Revised Common Lectionary (Semicontinuous)
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
જળપ્રલયનો અંત
8 પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહિ. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારાં બધાં જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઊતરી ગયાં.
2 આકાશમાંથી વરસતો વરસાદ બંધ થઈ ગયો. અને જમીનમાંથી નીચેથી વહેતાં પાણી પણ બંધ થઈ ગયાં. 3 પૃથ્વીને ડૂબાડનારાં પાણી પણ બરાબર પાછા હઠવાં લાગ્યાં. 150 દિવસ પછી પાણી ઓસરી ગયાં અને વહાણ પાછું જમીન પર આવી ગયું. 4 સાતમાં મહિનાના સત્તરમેં દિવસે વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થઈ ગયું. 5 દશમાં મહિના સુધી પાણી ઓસરતાં ગયાં અને દશમાં મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાવા લાગ્યાં.
6 વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી. 7 અને નૂહે એક કાગડાને બહાર ઉડાડી મૂકયો. તે કાગડો જમીન પૂરી ન સુકાઈ ત્યાં સુધી આવજા કરતો રહ્યો. 8 ત્યારપછી નૂહે પૃથ્વી પરથી પાણી ઉતરી ગયાં છે કે, કેમ તે જોવા માંટે એક કબૂતરને મોકલ્યું.
9 કબૂતરને કયાંય આરામ કરવાની જગ્યા મળી નહિ કારણકે પૃથ્વી પર હજુ પાણી પથરાયેલું હતું. તેથી તે નૂહની પાસે વહાણમાં ઉડીને પાછું ફર્યું. નૂહે હાથ લંબાવ્યો તેને પકડયું અને વહાણમાં પાછું લાવ્યો.
10 તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું. 11 તે દિવસે બપોરે તે કબૂતર તેની પાસે પાછું આવ્યું, ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું તાજુ પાંદડું હતું. એટલે નૂહ સમજી ગયો કે, પાણી પૃથ્વી પરથી ઓસરી ગયાં છે. 12 નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.
13 તે પછી નૂહે વહાણના દરવાજા ઉઘાડયા. ને જોયું કે, ધરતી કોરી હતી. નૂહના આયુષ્યના 601 વર્ષમાં પહેલા મહિનાની પહેલી તારીખે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. 14 બીજા મહિનાની 27મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.
15 ત્યારે દેવે નૂહને કહ્યું: 16 “હવે, વહાણને છોડો. તું, તારી પત્ની, તારા છોકરાઓ અને તારા છોકરાઓની પત્નીઓ સાથે વહાણમાંથી બહાર નીકળો. 17 તારી સાથે જે બધી જાતના જીવો, પંખીઓ અને પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રાણીઓ છે તે બધાંને પણ તારી સાથે બહાર લઈ આવ. જેથી તેઓ તેમનો વંશ વધારે અને પૃથ્વી પર વૃદ્વિ પામે.”
18 તેથી નૂહ, પોતાના પુત્રો, પત્ની, પુત્રવધૂઓ વગેરેની સાથે બહાર આવ્યો. 19 બધાં જ પ્રાણીઓ, બધાં જ પેટે ચાલનારા જીવો અને બધાં જ પક્ષીઓ વહાણ છોડી બહાર આવ્યાં. બધાં જ પ્રાણીઓ નર અને માંદાનાં જોડાંમાંજ બહાર આવ્યાં.
પાપમાં મૂએલા પણ ખ્રિસ્તમાં જીવન
6 તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? 2 ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ? 3 જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. 4 કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું.
5 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. 6 આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. 7 જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે.
8 આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. 9 મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International