Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 55

નિર્દેશક માટે. સંગીતનાં વાજીંત્રો સાથે ગાવા માટેનું દાઉદનું માસ્કીલ.

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો;
    મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો;
    હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
દુશ્મનો મારી સામે બૂમો પાડી રહ્યાં છે.
    તેઓએ મને ધમકી આપી ગુસ્સામાં અને ધિક્કારથી મારા પર હુમલો કર્યો.
    તેઓ મારા ઉપર તકલીફો લાવ્યા.
મારા હૃદયમાં ઘણી વેદના થાય છે,
    અને મૃત્યુની ધાકે મારા પર કબજો જમાવ્યો છે.
મારું શરીર ભયથી ધ્રુજે છે,
    હું ભયથી ઘેરાઇ ગયો છું.
મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!
    કે હું દૂર ઊડી શકત અને વિશ્રામ કરત.
    હું રણમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત.

વિનાશકારી પવનનાં તોફાનથી
    હું ઉતાવળે નાસીને આશ્રયસ્થાને પહોંચત.
હે યહોવા, આ દુષ્ટજનોમાં અંદરો અંદર ગેરસમજ ઊભી કરો,
    મેં એકબીજાની વિરુદ્ધ નગરમાં હિંસક ઝગડા જોયાં છે.
10 આખા શહેરમાં રાત-દિવસ હિંસા અને ઉપાધિ છે,
    શહેરમાં ક્રૂરતા અને દુષ્ટતા પ્રવર્તી રહી છે.
11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે!
    જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે.

12 મને મહેણાં મારનાર કે નિંદા કરનાર, મારા શત્રુ ન હતા;
    એ તો મારાથી સહન કરી શકાત;
મારી વિરુદ્ધ ઊઠનાર મારો વેરી ન હતો,
    નહિ તો હું સંતાઇને નાસી છૂટયો હોત.
13 પણ તે તો તમો છે મારા જેવા માણસ,
    મારા મિત્ર ને મારા સાથીદાર છો.
14 આપણે એકબીજાની સાથે સુખે વાતો કરતાં હતાં.
    અને જનસમુદાય સાથે દેવના મંદિરમાં જતા હતા.

15 એકાએક તેમના પર મોત આવો,
    તેઓ જીવતા જ શેઓલમાં ઉતરી પડો, કારણ, તેઓનાં ઘરોમાં પાપ થાય છે,
    તેઓનાં અંતરનાં ઊંડાણોમાં દુષ્ટતા છે.

16 હું તો દેવને પોકાર કરીશ,
    તેથી યહોવા મારું તારણ કરશે.
17 પણ હું, મારા દુ:ખમાં; સવારે બપોરે ને રાત્રે દેવને સાદ કરીશ;
    અને તે મારી પ્રાર્થના સાંભળશે.
18 હું ઘણા યુદ્ધોમાં લડ્યોં છું;
    પરંતુ દેવે હંમેશા મને બચાવ્યો છે અને મને સુરક્ષિત રીતે પાછો લાવ્યો છે.
19 દેવ અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,
    તે તેઓને તેઓના શબ્દો સાંભળીને નમાવશે,
તેઓ યહોવાનો ભય રાખતાં નથી ને પોતાના માર્ગ
    પણ બદલતાં નથી.
20 તેઓએ તેમનાં મિત્રો પર હુમલો કર્યો છે,
    તેઓએ તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.
21 તેના શબ્દો છે માખણ જેવાં સુંવાળા,
    પણ તેનું હૃદય યુદ્ધનાં વિચારોથી ભરેલુ છે.
શબ્દો તેલ કરતાય વધુ નરમ છે,
    પણ તે શબ્દો છરીની જેમ કાપે છે.

22 તમારી ચિંતાઓ યહોવાને સોંપી દો,
    અને તે તમને નિભાવી રાખશે,
    તેઓ ક્યારેય સદાચારી લોકોને પરાજીત થવા દેતા નથી.

23 હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો.
    ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં.
પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

ગીતશાસ્ત્ર 138:1-139:23

દાઉદને સમર્પિત એક ગીત.

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ;
    હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.
તમારી વફાદારી અને સાચા પ્રેમ માટે,
    હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ,
હું તમારો આભાર માનીશ
    અને સ્તુતિ ગાઇશ કારણ કે તમારા શબ્દોએ તમારા નામને બધી વસ્તુઓ કરતાં ઉચ્ચપદે મૂક્યું છે.
મેં પ્રાર્થના કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
    અને આત્મબળ આપી મને બળવાન કર્યો.

હે યહોવા, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે;
    તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
તેઓ યહોવાના માર્ગોર્ વિષે ગીત ગાશે,
    કારણકે યહોવાનો મહિમા મહાન છે!
જો કે યહોવા સવોર્ચ્ચ સ્થાને બિરાજે છે.
    તે નિર્ધન અને રાંક લોકોની કાળજી લે છે.
પણ ગવિર્ષ્ઠ માણસોને તો
    તે દૂરથી જ ઓળખે છે.
ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો;
    મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.
યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.
    હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે;
    મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
    અને તમે મારા વિષે બધું જાણો છો.
મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
    મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
    હું જે બધું કરું છું તે તમે જાણો છો.
હું બોલું તે અગાઉ તમે જાણો છો,
    કે હું શું કહેવા ઇચ્છુ છું.
તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
    અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
    તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં?
    તમારી હાજરી માંથી હું ક્યાઁ નાસી જાઉ?
જો હું આકાશમાં જાઉં તો તમે ત્યાં છો;
    જો હું શેઓલમાં જાઉં તો પણ તમે ત્યાં જ છો.
જો હું પરોઢિયાની પાંખો પર
    સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
10 તો ત્યાં પણ મને તમારો હાથ દોરશે;
    તમારું સાર્મથ્ય મને સહાય કરશે.

