Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 41

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

જે દરિદ્રીની ચિંતા કરે છે, તે યહોવાથી આશીર્વાદિત છે;
    સંકટ સમયે ખરેખર યહોવા તેને વિપત્તિમાંથી છોડાવે છે.
તેનું યહોવા રક્ષણ કરે છે તથા તેને જીવંત રાખે છે;
    તે તેના શત્રુઓના બળને નષ્ટ કરે છે
    અને જાહેરમાં તેને માન આપે છે જેથી તે સંસારમાં સુખ પામે.
યહોવા તેને બીમારીના બિછાના પર ટકાવી રાખશે,
    અને મંદવાડમાં તેનાં દુ:ખ અને ચિંતા લઇ લેશે.

મેં પ્રાર્થના કરી, “હે યહોવા, મારા પર દયા રાખો અને મને મારી માંદગીમાંથી સાજો કરો,
    કારણકે મેં કબૂલાત કરી હતી કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યા છે.”
મારા શત્રુઓ આ બધી ખરાબ બાબતો મારી વિરુદ્ધ કહે છે, “તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
    તેનું નામ સમગ્ર સંસારમાંથી વિસરાઇ જશે.”
મારી માંદગીમાં મુલાકાતે આવી, ઢોંગ કરી મિત્રતાનો દાવો કરે છે,
    અને હૃદયમાં અન્યાયનો સંગ્રહ કરે છે;
જ્યારે તે બહાર જાય છે તો નામોશી કરી અને તે જાહેર કરે છે
    અને નિર્બળતાની હાંસી ઉડાવે છે.
મારો દ્વેષ કરનારા અંદરો અંદર કાનમાં વાતો કરે છે,
    અને મારા વિષે તે અત્યંત ખરાબ કલ્પના કરે છે.
તેઓ કહે છે; “તેની માંદગી એવી પ્રાણધાતક છે
    કે તે પથારીમાં પડ્યો છે
    ઓટલે પાછો ઊઠવાનો નથી.”
મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ
    અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
10 હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો;
    મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
11 તમે મારા પર પ્રસન્ન છો એની મને ખબર છે;
    તમે મારા પર શત્રુઓને વિજય આપ્યો નથી.
12 હું નિર્દોષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો.
    તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.

13 ઇસ્રાએલનાં દેવ યહોવા પુરાતન કાળથી
    તે અનંતકાળ સુધી સ્તુત્ય રહે.

આમીન તથા આમીન.

ગીતશાસ્ત્ર 52

નિર્દેશક માટે. દાઉદનું માસ્કીલ, જ્યારે દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, “દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે,” તે વખતે લખાયેલું છે.

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે?
    તું લગાતાર દેવને અપકીર્તિ કરનાર છે?
તું દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તારી જીભ અણીદાર અસ્રા જેવી છે.
    તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.
તું ભલાઇ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે,
    તું સત્ય કરતાં વધારે અસત્ય આચરે છે.

તું અને તારી જૂઠી જીભ લોકોને ઇજા કરવા માંગે છે.
પણ દેવ તને નીચો પાડશે, અને તને ઘરમાંથી ખેંચી કાઢશે;
    અને ઇહલોકમાંથી તને ઉખેડી નાખશે.

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે,
    અને દેવને માન આપશે
તેઓ હસશે અને કહેશે કે,
    “જે પુરુષે ઇશ્વરને પોતાનો આશ્રય ન કર્યો,
    અને દુષ્કર્મોને વળગી રહ્યો તે પોતાના આ ધન પર ભરોસો રાખીને રહ્યો.”

પણ હું તો દેવના મંદિરમાં આબાદી પામતાં જૈતવૃક્ષ જેવો છું.
    હું હંમેશા ઇશ્વરની કૃપા પર ભરોસો રાખીશ.
હે યહોવા, તમે જે કાંઇ કર્યું છે, તે માટે હું સદાકાળ આભાર સ્તુતિ કરીશ.
    તમારા સંતોની સામે તમારું નામ ઉત્તમ છે એવું હું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 44

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત. માસ્કીલ.

હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે,
    જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું,
    તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
વિદેશીઓની પ્રજાને,
    તમે તમારા હાથે હાંકી કાઢી,
ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી
    તેઓને ત્યાં વસાવ્યા હતા.
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી.
    અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો.
તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા,
    પરંતુ તમારા જમણા હાથે,
તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા.
    કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
હે દેવ, તમે મારા રાજા છો.
    આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું;
    અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, “તરવાર”
    પણ મારો બચાવ કરી શકશે નહિ.
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે,
    જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું!
    અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!

પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે.
    તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે,
    અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
11 તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે,
    અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
12 તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે,
    શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી?
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે;
    અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
14 તમે અમને રાષ્ટ્રો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે.
    તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
15 આખો દિવસ હું મારું કલંક જોઉં છું
    અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
16 કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે.
    જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
17 ભલે, આ બધું અમારા પર આવી પડ્યું,
    તોય અમે તમને ભૂલી નથી ગયા;
    ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી,
    અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
19 તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે;
    અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
20 જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત
    અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
21 તો શું દેવે તે જાણ્યું ન હોત? હા,
    યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
22 પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ.
    તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
23 હે યહોવા, જાગૃત થાઓ!
    હવે ઊંઘસો નહિ;
    અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો?
    તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
25 અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ
    અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
26 હે દેવ, અમને મદદ કરવા ઊઠો,
    અને તમારી કૃપાથી અમને બચાવી લો.

નિર્ગમન 32:1-20

સોનાનું વાછરડું

32 મૂસાને પર્વત પરથી આવવામાં વિલંબ થતો જોઈને લોકોએ હારુન પાસે ભેગા થઈને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માંટે દેવ બનાવ. કારણ કે મિસરમાંથી અમને અહીં લઈ આવનાર મૂસા હવે અદ્રશ્ય થઈ ગયો છે; તેનું શું થયું એની અમને ખબર પડતી નથી.”

એટલે હારુને તેમને કહ્યું, “તમાંરી પત્નીઓ અને પુત્રપુત્રીઓના કાનમાંથી સોનાની કડીઓ કાઢી માંરી પાસે લાવો.”

તેથી તેઓએ પુરુષો; સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓએ તેમ કર્યુ. હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને એક વાછરડાંની મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠયા, “ઇસ્રાએલીઓ! આ રહ્યા તમાંરા દેવ, જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”

હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાના માંનમાં ઉત્સવ થશે.”

બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તરત નીચે જા, કારણ, તારા લોકો, જેમને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ એ ભયંકર પાપ કર્યુ છે. મેં તેમને જે માંર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેમણે પોતાના માંટે એક વાછરડાની મૂર્તિ બનાવી છે અને તેને પગે લાગીને તેને ભોગ ધરાવીને એમ બોલ્યા છે કે, ‘હે ઇસ્રાએલના પુત્રો, આ રહ્યા તમાંરા દેવ, જે તમને લોકોને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.’”

પછી યહોવાએ કહ્યું, “મને ખબર પડી છે કે આ લોકો કેટલા બધા હઠીલા અને બળવાખોર છે. 10 એટલે હવે તમે મને અટકાવશો નહિ, એમના પર માંરો ક્રોધ ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરીશ, અને તેઓના સ્થાને હે મૂસા, હું તમાંરામાંથી મહાન પ્રજા પેદા કરીશ.”

11 પરંતુ મૂસાએ યહોવા દેવને વિનંતી કરી કે તે તેમ ન કરે; તેણે આજીજી કરીને કહ્યું, “હે દેવ યહોવા, શા માંટે તારે તારા આ લોકો ઉપર ક્રોધ કરવો જોઈએ? તું તો એ લોકોને તારા બાહુના અપૂર્વ સાર્મથ્યથી મિસરમાંથી બાહર લાવ્યો હતો; 12 શું તમે એમ ઈચ્છો છો કે મિસરવાસીઓ કહે, ‘દેવ તેઓને ફસાવીને પર્વતો મધ્યે લઈ ગયા છે, જેથી તે તેઓનો સંહાર કરે, અને પૃથ્વીની સપાટી પરથી સદંતર સમાંપ્ત કરે?’ તમાંરા ક્રોધને ઠંડો પાડો અને તમાંરા લોકોનું ખોટું કરવાનું છોડી દો. 13 તમાંરા સેવકો, ઈબ્રાહિમ, ઈસહાક અને ઇસ્રાએલને આપેલું તમાંરું વચન યાદ કરો. અને તમે વચન કહ્યું હતું, ‘આકાશના તારા જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ, તેઓનો સદાનો વારસો થશે. અને તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.’”

14 તેથી યહોવાએ પોતાના લોકોનું ખોટું કરવાનો જે વિચાર કર્યો હતો તે જતો કર્યો.

15 પછી મૂસા પાછો ફરીને કરારની બંને તકતીઓ હાથમાં લઈને પર્વત પરથી નીચે ઊતર્યો. તકતીઓની બંને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી. 16 તે તકતીઓ દેવે બનાવેલી હતી અને તેના ઉપરનું લખાણ પણ દેવે કોતરીને લખેલું હતું.

17 નીચે તળેટીમાં લોકોની બૂમાંબૂમનો અવાજ સાંભળીને યહોશુઆએ મૂસાને કહ્યું, “એવું લાગે છે કે એ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા હોય!”

