Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 શમુએલનું 14

યોઆબની મધ્યસ્થી

14 સરૂયાના પુત્ર યોઆબને ખ્યાલ આવી ગયો કે રાજા દાઉદનું મન આબ્શાલોમને મળવા ઘણું આતુર છે. તેથી તેણે તકોઓમાંથી એક ચતુર સ્ત્રીને તેને મળવા લઇ આવવા સંદેશો મોકલ્યો. તેને કહ્યું, “તું શોકમાં હોય તેવો ઢોંગ કરજે. શોકનાં વસ્ત્રો ધારણ કરજે. તું લાંબા સમયથી શોકમાં છે તેવો તારો દેખાવ અને વર્તન રાખજે. પછી રાજા પાસે જજે અને મુલાકાત માંગજે, અને પછી રાજાને આ શબ્દો કહેજે.” પછી યોઆબે તેને રાજાને શું કહેવું તે કહ્યું.

તે સ્ત્રી રાજા પાસે ગઈ, ભોંય પર પડી, લાંબા થઇને પ્રણામ કર્યા અને કહ્યું, “હે રાજા, મને મદદ કરો.”

એટલે રાજાએ પૂછયું, “શું છે?”

તે બોલી, “હું વિધવા છું, માંરો પતિ મૃત્યુ પામ્યો છે, માંરે બે પુત્રો હતા, તેઓ બહાર ખેતરમાં ઝઘડતા હતા, ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું, એટલે તેમાંના એકે બીજાને માંરી નાખ્યો. હવે માંરાં સગાં સંબંધીઓ તથા આખું કુટુંબ માંરી વિરુદ્ધ થઈ ગયાં છે, અને તેઓ એવી માંગણી કરે છે કે, ‘હું માંરો જીવતો રહેલો પુત્ર તેઓને સોંપું, જેથી તેઓ ભાઈનો જીવ લેવા બદલ તેનો જીવ લઈ લે. અને તેના વંશનો અંત આણે.’ જો તેઓ એમ કરે તો માંરો બાકી રહેલો અંગારો પણ બુઝાઈ જાય, અને માંરા પતિનું આ ધરતી ઉપર નામનિશાન કે વારસ ન રહે.”

રાજાએ તેને કહ્યું, “તું તારે ઘેર જા, માંરા પર વિશ્વાસ રાખ, તેની હું કાળજી રાખીશ.”

પરંતુ તે સ્ત્રી બોલી, “હે માંરા રાજા, દોષ બધો માંરા માંથેને માંરા બાપના કુટુંબને માંથે છે, આપ અને આપની ગાદી નિર્દોષ છો.”

10 પછી રાજાએ કહ્યું, “જો કોઈ તને ધમકી આપે તો તેને માંરી પાસે લાવજે; તે ફરી કદી તને હેરાન નહિ કરે.”

11 ત્યારે તેણે કહ્યું, “આપ માંરા રાજા, આપના દેવ યહોવાનું નામ લો, અને પ્રતિજ્ઞા લો કે, તમે માંરા સગાસંબધીઓને વેર લેવા નહિ દો અને તેના ભાઇનું ખૂન કરવા બદલ માંરા બીજા પુત્રને માંરવા નહિ દો.”

રાજાએ જવાબ આપ્યો, “હું યહોવાના સમ ખાઈને કહું છું કે, તારા પુત્રનો એક વાળ પણ વાંકો નહિ થવા દઉં.”

12 પછી તે સ્ત્રીએ કહ્યું, “મુરબ્બીની રજા હોય તો માંરે હજી એક વાત કહેવી છે.”

તો રાજાએ કહ્યું, “તું પૂછી શકે છે.”

13 આથી તે સ્ત્રી બોલી, “તો પછી આપે આવી યોજના દેવના લોકો વિરુદ્ધ શા માંટે રચી છે? આપે આપના જે પુત્રને ઘર છોડવા જબરદસ્તી કરી હતી તેને પાછા લાવ્યા નથી. આપ જે કહો છો તેમાં આપ પોતે જ પોતાને ગુનેગાર ઠરાવો છો. 14 આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી. 15 માંરા મુરબ્બી, રાજાને હું એ કહેવા માંટે આવી છું, કારણ કે લોકોએ મને ગભરાવી અને કહ્યું કે, ‘જો હું રાજાને કહું; તો માંરે જે કાંઇ તેની પાસે કરાવવું હશે તેઓ કદાચ માંરી માંગણી પૂરી કરશે. 16 તેઓ માંરી વાત ધ્યાન પર લેશે અને જે માંણસ મને અને માંરા પુત્રને માંરી નાખી; અમને ઇસ્રાએલથી દેવે પોતાના લોકોને આપેલી ભૂમિમાંથી મીટાવી દેવા ઈચ્છે છે તેનાથી મને બચાવશે.’ 17 તેથી મેં માંરી જાતને કહ્યું કારણ, આપ તો દેવના દૂત જેવા છો, તમને સરખી સમજ શકિત છે. અને સારાસારનો વિવેક કરી શકો છો, અને યહોવા આપની સાથે છે.”

