Revised Common Lectionary (Semicontinuous)
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
અને હું નાહિમ્મત થઇ જાઉં છું.
21 એ હું મનમાં લાવું છું
અને તેથી જ હું આશા રાખું છું.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
તેની દયાનો પણ અંત આવ્યો નથી.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.”
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.
તેમના માટે યહોવા સારો છે.
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે
તેની રાહ જોવી તે સારું છે.
7 પોતાના દુ:ખ સંતાપનાં દિવસોમાં,
યરૂશાલેમ અતીતની સમૃદ્ધિ સંભારે છે.
તેના લોકો શત્રુના હાથમાં પડ્યા છે.
કોઇ તેની સાથે જનાર નથી તેથી શત્રુઓ તેની પાયમાલી જોઇ ઉપહાસ કરે છે.
8 યરૂશાલેમે ઘોર અપરાધ કર્યો છે,
તેથી જ તે અશુદ્ધ સ્ત્રીની જેમ થઇ પડ્યું છે.
જેઓ તેને માન આપતા હતા તેઓ તેને તુચ્છ ગણે છ,ે
કારણ કે, તેઓએ તેની નગ્નતા જોઇ લીધી છે.
અને તે પોતે મોં સંતાડીને નિસાસા નાખ્યા કરે છે.
9 તેણીની અશુદ્ધતા તેના ઝભ્ભાની કિનારી
સુધી ફેલાઇ ગઇ હતી,
જેઓ તેને પહેલા માન આપતાં હતા, અત્યારે તેને નાપસંદ કરે છે,
કારણ કે તેઓએ તેની નગ્નતાને જોઇ છે.
અને તે પોતે જ નિસાસા નાખે છે
અને પોતાનું મોઢું ફેરવી લે છે.
10 બધી કિંમતી વસ્તુઓ પર શત્રુએ
પોતાનો હાથ મૂક્યો છે,
ને તેણે પોતાના મંદિરમાં વિધર્મી પ્રજાને પ્રવેશ કરતી જોઇ છે;
જ્યાં યહોવાએ તે વિદેશીઓને પ્રવેશવાની મનાઇ કરી હતી.
11 તેના બધા લોકો આર્તનાદ કરે છે.
તેઓ રોટલાની ભીખ માંગે છે.
ઝવેરાત આપી અન્ન ખરીદે છે;
ને ભૂખ શમાવી, નગરી પોકારે છે,
“હે યહોવા, નજર કરો અને જુઓ;
મુજ અધમનો કેવો તિરસ્કાર થાય છે?
12 ઓ, જનાર સૌ લોકો, જરા નજર કરો;
કોઇને ય મારા જેવું દુ:ખ પડ્યું છે?
જે યહોવાએ મને ક્રોધમાં આવીને દીધું છે?
13 ઉપરથી તેણે મારા હાડકામાં
અગ્નિ મોકલ્યા અને તે તેઓને નિર્ગત કરે છે;
તેણે મારા પગ માટે જાળ પાથરી છે,
અને કેવી મને ભોંયે પછાડી છે!
તેણે મને એકલી અટૂલી છોડી દીધી
અને હું આખો વખત રિબાતી રહી.
14 “તેણે મારા પાપોનું પોટલું મારી ડોકે બાંધ્યું છે.
મારી શકિત તેના ભારથી ખૂટી પડી છે,
મને મારા શત્રુઓના હાથમાં સોંપી દેવામાં આવી છે
જેની સામે જ્યાં હું ઉભી રહી શકતી નથી.
15 યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને
તુચ્છકાર્યા છે,
અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે
ટૂકડીઓ તૈયાર કરી છે.
અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે,
ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે.
ઈસુએ બે આંધળા માણસોને દેખતા કર્યા
(માર્ક 10:46-52; લૂ. 18:35-43)
29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”
31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”
32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?”
33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.”
34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International