Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 119:97-104

મેમ

97 તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું!
    હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે;
    કારણકે મારી પાસે સર્વદા છે.
99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે
    કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું;
    કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં
    મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પણ પાછા વાળ્યા છે.
102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી;
    કારણકે તમે મને તે શીખવ્યા છે.
103 મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે!
    મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે;
    માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

યર્મિયા 26:1-15

મંદિર પર યર્મિયાનો બોધ

26 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં યહોવાએ યર્મિયાને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે. કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું. વળી યહોવાએ મને કહ્યું, ‘તું એમને કહેજે, આ યહોવાના વચન છે. જો તમે મારું કહ્યું નહિ કરો, અને તમારા માટે ઠરાવેલ નિયમશાસ્ત્રનું પાલન નહિ કરો, તથા મેં વારંવાર મોકલેલા મારા જે સેવકો, પ્રબોધકોને તમે કદી સાંભળ્યા નથી. તેમનાં વચનો નહિ સાંભળો. તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.’”

યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યર્મિયાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો. યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યર્મિયાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, “તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ. તેં શા માટે યહોવાના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ મંદિરની હાલત શીલોહ જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઇ જશે?” બધા લોકો યહોવાના મંદિરમાં યર્મિયાને ઘેરી વળ્યા.

10 આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજમહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાના મંદિરના નવા પ્રવેશદ્વાર આગળ ગોઠવાઇ ગયા. 11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓ અને લોકોને સંબોધીને કહ્યું, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઇએ, કારણ, તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે તે તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે.”

12 ત્યારે યર્મિયાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે. 13 માટે હવે તમારાં આચરણ અને કર્મો સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે. 14 જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો. 15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ શહેર અને એના બધા વતનીઓ એક નિર્દોષ માણસના પ્રાણ લીધાના અપરાધી ઠરશો. કારણ યહોવાએ મને ખરેખર આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.”

પ્રેરિતોનાં કૃત્યો 17:22-34

22 પછી પાઉલ અરિયોપગસની કારોબારી સભા સમક્ષ ઊભો રહ્યો. પાઉલે કહ્યું, “આથેન્સના માણસો, હું જોઈ શકું છું કે તમે બધી વાતોમાં ઘણા ધર્મચુસ્ત છો. 23 હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું. મેં એક વેદી જોઈ, જેના પર આ શબ્દો લખેલા હતા. ‘એ દેવને જે અજ્ઞાત છે.’ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી. હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે!

24 “તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી. 25 આ એ દેવ છે જે જીવન, શ્વાસોચ્છવાસ છે અને લોકોને સર્વ વસ્તુઓ આપે છે. તેને લોકો પાસેથી કોઇ પણ મદદની જરુંર પડતી નથી. દેવ પાસે તેને જરુંરી બધીજ વસ્તુઓ છે. 26 દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.

27 “દેવ ઈચ્છે છે કે લોકો તેને શોધે, તેઓ તેને માટે ચારે બાજુ અંધારામાં ફંફોસીને તેને પામે, પરંતુ તે આપણામાંના કોઇથી વેગળો નથી: 28 આપણે તેની સાથે રહીએ છીએ, આપણે તેની સાથે ચાલીએ છીએ, આપણે તેની સાથે છીએ. તમારા પોતાના કેટલાએક કવિઓએ કહ્યું છે: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’

29 “આપણે દેવના બાળકો છીએ. તેથી તમારે એમ વિચારવું ના જોઈએ કે દેવ માણસોની કારીગરી કે કાલ્પનિક કોઇક વસ્તુ જેવા છે. તે કાંઈ સુવર્ણ, ચાંદી કે પથ્થર જેવો નથી. 30 ભૂતકાળમાં લોકો દેવને સમજતા નહોતા. પણ દેવે આ બાબતમાં અજ્ઞાનતા બતાવી હતી પણ હવે, દેવ વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને તેનું હ્રદય અને જીવન બદલવાનું (પસ્તાવો) કહે છે. 31 દેવે એક દિવસ નક્કી કર્યો છે જ્યારે તે દુનિયાના બધા જ લોકોનો ન્યાય કરશે. તે ઉદાર થશે. તે એક માણસનો આ કામ માટે ઉપયોગ કરશે. લાંબા સમય પહેલા દેવે આ માણસને પસંદ કર્યા છે. અને દેવે દરેક વ્યક્તિને આ બાબતની સાબિતી આપી છે. દેવે તે માણસને મૃત્યુમાંથી ઉઠાડી તે સાબિત કર્યુ છે!”

32 જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, “અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.” 33 પછી પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો. 34 પરંતુ કેટલાક લોકોએ પાઉલમાં વિશ્વાસ મૂક્યો અને તેની સાથે જોડાયો. તે લોકોમાંનો એક વિશ્વાસી દિયોનુસ્થસ હતો. તે અરિયોપગસી કારોબારીનો સભ્ય હતો. બીજી વ્યક્તિ દામરિસ નામની સ્ત્રી વિશ્વાસ કરવા લાગી. બીજા કેટલાક લોકો પણ હતા જે વિશ્વાસ કરવા લાગ્યા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International