસ, આશા, અને પ્રીતિ. આ બધામાં પ્રીતિ શ્રેષ્ઠ છે.

લૂક 4:21-30

21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!”

22 આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?”

23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!’” 24 પછી અસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારતો નથી.

25-26 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.

27 “અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.”

28 આ વાત સાંભળીને સભાસ્થાનમાંના શ્રોતાજનો ગુસ્સે થઈ ગયા. 29 તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય. 30 છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International