11 જો હું અંધકારમાં સમાઇ જવાનો પ્રયત્ન કરું
    તો રાત મારી આસપાસ પ્રકાશરૂપ થશે.
12 અંધકાર પણ મને સંતાડી શકતો નથી યહોવાથી;
    તમારી આગળ રાત પણ દિવસની જેમ પ્રકાશે છે;
    અંધકાર અને પ્રકાશ બંને છે તમારી દ્રષ્ટિમાં સમાન.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
    અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
    માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
    હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!

15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
    ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
    અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
    જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
    તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
    અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
    દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
    અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!

19 હે યહોવા, તમે દુષ્ટોનો ખચીત સંહાર કરો;
    અને લોહી તરસ્યા ખૂનીઓ મારાથી દૂર થાઓ.
20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે;
    અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે;
    તેઓ કેટલા મૂર્ખ છે!
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાઓનો શું હું દ્વેષ ન કરું?
    જેઓ તમારી સામે ઊઠે છે; શું હું તેઓનો ધિક્કાર ન કરું?
22 હું તેઓને સંપૂર્ણ રીતે ધિક્કારું છું;
    હું તમારા શત્રુઓને મારા શત્રુઓ ગણું છું.
23 હે યહોવા, મારી પરીક્ષા કર; અને મારું અંત:કરણ ઓળખ;
    મારી કસોટી કર અને મારા વિચારોને પકડ.

ઉત્પત્તિ 18:1-16

ત્રણ અતિથિ

18 પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો. ઇબ્રાહિમે આંખ ઊંચી કરીને જોયું, તો પોતાની સામે ત્રણ માંણસોને ઊભેલા જોયા. તે તેમની પાસે દોડતો દોડતો ગયો અને તેઓને પ્રણામ કર્યા. ઇબ્રાહિમે કહ્યું, “માંરા સ્વામી, જો માંરા પર આપની કૃપાદૃષ્ટિ હોય, તો આ સેવકની સાથે થોડીવાર ઊભા રહો. હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો. હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”

ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”

ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.” પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.” પછી ઇબ્રાહિમ એ ત્રણેય ને ભોજન માંટે માંસ આપ્યું. અને દૂધ દહીં પણ પીરસ્યાં, જયાં સુધી એ ત્રણે જણ ખાતાં રહ્યાં ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.

તે વ્યકિતઓએ ઇબ્રાહિમને કહ્યું, “તારી પત્ની સારા કયાં છે?”

ઇબ્રાહિમે કહ્યું, “તે તંબુમાં છે.”

10 ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”

સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી. 11 ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો. 12 એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”

13 યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા હસીને કેમ બોલી કે, ‘મને બાળક જન્મશે ખરું?’ હું તો ઘરડી થઈ છું! 14 શું યહોવાને માંટે કશું અસંભવ છે? નહિ, હું ફરી વસંતમાં નક્કી કરેલા સમયે આવતા વર્ષે તારે ત્યાં જરૂર આવીશ. અને તારી પત્ની સારાના ખોળામાં પુત્ર રમતો હશે જ.”

15 પરંતુ સારાએ કહ્યું, “હું હસી નહોતી.” (એણે એમ કહ્યું, કારણકે તે ડરી ગઈ હતી.)

પરંતુ યહોવાએ કહ્યું, “ના, હું જાણું છું કે, તારું કહેવું સાચું નથી. તું સાચે જ હસી હતી.”

16 પછી તે પુરુષો જવા માંટે ઊઠયા, તેઓએ સદોમ તરફ નજર કરી અને તે તરફ ચાલી નીકળ્યાં. ઇબ્રાહિમ તેઓને વિદાય આપવા માંટે થોડે દૂર સુધી તેમની સાથે ગયો.

હિબ્રૂઓ 10:26-39

ખ્રિસ્ત તરફથી મોં ના ફેરવો

26 સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ. 27 જો આપણે પાપ કરવાનું ચાલુ જ રાખીશું તો ન્યાયની ભયંકર અપેક્ષા અને દેવના વિરોધિઓને ભસ્મ કરી નાખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી. 29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો. 30 આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યો કરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.”(A) દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુ તેના લોકોનો ન્યાય કરશે.”(B) 31 કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે!

તમારા આનંદ અને હિંમત ગુમાવશો નહિ

32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે.

35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 37 થોડા સમયમાં,

“પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ.
38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે.
    જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” (C)

39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.

યોહાન 6:16-27

ઈસુ પાણી પર ચાલે છે

(માથ. 14:22-27; માર્ક 6:45-52)

16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.

લોકો ઈસુને શોધે છે

22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.

ઈસુ, જીવનની રોટલી

25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”

26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International