18 એટલે રાજાએ તે સ્ત્રીને કહ્યું, “હું તને એક વાત પૂછું છું તેનો સાચો જવાબ આપજે.”

સ્ત્રીએ કહ્યું, “માંરા ધણી, માંરા રાજા કૃપા કરી પૂછો.”

19 રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?”

સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું જ કહેવું પડશે, આપના સેવક યોઆબે જ મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે. 20 સમગ્ર વાતને જુદું રૂપ આપવા માંટે જ તેણે આમ કર્યું હતું. માંરા દેવ, આપ તો દેવના દૂત જેવા જ્ઞાની છો અને પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે બધુંય આપ જાણો છો.”

આબ્શાલોમ યરૂશાલેમ પાછો ફર્યો

21 રાજા દાઉદે યોઆબને કહ્યું, “મેં જે વચન આપ્યું છે તે પ્રમાંણે હું કરીશ. જાવ અને યુવાન આબ્શાલોમને પાછો ઘરે લઇ આવો.”

22 યોઆબે રાજાને પ્રણામ કર્યા અને રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “હવે મને ખાતરી થઈ કે, આપ માંરા પર પ્રસન્ન છો, આપે માંરું સાંભળ્યું છે.”

23 યોઆબ તરત જ ગશૂર ગયો અને આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો. 24 પણ રાજાએ કહ્યું, “તે પોતાના નિવાસસ્થાને રહેવા જાય, તે અહીં ન આવે. હું તેને જોવા માંગતો નથી.” તેથી આબ્શાલોમ તેના ઘેર ગયો અને રાજાને મળ્યો નહિ.

25 આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો. 26 તેના વાળ બોજારૂપ બની જતા હતા ત્યારે તે દર વરસે વાળ ઉતરાવતો અને ત્યારે તે વાળનું વજન શાહી કાટલાં મુજબ આશરે પાંચ રતલ થતું. 27 આબ્શાલોમને ત્રણ પુત્રો થયા હતા અને તામાંર નામે એક પુત્રી હતી, તે ખૂબ રૂપાળી હતી.

આબ્શાલોમે યોઆબને તેને મળવા માંટે વિવશ કર્યો

28 આબ્શાલોમ યરૂશાલેમ આવ્યો, તેને બે વર્ષ થઈ ગયા, પણ તે કદી રાજા આગળ ગયો નહિ. 29 ત્યાર પછી આબ્શાલોમે તેને માંટે રાજા સામે જવા સંદેશો મોકલવા યોઆબને સંદેશો મોકલાવ્યો, પણ યોઆબે આવવાની; આબ્શાલોમ સાથે વાત કરવાની ના પાડી, આબ્શાલોમે ફરી સંદેશો મોકલ્યો, તો પણ યોઆબે આવવાની ના પાડી.

30 ત્યારે આબ્શાલોમે પોતાના નોકરોને મોકલ્યા, “અને તેઓને જઈને આબ્શાલોમના ખેતરની પાસે આવેલા યોઆબના જવના ખેતરને બાળી નાખવાનું કહ્યું.”

આથી આબ્શાલોમના નોકરોએ ખેતરોને બાળી નાખ્યાં. 31 યોઆબ આબ્શાલોમને ઘેર તરત જ પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. “તારા નોકરોએ માંરા ખેતરને આગ શા માંટે ચાંપી?”

32 આબ્શાલોમે કહ્યું, “માંરી ઇચ્છા એવી છે કે તું રાજાને એમ પૂછ કે, જો તે મને જોવા ઇચ્છતો નથી તો મને શા માંટે ગશૂરમાંથી પાછો બોલાવ્યો છે? હું ત્યાં જ રહ્યો હોત તો માંરા માંટે વધારે સારું હતું. માંરે રાજાની સાથે મુલાકાત કરવી છે, અને જો મેં કંઈ પાપ કર્યું હોય એમ તેમને લાગે તો મને મોતની સજા કરી શકે છે.”

