Revised Common Lectionary (Semicontinuous)
એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકારને કાન પર આવવા દો.
2 મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
3 કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
5 મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
6 હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
7 હું જાગતો પડ્યો રહું છું,
છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
8 મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
9 રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.
11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
8 હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ, 9 કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે.
10 સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ. 11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. 12 તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ. 13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” 14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું.
15 “પણ જે જૂઠાં પ્રબોધકો તમારી મધ્યે છે, તેઓનો તમે સ્વીકાર કરો છો અને કહો છો કે યહોવાએ તેમને મોકલ્યા છે.” 16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે: 17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “એ લોકોને હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાનો ભોગ બનાવીશ; હું એમને ખાઇ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઇશ. 18 હું, યુદ્ધ, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને તેઓની એવી દશા કરીશ કે, સમગ્ર દુનિયાના લોકો તે જોઇને ધ્રૂજી ઊઠશે. અને મેં તેમને જે જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે તે પ્રજાઓમાં એ લોકોની નામોશી અને હાંસી થશે અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 19 આ બધું એટલા માટે બન્યું છે કે મારા પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળવાની ના પાડી દીધી.” આ યહોવાના વચન છે. 20 “અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.”
21 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે: “કોલાયાનો પુત્ર આહાબ, અને માઅસેયાનો પુત્ર સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે પ્રબોધ્યા હતાં તેમના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને નબૂખાદનેસ્સારના હાથમાં સુપ્રત કરું છું. 22 યહૂદિયાથી બાબિલ દેશવટે ગયેલા બધા માણસો કોઇ શાપ આપવા માગતા હશે ત્યારે એમ કહીને આપશે કે, ‘યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરો, જેમને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા હતા.’ 23 કારણ કે આ માણસોએ મારા લોકો મધ્યે ભયંકર કૃત્યો કર્યા છે. તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે, અને મારા નામે જૂંઠાણું પ્રગટ કર્યું જે મેં તેમને કહેવા માટે હુકમ કર્યો નહોતો. હું જાણું છું કેમ કે તેઓનાં સર્વ કૃત્યો મેં જોયાં છે.” આ યહોવાના વચન છે.
પાઉલનો અગ્રીપાને સમજાવવાનો પ્રયત્ન
24 જ્યારે પાઉલ તેની જાતે બચાવમાં આ વાતો કહેતો હતો ત્યારે ફેસ્તુસે પોકાર કર્યો, “પાઉલ, તું ઘેલો છે! વધુ પડતી વિધાએ તને ઘેલો બનાવ્યો છે!”
25 પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું. 26 રાજા અગ્રીપા આ વસ્તુઓ વિષે જાણે છે કે હું તેની સાથે મુક્ત રીતે વાત કરી શકું છું. હું જાણું છું કે તેણે આ બધી વાતો વિષે સાંભળ્યું છે. શા માટે? કારણ કે આ વાતો જ્યાં બધા લોકો જોઈ શકે ત્યાં બને છે. 27 રાજા અગ્રીપા, પ્રબોધકોએ જ લખ્યું છે તે વાતોમાં તને વિશ્વાસ છે? હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે!”
28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”
29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International