New Testament in a Year
લગ્ન વિષે
7 હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. 2 પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. 3 પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. 4 પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. 5 એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. 6 થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. 7 હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે.
8 હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. 9 પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.
12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.
15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે.
દેવે તમને તેડયા છે તે પ્રમાણે જીવો
17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International