Book of Common Prayer
એથાન એઝાહીનું માસ્કીલ.
1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 ‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
7 સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
દેવ ભયાવહ અને સન્માનનીય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
ને હું નિરંતર પ્રેમ રાખીશ;
મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
અને તમે તેને શરમાવ્યો છે.
46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!
52 યહોવાની સદાય સ્તુતિ કરો.
આમીન તથા આમીન!
યરૂશાલેમના ઘેરાનો સંકેત
4 દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એક મોટી ઇંટ લઇ તારી સામે મૂક, અને તેના પર યરૂશાલેમનો નકશો દોર. 2 પછી તેને ઘેરો ઘાલ, તેના ફરતે ખાઇ બનાવ, હુમલો કરવા માટે માટીના ગઢ ઊભા કર. છાવણી ઊભી કર અને ચારે બાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ. 3 વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.
4 “પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે. 5 મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે.
6 “આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40 દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.
7 “ત્યાર બાદ તારે યરૂશાલેમના ઘેરા તરફ એકીટશે જોઇ રહેવું. અને એ શહેરના વિનાશનું ભવિષ્ય ભાખવું. 8 હું તને દોરડાં વડે બાંધી દઇશ, જેથી ઘેરો પૂરો થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
9 “ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે. 10 તારે દરેક વખતે ભોજન તોળીને ખાવું પડશે. તને દરરોજ એક કપ લોટની રોટલી બનાવીને. દિવસ દરમ્યાન નક્કી કરેલા ચોક્કસ સમયે તું ખાઇ શકીશ. 11 તારે જળપાન પણ માપીને જ કરવું, આખા દિવસના બે પ્યાલા. 12 તારે બધાની હાજરીમાં માણસનો સુકાયેલો મળ સળગાવવો અને તેના ઉપર જવના રોટલાં શેકવા.” 13 યહોવા જાહેર કરે છે કે “ઇસ્રાએલીઓને હું જે દેશોમાં બંદીવાન તરીકે લઇ જઇશ ત્યાં તેઓ આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે!”
14 પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.”
15 ત્યારે તેમણે મને કહ્યું, “હું તને માનવમળને બદલે છાણાં ઉપર રોટલા શેકવાની છૂટ આપું છું.”
16 એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે. 17 હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.
6 1-2 હવે આપણે ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની ચર્ચા બંધ કરવી જ જોઈએ. જ્યાંથી શરુંઆત કરી, ત્યા આપણે પાછા ન ફરીએ જેમ કે મૃત્યુ તરફ લઈ જતાં સારાં કર્મોથી દેવમાં વિશ્વાસ મૂકો. વળી બાપ્તિસ્મા[a] વિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે. 3 અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું.
4-6 જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો. અને દેવની નવી દુનિયાની મહાન સત્તાને જોઈ. પછી આ બધું હોવા છતાં તેઓનું પતન થયું. તેમના જીવનનું તેમના માટે પરિવર્તન ફરીથી કરવું અશક્ય છે, શા માટે? કારણ કે આ લોકો ખરેખર દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે. લોકો સમક્ષ તેનું અપમાન કરે છે.
7 આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે. 8 પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે.
9 પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. 10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ. 11 અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો. 12 અમે એ નથી ઈચ્છતા કે તમે આળસુ બનો. અમે ઈચ્છીએ છીએ કે જે લોકો દેવે આપેલ વચન મુજબનાં વાનાં મેળવે છે તેમના જેવા તમે બનો. તે લોકો દેવનાં વચનો પ્રાપ્ત કરે છે કારણ કે તેઓમાં વિશ્વાસ અને ધીરજ છે.
સમરૂની શહેર
51 ઈસુને આ દુનિયા છોડીને આકાશમાં પાછા જવાનો સમય નજીક આવતો હતો ત્યારે તેણે યરૂશાલેમ જવાનો નિર્ણય કર્યો. 52 ઈસુએ પોતાની આગળ કેટલાએક માણસોને મોકલ્યા. તે માણસો ઈસુ માટે સંપૂર્ણ તૈયારી કરવા સમરૂનીઓના એક શહેરમાં ગયા. 53 પણ ત્યાના લોકોએ તેને આવકાર્યો નહિ કારણ કે તે યરૂશાલેમ જતો હતો. 54 યાકૂબ અને યોહાન, જે ઈસુના શિષ્યો હતા તેમણે આ જોયું. તેઓએ કહ્યું, “પ્રભુ, શું તું ઈચ્છે છે કે, અમે આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ વરસે અને એ લોકોનો નાશ કરે?”[a]
55 પણ ઈસુએ પાછા ફરીને તેઓને ઠપકો આપ્યો.[b] 56 પછી ઈસુ અને તેના શિષ્યો બીજા એક શહેરમાં ગયા.
ઈસુને અનુસરવુ
(માથ. 8:19-22)
57 તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે કોઈ વ્યક્તિએ ઈસુને કહ્યું, “તું જે જગ્યાએ જશે ત્યાં હું તારી પાછળ આવીશ.”
58 ઈસુએ ઉત્તર આપ્યો, “લોંકડાંને રહેવા માટે દર હોય છે. પક્ષીઓને રહેવા માટે માળા હોય છે પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
59 ઈસુએ બીજા એક માણસને કહ્યું, “મારી પાછળ આવ!”
પણ તે માણસે કહ્યું, “પ્રભુ, મને જવા દે અને પહેલા હું મારા પિતાને દાટું.”
60 પણ ઈસુએ તેને કહ્યું, “જે લોકો મરેલા છે તેઓને પોતાના મૃત્યુ પામેલાઓને દાટવા દે. તું જઇને દેવના રાજ્યની વાત પ્રગટ કર.”
61 બીજા એક માણસે કહ્યું, “પ્રભૂ, હું તારી પાછળ આવીશ પણ પહેલા મને મારા પરિવારમાં જઇને સલામ કરી આવવાની રજા આપ.”
62 ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ ખેતર ખેડવાનું શરૂ કરે અને પાછળ જુએ તો તે દેવના રાજ્યને માટે યોગ્ય નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International