Chronological
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
    અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
    હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
    કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3     હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
    ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
    કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
    મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
    રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
    કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
    યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
    યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
    ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.
1 હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
    અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
2 હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
    સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
3 જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
    અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.
4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
    તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
    અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
    અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
6 હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
    અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
    જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.
7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
    અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
    અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
    તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.
10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
    કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
    ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
    તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
    લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
    મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
    તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
    અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
    તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
    તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
    પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
    યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
    ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
    ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
    જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
    સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
    તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
    અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
    લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
    દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
    અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
    દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
    સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
    તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
    કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
    માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
    ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
    તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
    અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
    દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
    સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
    તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
    અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
    શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
    તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
    તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
    તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
    તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
    દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
    વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
    તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
    અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
    પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
    તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
    તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
    કે કોઇ ડાહ્યાં લોકો છે
    કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
    બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
    દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
    અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
    તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
    કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
    પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
    સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
    ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
    અને ઇસ્રાએલ સુખી થશે.
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
    “તમે મારા માલિક છો.
    મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
    “એવાં સ્રી પુરુષના સંગમાંજ
    મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
    હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
    હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
    હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
    વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
    રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
    તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
    ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
    અને મારો આત્મા પણ ખુશ છે;
    તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
    શેઓલને સોંપશો નહિ.
    તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
    તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
    તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
    અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
    દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
    કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
    સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5     તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
    તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
    અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
    તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
    તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
    તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
    તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
    જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
    અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
    તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
    વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
    અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
    છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
    મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
    અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
    મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
    તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
    તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
    અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
    અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
    તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
    અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
    અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
    અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
    તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
    અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
    માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
    છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
    તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
    અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International