Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાના નામની સ્તુતિ કરો;
હે યહોવાના સેવકો,
તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં;
આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે;
તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે;
ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું,
સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં
યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે;
અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે;
તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે;
પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ
અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો;
અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને,
તથા બાશાનના રાજા ઓગને;
અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે;
હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે;
તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે.
તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી;
આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી;
અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે;
અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો,
જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે;
યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો.
યહોવાની સ્તુતિ કરો!
યહૂદાના લોકોની પાપલીલા
8 છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે યહૂદાના આગેવાનો સાથે હું મારે ઘેર બેઠો હતો એવામાં અચાનક મારા માલિક યહોવાની શકિતનો મારામાં સંચાર થયો. 2 મેં જોયું તો માણસ જેવું કઇંક દેખાયું; તેની કમરની નીચેનો ભાગ અગ્નિ જેવો હતો અને કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો ઉજ્જવળ હતો. 3 તેણે હાથ જેવું લંબાવીને મારા વાળ પકડ્યા પછી દેવના આત્માએ મને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉપાડી લીધો અને દેવના સંદર્શનમાં તે મને યરૂશાલેમના મંદિરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લઇ ગયો, જ્યાં તિરસ્કૃત મૂર્તિ હતી, જે જોઇને યહોવા રોષે ભરાય છે. 4 અને જે પ્રમાણે મેં ખીણમાં સંદર્શન જોયું હતું બરાબર તે જ પ્રમાણે ઇસ્રાએલના દેવનો મહિમા ત્યાં હતો.
5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઉત્તર તરફ જો.” મેં જોયું તો વેદીના દરવાજાની ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ દેવના અપમાનરૂપ એક મૂર્તિ હતી.
6 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.”
7 આમ કહીને પછી તે મને મંદિરના ચોકના બારણા આગળ લાવ્યા. ત્યાં મેં ભીતમાં એક કાણું જોયું. 8 તેમણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, અહીં ભીંતમાં ખોદ, મેં ખોધ્યુ તો બારણું નીકળ્યું.”
9 તેમણે મને કહ્યું, “અંદર જા, અને અહીં એ લોકો જે અધમ કૃત્યો કરે છે તે જો.” 10 તેથી મેં અંદર જઇને જોયું તો ચારે બાજુની ભીંતો ઉપર પેટે ચાલનારા પ્રાણીઓની નિષિદ્ધ પશુઓની અને ઇસ્રાએલીઓની બીજી બધી મૂર્તિઓ કોતરેલી હતી.
11 શાફાનનો પુત્ર યાઅઝાન્યા તથા ઇસ્રાએલના 70 વડીલો ત્યાં ઊભા હતા. દેરકની પાસે ધૂપદાનીઓ હતી, તેથી તેઓનાં માથા પર ધૂપના ગોટેગોટા ઉડતા હતા. 12 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તેં જોયું કે ઇસ્રાએલીઓના આગેવાનો અહીં અંઘારામાં પોતપોતાની મૂર્તિના ગોખલા આગળ શું કરે છે? એ લોકો એમ માને છે કે, ‘યહોવા અમને જોતા નથી, તે તો દેશને છોડીને ચાલ્યા ગયા છે.’” 13 પછી યહોવાએ મને કહ્યું, “તું આના કરતા વધુ અધમ કૃત્યો કરતાં એમને જોશે.”
14 ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજે લઇ આવ્યા અને ત્યાં મેં સ્ત્રીઓને ખોટા દેવ તામ્મૂઝના મૃત્યુ માટે દુ:ખી થતા જોઇ.
15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યના પુત્ર, આ જોયું? આથી પણ વધારે અધમ કૃત્યો તું જોવા પામીશ.” 16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા.
17 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, શું તેં આ જોયું? યહૂદાના લોકો આવા ભયંકર પાપ કરે છે તો શું તેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ જે કરી રહ્યાં છે તે ક્ષુલ્લક વસ્તુ છે? તેઓએ સમગ્ર દેશને અપવિત્ર મૂર્તિપૂજા તરફ વાળ્યો છે. તેઓએ સર્વત્ર હિંસા ફેલાવી છે. તેઓ નાકે ડાળી રાખીને મારું અપમાન કરે છે અને મને વધુને વધુ કોપાયમાન કરે છે. 18 તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”
ઈથિઓપિયાના એક માણસને ફિલિપનો બોધ
26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”
27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો. 28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.
29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.” 30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”
31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું. 32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:
“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો.
તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ.
તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા.
પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો;
તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” (A)
34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?” 35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી.
36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.” 37 ફિલિપે જવાબ આપ્યો, જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.” 38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો. 40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International