આબ્શાલોમ દાઉદને મળ્યો

33 આબ્શાલોમે જે કહ્યું હતું તે યોઆબે જઈને રાજાને કહ્યું, રાજાએ આબ્શાલોમને તેડાવ્યો, તેણે જઈને ભોંય પર પડીને લાંબા થઈને રાજાને પ્રણામ કર્યા અને દાઉદે આબ્શાલોમને ચુંબન કર્યુ અને ભેટી પડયો.

2 કરિંથીઓ 7

પ્રિય મિત્રો, દેવ તરફથી આપણને આ વચનો મળ્યાં છે. તેથી આપણે આપણી જાતને નિર્મળ બનાવવી જોઈએ-કોઈ પણ વસ્તુ જે શરીર કે આત્માને મલિન બનાવે, આપણે તેનાથી મુક્ત જીવન પદ્ધતિમાં યથાર્થ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે દેવનો આદર કરીએ છીએ.

પાઉલનો ઉલ્લાસ

તમારા હૃદય અમારા પ્રતિ ખોલો. અમે કોઈ વ્યક્તિનું કશું ખરાબ નથી કર્યુ. અમે કોઈ પણ વ્યક્તિના વિશ્વાસનો ધ્વંસ નથી કર્યો, અને અમે કોઈ વ્યક્તિને છેતરી નથી. હું તમારા પર આક્ષેપ મૂકવા આ કહેતો નથી. મેં તમને પહેલા કહ્યું છે તેમ. અમે તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તમારી સાથે જીવવા કે મરવા અમે તૈયાર છીએ. તમારા માટે હું નિશ્ચિતતા અનુભવું છું. હું તમારા માટે ઘણો ગર્વ અનુભવું છું. તમે મને ઘણી હિંમત આપી છે. અને અમારી બધી જ મુશ્કેલીઓમાં મને ઘણો આનંદ મળ્યો છે.

જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમને આરામ મળ્યો નહિ, અમે મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. બાહ્ય રીતે લડાઈઓ હતી, પરંતુ આંતરીક રીતે અમે ભયભીત હતા. પરંતુ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેમને દેવ સહારે આપે છે. અને જ્યારે તિતસ આવ્યો ત્યારે દેવે અમને સહારો આપ્યો. તેના આવવાથી અને તમે એને જે દિલાસો આપેલો તેનાથી અમને આશ્વાસન મળ્યું હતું. મને મળવાની તમારી ઈચ્છા વિષે તિતસે મને કહ્યું. તેણે કહ્યું કે તમે જે કર્યુ છે, તે માટે તમે ખૂબ જ દિલગીર છો અને તમે મારી ખૂબ જ દરકાર કરો છો. તે વિષે તિતસે મને કહ્યું. મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે, હું વધુ રાજી થયો.

મારા પત્રથી તમને દુઃખ થાય તો પણ તે લખવા માટે હું દિલગીર નથી. મને ખબર છે કે તે પત્રએ તમને દુઃખ આપ્યું છે. અને તે માટે હું દિલગીર છું. પરંતુ તેનાથી તમને દુઃખ થયું માટે જ વ્યથિત થયા. હવે મને આનંદ થયો છે કારણ કે તમારા દુઃખે તમને તમારું હૃદય પરિવર્તન કરાવ્યું છે. દેવ ઈચ્છતો હતો તે રીતે તમે દિલગીર થયા. ગમે તેમ પણ અમારા કારણે તમને કોઈ નુક્સાન થયું નહિ. 10 દિલગીલ થવું એટલે કે જેમ દેવ ઈચ્છે છે તેમ કોઈ એક વ્યક્તિને પસ્તાવો થાય તેના જેવું છે. આ વ્યક્તિને તારણ તરફ લઈ જાય છે, અને તે માટે અમે દિલગીર થઈ શકીએ નહિ, પરંતુ જે પ્રકારની વ્યથા દુનિયાની છે, તે મૃત્યુ લાવશે. 11 જેવી દેવની ઈચ્છા હતી તેવી વ્યથા તમારી હતી. હવે જુઓ કે તે વ્યથા તમને શું પ્રદાન કરે છે: તે વ્યથા તમારામાં ઘણી ગંભીરતા લાવી. તમે ખોટા ન હતા તેવું પૂરવાર કરવાની તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને ક્રોધિત તેમજ ભયભીત બનાવ્યા. મને મળવા માટે તેણે તમને પ્રેરણા આપી. તેણે તમને વધારે સમર્પિત બનાવ્યા. તેણે તમને ન્યાયી બાબત કરવાની ઈચ્છાવાળા બનાવ્યા. તમે સાબિત કર્યુ કે તમે આ બાબતમાં સંપૂર્ણ નિર્દોષ હતા. 12 કોઈ એકે ખોટું કર્યુ, તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો. અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો. પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી, દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે. 13 અને તેથી જ અમને દિલાસો મળ્યો.

અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો. કે તિતસ ઘણો જ આનંદિત હતો. તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી. 14 તિતસ આગળ મેં તમારા વખાણ કર્યા હતાં. અને તમે સાબિત કરી આપ્યું કે હું સાચો હતો. બધી જ વસ્તુ અમે જે તમને કહી તે સત્ય હતી. અને તમે તે સાબિત કરી આપ્યું કે અમે જે બધી બડાશો તિતસ આગળ મારી હતી તે સાચી છે. 15 અને જ્યારે એ યાદ કરે છે કે તમે બધા પાલન કરવા તૈયાર છો ત્યારે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ સુદૃઢ બને છે. તમે તેને માન અને ભયથી આવકાર્યો. 16 મને ઘણો આનંદ છે કે હું તમારામાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકું તેમ છું.

હઝકિયેલ 21

યહૂદા પર બાબિલનું આક્રમણ

21 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર. અને કહે: યહોવા આ પ્રમાણે કહે છે: ‘હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીશ અને તમારામાંથી સદાચારી માણસોની તેમજ દુષ્ટોની હત્યા કરીશ. મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું. ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.’”

“હે મનુષ્યના પુત્ર, ભગ્ન હૃદયથી, તીવ્ર શોકથી અને અતિશય દુ:ખમાં તું મોટેથી રૂદન કર, લોકો આગળ તું પસ્તાવો કર. તેઓ તને પૂછે કે, ‘તું શા માટે આક્રંદ કરે છે,’ ત્યારે તેઓને કહે: ‘દેવે આપેલા સમાચારને લીધે જ્યારે એમ થશે ત્યારે હિંમતવાન માણસ પણ ભાંગી પડશે અને તેની તાકાત ચાલી જશે. દરેક વ્યકિત નિર્ગત થશે. મજબૂત ઘૂંટણો પણ થરથરશે અને પાણીના જેવા થઇ જશે.’ યહોવા મારા માલિક કહે છે તમારા પર શિક્ષા આવી રહી છે. મારા ન્યાય ચુકાદાઓ પરિપૂર્ણ થશે.”

તરવાર તૈયાર છે

યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:

“‘તરવાર! હા, તેને ધારદાર
    અને ચમકતી બનાવવામાં આવી છે.
10 સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે.
    વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે.
અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું?
    પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે.
11 તરવાર ચકચકતી બનાવી છે.
    તેનો ઉપયોગ કરવા માટે સંહારકના
હાથમાં સોંપવા માટે તેને ધારદાર
    અને ચકચકતી બનાવી છે.

12 “‘હે મનુષ્યના પુત્ર, તું અતિશય દુ:ખને કારણે મોટેથી પોક મૂક અને રૂદન કર, કારણ કે તે તરવાર મારા લોકોની અને તેઓના સર્વ આગેવાનોની હત્યા કરશે. સર્વ મરણ પામશે માટે તારી છાતી કૂટ. 13 હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?’” એમ યહોવા મારા માલિક કહે છે.

14 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ,
    આ એ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે.
એ તરવાર સંહાર કરનારી છે,
    એ પ્રાણ હરનારી તરવાર છે.
એ સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે,
    એને જોઇને લોકો હિંમત હારી જાય છે.
15 બધા હૃદયમાં આતંક લાવવા માટે
    અને ઘણા લોકોને લથડાવીને નીચે પાડવા માટે,
મેં તેઓની નગરીને દરવાજે-દરવાજે તરવાર લટકતી રાખી છે,
    જે વીજળીની જેમ ઝળકે છે
    અને સંહાર કરવાને સજ્જ છે.
16 હે તરવાર, તું તારી ડાબી બાજુ
    અને તારી જમણી
    બાજુ સંહાર કર.
    જે બાજુ તું ફરે
તે બાજુ સંહાર કર.

17 “હું પણ તાળી પાડીશ
    અને મારા ક્રોધને શાંત પાડીશ,
હું યહોવા આ બોલ્યો છું.”

