Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. સ્તુતિગીત.
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો,
તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને,
ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
બંદીવાસ માટે યર્મિયાનો પ્રબોધ
25 યોશિયાનો પુત્ર રાજા યહોયાકીમ યહૂદિયા પર રાજ્ય કરતો હતો. તેના ચોથા વર્ષે યહૂદિયાના સર્વ લોકો માટે યહોવા તરફથી યર્મિયા પાસે આ સંદેશો આવ્યો. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તે વર્ષે રાજ કરવાનું શરું કર્યું. 2 અને યર્મિયા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,
3 છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી. 4 વળી વર્ષોના વર્ષો સુધી યહોવાએ તમારી પાસે પોતાના પ્રબોધકો મોકલ્યા હતા; છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ.
5 તેમનો સંદેશો એ હતો કે, “તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો, તો તમે જે ભૂમિ યહોવાએ લાંબા સમય પહેલાં તમને અને તમારા પિતૃઓને સદાને માટે આપી હતી તેમાં રહી શકશો. 6 તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.
7 “પરંતુ તમે મારું સાંભળ્યું નહિ, તમે તમારે માર્ગે આગળ વધ્યા અને તમારી મૂર્તિઓ વડે મને ક્રોધિત કર્યો છે. તેથી તમારા પર આવી પડેલી સર્વ વિપત્તિને માટે તમે પોતે જ જવાબદાર છો.”
8 અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી. 9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે. 10 હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ. 11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.
12 “અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ. 13 મેં જે જે કહેલું છે, આ ગ્રંથમાં લખેલું છે, અને યર્મિયાએ એ લોકોની વિરુદ્ધ જે જે આગાહી કરી છે, તે બધું હું એ દેશ પર ગુજારીશ. 14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”
13 મારી પાસેથી તેં જે સત્ય વચનો સાંભળ્યાં છે તેને તું અનુસર. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વિશ્વાસ અને પ્રેમ છે તેના ધ્વારા એ ઉપદેશને તું અનુસર. એ ઉપદેશ નમૂનારૂપ છે, કે જે દર્શાવે છે કે તારે કેવો ઉપદેશ આપવો જોઈએ. 14 તને જે સત્ય મળેલ છે તેનું તું રક્ષણ કર. પવિત્ર આત્માની સહાય વડે એ વસ્તુઓને તું સંભાળી રાખ. એ પવિત્ર આત્મા આપણા અંત:કરણમાં જ વસે છે.
15 તું તો જાણે જ છે કે આસિયાના પ્રાંતના પશ્ચિમની દરેક વ્યક્તિએ મને ત્યજી દીધો છે. ફુગિલસ અને હર્મોગનેસ પણ મને છોડીને ચાલ્યા ગયા છે. 16 ઓનેસિફરસના કુટુંબ પર પ્રભુ દયા કરે એવી મારી પ્રાર્થના છે. ઓનેસિફરસે ઘણી વાર મને મદદ કરી છે. મારી કેદની સજાને કારણે તે શરમિંદો થયો ન હતો. 17 ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી. 18 મારી પ્રાર્થના છે કે તે દિવસે પ્રભુ ઓનેસિફરસને દયા બતાવશે. તું તો જાણે છે જ એફેસસમાં ઓનેસિફરસે મને કઈ કઈ રીતે મદદ કરી હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International