Revised Common Lectionary (Semicontinuous)
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
શમાયાને દેવનો સંદેશ
24 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ નેહેલામીના શમાયા વિષે યર્મિયાને એક સંદેશો આપ્યો. 25 “જ્યારે તમે પોતે જ યરૂશાલેમના બધાં લોકોને આ પત્ર તમારા પોતાના નામે મોકલ્યા, અને માઅસેયાના પુત્ર સફાન્યા અને બધા યાજકોને કહ્યું, 26 ‘યહોવાએ તમને યાજક તરીકે યાજક યહોયાદાને સ્થાને નીમ્યા છે, અને મંદિરના અધિકારી તરીકે જે કોઇ ગાંડો માણસ પોતાને પ્રબોધક તરીકે ખપાવતો હોય તેને સજા કરવાના માંચડામાં મૂકવાની ફરજ આવી છે. 27 તો પછી અનાથોથના યર્મિયા જે તમારી આગળ પોતાને પ્રબોધક તરીકે ખપાવવાનો પ્રયત્ન કરે છે, તેને ઠપકો કેમ નથી આપતા? 28 કારણ કે બાબિલમાં અહીં તેણે અમારા પર લખ્યું છે કે, અમારો બંદીવાસ લાંબા સમય સુધી ચાલશે. એણે અમને ઘર બનાવી અહીં રહેવાનું કહ્યું અને વાડીઓ રોપીને તેના ફળોનો આનંદ માણવા કહ્યુ.’”
29 યાજક સફાન્યા તે પત્ર લઇને યર્મિયા પાસે આવ્યો અને તેને તે વાંચી સંભળાવ્યો. 30 ત્યારે યહોવાએ યર્મિયાને આ વાણી સંભળાવી: 31 “બધા લોકોને જેમનો દેશ નિકાલ કર્યો છે એમને આ સંદેશો મોકલજે: નેહેલામીના શમાયા વિષે યહોવા આ પ્રમાણે કહે છે: ‘શમાયાએ મારા મોકલ્યા વગર તમને વાણી સંભળાવી છે અને તમે બધાં તેના જૂઠાણાને માનવા લાગ્યા છો. 32 માટે હું તેને તથા તેના પરિવારને શિક્ષા કરીશ, મારા લોકો માટે જે સારી બાબતો મેં રાખી મૂકી છે, તે તેના વંશજો જોવા પામશે નહિ, કારણ કે તેણે તમને યહોવાની વિરુદ્ધ બંડ કરવાનું શીખવ્યું છે.’” આ હું યહોવા બોલું છું.
દેવનાં સર્વ હથિયારો સજો
10 મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. 11 દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. 12 આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ. 13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો.
14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો. 15 અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો. 16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. 17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. 18 હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો.
19 અને મારા માટે પણ પ્રાર્થના કરો કે જ્યારે હું બોલું ત્યારે મને દેવ તરફથી શબ્દો પ્રદાન થાય કે જેથી ભય વિના સુવાર્તાના ગૂઢ સત્યને હું કહી શકું. 20 મારું કામ સુવાર્તા કહેવાનું છે અને તે હું અહી બંદીખાનામાંથી કરી રહ્યો છું. પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તાનો ઉપદેશ આપું ત્યારે ભય વિના મારે જે રીતે આપવો જોઈએ તે રીતે આપું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International