18 પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી તેમ પરાજયનો પોકાર પણ નથી. આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”

19 જ્યારે તેઓ છાવણી પાસે આવ્યા ત્યારે મૂસાએ વાછરડું અને નાચગાન જોયાં, મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે પર્વતની તળેટીમાં હાથમાંની તકતીઓ નીચે પછાડીને ચૂરેચૂરા કરી નાખ્યા. 20 પછી તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળાવી નાખ્યું. પછી તેનો વાટીને ભૂકો કરી નાખ્યો અને તે પાણીમાં ભભરાવી ઇસ્રાએલીઓને પાઈ દીધો.

કલોસ્સીઓ 3:18-4

અન્ય લોકો સાથે તમારું નવુ જીવન

18 પત્નીઓ, તમારા પતિની સત્તાને આધીન રહો. પ્રભુમાં આ કામ કરવાની સુયોગ્ય બાબત છે.

19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ કરો, અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ.

20 બાળકો, તમારા માબાપોની દરેક આજ્ઞાને અનુસરો, આ પ્રભુને પ્રસન્ન કરે છે.

21 પિતાઓ, તમારા બાળકોને ચીડવો નહિ. જો તમે તેમના પ્રત્યે કઠોર બનશો, તો પછી તેઓ પ્રયત્નો કરવાનું જ છોડી દેશે.

22 દાસો, તમારા પૃથ્વી પરના માલિકોની દરેક આજ્ઞા પાળો. તમારો માલિક તમને જોઈ શકે તેમ ન હોય તેવા સમયે પણ તમારા માલિકની આજ્ઞાઓનું પાલન કરો. તમે તો ખરેખર લોકોને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યા નથી, તમે તો પ્રભુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરી રહ્યા છો. તેથી પ્રામાણિકપણે આજ્ઞાપાલન કરો કારણ કે તમે પ્રભુનો આદર કરો છો. 23 તમે જે કરી રહ્યા છો તે દરેક કાર્યમાં, તમે જેટલું થઈ શકે તેટલું શ્રેષ્ઠ કામ કરો. એ રીતે કામ કરો, જાણે લોકો માટે નહિ, પરંતુ પ્રભુ માટે કાર્ય કરી રહ્યા છો. 24 યાદ રાખો કે પ્રભુ તરફથી તમને બદલો મળવાનો છે. તે તમને, તેણે જે તેના લોકોને વચન આપેલું તે પ્રદાન કરશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છો. 25 યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ અનુચિત કાર્ય કરશે તે તેના અનુચિત કાર્યને કારણે સજાને પાત્ર બનશે. પ્રભુ ને ત્યાં પક્ષપાત નથી.

ઘણીઓ, જે બાબતો તમારા સેવકો માટે સુંદર અને ન્યાયી હોય તે તેમને આપો. યાદ રાખો કે આકાશમાં તમારો પણ ઘણી છે.

ખ્રિસ્તીઓને કેટલીક બાબતો કરવા પાઉલ જણાવે છે

પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો. અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ. પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ.

જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો. જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.

પાઉલ સાથેના લોકો વિષેના સમાચાર

તુખિકસ ખ્રિસ્તમાં મારો વહાલો ભાઈ છે. પ્રભુમાં તે મારી સાથે વિશ્વાસુ સેવક તથા સાથી દાસ છે. તે તમને મારી સાથે બની રહેલી તમામ ઘટનાઓ જણાવશે. તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું. ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે.

10 અરિસ્તાર્ખસ તમને ક્ષેમકુશળ કહે છે. તે મારી સાથે અહીં કેદી છે. અને માર્ક, બાર્નાબાસનો પિત્રાઈ પણ તમને ક્ષેમકુશળ કહે છે. (માર્ક અંગે શું કરવું તે ક્યારનું મેં તમને જણાવી દીધું છે. જો તે ત્યાં આવે, તો તમે તેને આવકારજો.) 11 ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે.

12 એપાફ્રાસ પણ તમને ક્ષેમકુશળ કહે છે. તે ઈસુ ખ્રિસ્તનો સેવક છે. અને તે તમારા સંઘનો છે. તે હમેશા તમારા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થે છે કે તમે આત્મિક રીતે પરિપકવ બનવા માટે વિકાસ પામો અને દેવ તમારા માટે ઈચ્છે છે તે દરેક વસ્તુ તમને પ્રાપ્ત થાય. 13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે. 14 દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે.

15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો. 16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, “તને પ્રભુએ જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવા સાવધ રહેજે.”

18 હું પાઉલ, મારા સ્વહસ્તે આ પત્ર લખી રહ્યો છું અને તમને ક્ષેમકુશળ પાઠવી રહ્યો છુ, કારાગારમાં મને યાદ કરજો. દેવની કૃપા (દયા) તમારા પર થાઓ.

માથ્થી 5:1-10

ઈસુ લોકોને શિક્ષણ આપે છે

(લૂ. 6:20-23)

ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:

“જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.
    કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે.
    કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે.
    કેમ કે તેઓ પૃથ્વીનું વતન[a] પામશે.
બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે,
    તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે.
    કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓને દેવના દર્શન થશે.
જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે.
    કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે.
    કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International