Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 38

સંભારણું- દાઉદનું ગીત.

હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
    અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
    અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
    મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
    ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
    અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
    અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
    અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
    હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
    મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
    આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
    અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
    મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
    પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
    પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
    હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
    હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
    મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
    મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
    અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
    જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
    અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
    હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
    તમે જલદી આવો અને મને મદદ કરો!

ગીતશાસ્ત્ર 119:25-48

દાલેથ

25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
    તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
    મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
    જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
    તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
    કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
    તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
    મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
    કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

હે

33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
    અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
    એટલે હું તમારા નિયમ પાળીશ;
    હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
    કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
    કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
    અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
    તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
    કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
    મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

વાવ

41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
    મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
    હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
    હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
    તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
    અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
    તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
    હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.

યશાયા 44:24-45:7

24 તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે,
    “સર્વનો સર્જનહાર હું યહોવા છું;
મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે.
    મેં જ્યારે આ પૃથ્વીને પાથરી
    ત્યારે મારી મદદમાં કોણ હતું?”

25 હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું. 26 પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું.

યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,”
    યહૂદાના શહેરોને હું કહું છું,
    “તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.”
27 સાગરને હું કહું છું, “તું સુકાઇ જા,
    તારી નદીઓને હું સૂકવી નાખીશ.”
28 હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે,
    અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે;
અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો
    અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”

યહોવા- એક માત્ર સાચા દેવ

45 પોતાના અભિષિકત કોરેશને યહોવા આ મુજબ કહે છે:

“મેં તારો જમણો હાથ પકડ્યો છે; દેશદેશના લોકોને હું તારી આગળ નમાવીશ.
    રાજાઓને તેમનો રાજવી ઝભ્ભો ઉતરાવી દઇશ;
    તારી આગળ બધાં નગરોના દરવાજા ખૂલી જશે, કોઇ દરવાજો બંધ નહિ રહે.”
“કોરેશ, હું તારી આગળ જઇને
    પર્વતોને સપાટ કરીશ
અને પિત્તળના દરવાજાઓને
    તથા લોખંડની ભૂંગળોને ભાંગી નાખીશ.
અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી
    રાખેલા ગુપ્ત ખજાના આપીશ:
ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર
    હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું.
મારા સેવક યાકૂબને લીધે
    અને મારા પસંદ કરાયેલ સેવક ઇસ્રાએલ માટે,
મેં તને નામ દઇને બોલાવ્યો છે
    અને તું મને ઓળખતો નથી છતાં મેં તને અટક આપી છે.
હું જ યહોવા છું,
    મારા સિવાય બીજો દેવ નથી.
તું મને ઓળખતો નથી,
    છતાં હું તને શસ્રોથી સજ્જ કરીશ.
અને પૂર્વથી પશ્ચિમ સુધી સર્વ પ્રજાઓ જાણશે
    કે બીજો કોઇ દેવ નથી.
હું યહોવા છું,
    હું એકલો જ દેવ છું.
હું જ પ્રકાશનો સર્જક છું અને અંધકારનો ઉત્પાદક છું.
    સુખદુ:ખ એ મારું સર્જન છે,
    હું યહોવા આ બધું કરું છું.

એફેસીઓ 5:1-14

તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો. પ્રેમાળ જીવન જીવો અને જે રીતે ખ્રિસ્ત આપણને ચાહે છે, તે રીતે અન્ય લોકોને તમે ચાહો. ખ્રિસ્ત આપણે માટે સમર્પિત થયો દેવને અર્પિત તે એક સુમધુર બલિદાન[a] હતું.

પરંતુ તમારાંમાં વ્યભિચારનું પાપ, અને કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યો ન હોવાં જોઈએ. અને વધુ ને વધુ મેળવવાની સ્વાર્થી ઈચ્છા પણ તમારામાં ન હોવી જોઈએ. શા માટે? કારણ કે આવી વસ્તુઓ સંતો માટે યોગ્ય નથી. હાસ્યાસ્પદ નિર્લજ્જ મજાક પણ ન કરવી જોઈએ. આ બધી અયોગ્ય વસ્તુઓ કરવાને બદલે તમારે દેવની આભારસ્તુતિ કરવી જોઈએ. તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે.

તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી. તેથી તેવાં લોકો સાથે આ પ્રકારનું વર્તન ન કરો. ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો. પ્રકાશ દરેક પ્રકારની ભલાઈ, યોગ્ય જીવન અને સત્ય પ્રદાન કરે છે. 10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો. 11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો. 12 કેમ કે તેઓ ખાનગીમાં એવાં કામ કરે છે કે જે કહેતાં પણ શરમ લાગે છે. 13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે. 14 અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે. તેથી જ અમે કહીએ છીએ:

“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ!
    મૃત્યુમાંથી ઊભો થા,
ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”

માર્ક 4:1-20

બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા

(માથ. 13:1-9; લૂ. 8:4-8)

બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:

“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”

પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”

ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે

(માથ. 13:10-17; લૂ. 8:9-10)

10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.

11 ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12 હું આ કરું છું તેથી,

‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
    તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
    જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’(A)

બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે

(માથ. 13:18-23; લૂ. 8:11-15)

13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.

16 “બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.

18 “બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.

20 “બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International