Print Page Options
Previous Prev Day Next DayNext

Proverbs Monthly

Read through the book of Proverbs every month of the year.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નીતિવચનો 4

જ્ઞાનની ફળશ્રુતિ

દીકરાઓ, પિતાનો ઉપદેશ ધ્યાનથી સાંભળો, અને સમજણ મેળવવા માટે ધ્યાન આપો. હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.

જ્યારે હું મારા પિતાના ઘરનો સભ્ય હતો, જ્યારે હું મારી માતાની દ્રષ્ટિએ એકનો એક યુવાન દીકરો હતો. ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ. જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ. જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે.

“જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે. તું એમનું સન્માન કરીશ તો એ તને ઊંચે ચઢાવશે; તું જો તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. તે તને હારનો શણગાર અને સુશોભિત મુગટ પહેરાવશે.”

10 હે મારા પુત્ર, મને ધ્યાનથી સાંભળ અને મારા શબ્દોનો સ્વીકાર કર તો તારું આયુષ્ય વધશે. 11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માર્ગે દોરીશ. 12 જેથી ચાલતી વખતે તને કોઇ બાધા પડે નહિ અને દોડતી વખતે ઠોકર વાગે નહિ, એનું જીવની જેમ સંભાળ રાખજે. 13 આ શિક્ષાને તું મજબૂતીથી વળગી રહેજે, તેને છોડતો નહિ, તેની કાળજી રાખજે કારણકે તે જ તારું જીવન છે.

14 દુષ્ટ માણસોના માર્ગે જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ. 15 તે રસ્તાથી દૂર રહેજે, તેની પાસે જઇશ નહિ. તેમાંથી છૂટો પડીને નીકળી જજે. 16 એ દુષ્ટ લોકોને કોઇનું નુકશાન કર્યા વિના ઊંઘ આવતી નથી. અને કોઇને ફસાવ્યા ન હોય તો તેમની ઊંઘ ઊડી જાય છે. 17 કારણ કે તેઓ પાપનો રોટલો ખાય છે અને હિંસાનો દ્રાક્ષારસ પીએ છે.

18 પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે. 19 જ્યારે દુષ્ટોનો માર્ગ અંધકારમય છે, જેમાં પોતે શા માટે ઠોકર ખાધી છે તે પણ તેઓ જાણી શકતા નથી.

20 દીકરા, મારા વચનો ઉપર ધ્યાન આપ, અને મારા ઉપદેશને કાને ધર. 21 તારી આંખ આગળથી તેને દૂર થવા દઇશ નહિ, તેને તારા હૈયામાં સંઘરી રાખજે. 22 જે કોઇ તેને મેળવે તેના માટે તે જીવન છે. અને તેમને પૂર્ણ સ્વાસ્થ્ય આપે છે. 23 કોઇપણ બીજી વસ્તુ કરતાં સૌથી વધારે તારાં હૃદયની કાળજી રાખજે. કારણ એમાંથી જ જીવનમાં ઝરણાં વહે છે.

24 જૂઠ્ઠું બોલીશ નહિ અને ષ્ટવાણી બોલીશ નહિ. 25 તારી આંખો સામી નજરે જુએ. અને તારી સીધી નજર સામેના રસ્તા ઉપર રાખજે. 26 તારા ચરણોના માર્ગની યોજના કરજે. અને તારો સમગ્ર માર્ગ સુરક્ષિત હશે. 27 જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે ચાલ્યો જજે. દુષ્ટ પાપને માર્ગે પગ મૂકીશ નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International