Revised Common Lectionary (Semicontinuous)
મંદિર પર ચઢવા માટેનું ગીત.
1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
તમે યહોવાને સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
અને યહોવાની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
તમને આશીર્વાદ આપો!
ઇસ્રાએલ અને યહોવાએ કરાર કર્યો
24 દેવે મૂસાને કહ્યું, “તું અને હારુન, તથા નાદાબ તથા અબીહૂ તથા ઇસ્રાએલના વડીલોમાંના સિત્તેર માંરી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને માંરુ ભજન કરજો. 2 પછી તું એકલો માંરી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”
3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.”
4 પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં. 5 પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા.
6 અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું.
7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”
8 પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.”
9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો. 10 ત્યાં તેમણે ઇસ્રાએલના દેવના દર્શન કર્યા. તેમના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી-સ્વચ્છ નિર્મળ આકાશ જ જોઈ લો. 11 ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું આ દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.
ઈસુના સાત શિષ્યોને દર્શન
21 પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું. 2 શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા. 3 સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.”
બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
4 બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો. 5 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?”
શિષ્યોએ કહ્યું, “ના.”
6 ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
7 ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો. 8 બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા. 9 જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી. 10 પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
11 સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ. 12 ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો. 13 ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
14 મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International