Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.જ્યારે નાથાન પ્રબોધક દાઉદને મળ્યો, બાથશેબા સાથે પાપ કર્યા ત્યાર પછી લખાયું છે.
1 હે પ્રેમાળ દયાળુ દેવ!
મારા પર દયા કરો.
તમારી મહાન સહાનુભૂતિથી
મારા પાપો ભૂંસી નાખો.
2 હે યહોવા, મારા અપરાધ
અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો.
3 હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું,
હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું.
4 મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે,
હા તમારી વિરુદ્ધ;
જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે.
તેથી તમે તમારા નિર્ણયો
અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો.
5 હું પાપમાં જન્મ્યો હતો,
મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો.
6 તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા,
મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો.
7 મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ;
અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ.
8 મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં,
જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે.
9 મારા પાપો તરફ જોશો નહિ,
ભૂંસી નાખો મારા સર્વ પાપ.
10 હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો,
અને મારા આત્માને મજબૂત કરો!
11 મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ,
અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો.
12 જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો.
મારા આત્માને મજબૂત,
તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો.
ધૂપદાની
30 દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી. 2 તે એક હાથ ઊચી અને એક હાથ સમચોરસ બનાવવી અને વેદીના લાકડામાંથી જ કોતરીને તેનાં શિંગ બનાવવા, શિંગ જુદા બનાવીને વેદી પર જોડવા નહિ. તે વેદી સાથે એક નંગ હોવું જોઈએ. 3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવો અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. 4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. 5 એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા. 6 દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે સાક્ષ્યકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી ત્યાં હું તેમને દર્શન દઈશ.
7 “એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો. 8 અને રોજ સાંજે તે દીવાઓ પ્રગટાવે ત્યારે યહોવાની સંમુખ ધૂપ કરવો. તારે પેઢી-દર-પેઢી કાયમ યહોવા સમક્ષ ધૂપ કરવો, 9 તારે એ વેદી પર નિષિદ્ધ ધૂપ કરવો નહિ, કે દહનાર્પણ કે ખાધાર્પણ કે પેયાર્પણ અર્પણ કરવાં નહિ.
10 “વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે.”
ઈસુ આપણને દેવની સમક્ષ જવામાં મદદ કરે છે
14 દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. જે આપણને મદદ કરવા અર્થે તે આકાશમાં ગયેલો છે. તેમનો વિશ્વાસ કરવામાં આપણે જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ. આપણે કદી પાછા ન પડીએ. 15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી. 16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.
5 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. 2 પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. 3 તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.
4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International