Chronological
મંદિર પર ચઢવા માટેનું ગીત.
1 હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો;
    તમે યહોવાને સ્તુત્ય માનો.
2 પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો
    અને યહોવાની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે
    તમને આશીર્વાદ આપો!
1 યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8     યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
    સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
    સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
    ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
    અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
    પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.
6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
    અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
7 તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
    અને તેમને પાઠ ભણાવે.
8 તેઓના રાજાઓને અને આગેવાનોને;
    લોખંડની સાંકળોથી બાંધે.
9 અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
    યહોવા તેમના બધાં સંતોનો આદર છે.
યહોવાની સ્તુતિ કરો.
1 યહોવાની સ્તુતિ કરો!
તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!
6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!
તમે સૌ યહોવાની સ્તુતિ કરો!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International