Chronological
પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.
1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
2 “મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.
3 પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.
4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
5 પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.
7 હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.
8 યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.
નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
નિર્દેશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, રક્ષા કરો;
    દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે
    તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
2 લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે.
    લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
3 પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો
    અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
4 તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું;
હોઠ અમારા પોતાના છે,
    અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”
5 યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ
    અને તમારું રક્ષણ કરવા આવીશ,
કારણ કે ગરીબો લૂટાયા
    તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે.
    તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”
6 યહોવાના શબ્દો સાત વખત
    ભઠ્ઠીમાં તપાવેલી
    ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.
7 હે યહોવા, તેઓને સંભાળજો;
    આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
8 દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે.
    અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
    શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
    જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
    કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
    જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
    મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
    તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
    કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
    હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
    કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
    મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
    તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
    અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
    તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
    દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
    તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
    જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
    અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
    અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
    કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
    મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
    તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
    યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
    અને તમારા વારસાને આશીર્વાદ આપો.
    વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.
1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
2 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
3 દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
4 મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
5 મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
6 મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
7     હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.
8 વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
9 હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.
12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.
15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.
16 હું તો દેવને પોકાર કરીશ,
    તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
    અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
    પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
    તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
    પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
    તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
    પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
    પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.
22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
    અને તે તમને નિભાવી રાખશે,
    તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.
23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
    ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International