યરૂશાલેમના માર્ગને પસંદ કરવું

18 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 19 “હે મનુષ્યના પુત્ર, બાબિલનો રાજા પોતાની તરવાર સાથે જ્યાં થઇને આવી શકે એવા બે રસ્તા દોર બંને રસ્તા એક જ દેશમાંથી નીકળવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં નિશાન મૂક. 20 એક એંધાણી રાજાને આમ્મોનીઓના નગર નો માર્ગ બતાવે, અને બીજી એંધાણી યહૂદાનો, ઠેઠ યરૂશાલેમ સુધીનો માર્ગ બતાવે. 21 બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં નિશાન આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે બાણ હલાવે છે, મૂર્તિઓને પ્રશ્ર્ન કરે છે અને વધેરેલા પ્રાણીનું કાળજું તપાસે છે.

22 “તેના જમણા હાથમાં આવેલું બાણ યરૂશાલેમનું છે. ત્યાં તે કિલ્લો તોડવાના યંત્રો ગોઠવશે અને હત્યા કરવા હુકમ આપશે. દરવાજા તોડવાના યંત્રો ગોઠવાશે અને માટીના ગઢ ઊભા કરાશે, અને ખાઇઓ ખોદશે. 23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.”

24 તેથી હું યહોવા મારા માલિક, કહું છું કે, “હે યરૂશાલેમ નગરી, તારાં પાપોની ખબર લેવાઇ રહી છે. સૌ કોઇ જાણે છે કે તું કેવી દોષિત છે. તારા એકેએક કાર્યમાં તારાં પાપ પ્રગટ થાય છે. તારાં પાપોની ખબર લેવાઇ રહી છે અને તું તારા દુશ્મનોના હાથમાં પડવાની જ છે. 25 હે ઇસ્રાએલના દુષ્ટ અને અધમ રાજા, તારા દિવસો પણ ભરાઇ ચૂક્યા છે, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.”

26 યહોવા મારા માલિક કહે છે: “તારી પાઘડી અને મુગટ ઉતાર. હવે પહેલાના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે. 27 હું નગરીને ખંડિયેરબનાવી દઇશ. ખંડિયેર! પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.”

આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી

28 “હે મનુષ્યના પુત્ર, તું આમ્મોનીઓ વિરુદ્ધ પ્રબોધ કર. કારણ કે તેઓએ મારા લોકોની તેમની વિકટ પરિસ્થિતીમાં હાંસી ઉડાવી છે. તેઓને આ પ્રમાણે કહે:

“‘તમારી વિરુદ્ધ પણ ધારદાર,
    ચમકતી તરવાર ખુલ્લી કરવામાં આવી છે,
તે વીજળીની જેમ ચમકારા મારે છે.

29 “‘તમારાં દર્શન જૂઠાં છે.
    ભવિષ્યવાણી ખોટી છે.
    તમે દુષ્ટ છો, અધમ છો;
તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે,
    કારણ કે તમારી શિક્ષાનો
અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.
    તરવાર તમારી ડોક પર પડનાર છે.

બાબિલ વિરુદ્ધ ભવિષ્યવાણી

30 “‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ. 31 હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ. 32 તમે અગ્નિમાં ઇંધણની જેમ હોમાઇ જશો. તમારા પોતાના દેશમાં તમારું લોહી રેડાશે. તમારું કોઇ નામોનિશાન નહિ રહે. હું યહોવા આ બોલ્યો છું.’”

ગીતશાસ્ત્ર 68

નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.

હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
    તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
    જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
    હા, સૌ અતિ આનંદ કરો.
દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
    જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
    જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
દેવ એકાકી લોકોને ઘર આપે છે.
    કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
    પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
    અને તમે વેરાન રણમાં કૂચ કરી.
દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
    અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
    અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
    હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
    લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
    અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
    અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
    તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
    બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
    કે જેને યહોવા પોતાને રહેવા
    માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
    અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
    તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
    તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
    યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
    કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
    અને તેઓજ સૌનું તારણ કરે છે.

20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
    યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
    તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
    પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
    અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”

24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
    તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
    તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
    ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
    કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
    યહૂદાના સરદારો, ઝબુલોન,
    નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
    તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
    રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
    રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
    અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
    કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
    અને યહોવાનું સ્તવન કરો.

33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
    એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
    તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
    તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
    ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.

તેમને ધન્ય હો!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International