Revised Common Lectionary (Semicontinuous)
ઝાઇન
49 હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો,
તે વચન મને આશા આપે છે.
50 મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં;
અને તમારા વચને મને જિવાડ્યો છે.
51 અભિમાની લોકો મારી મજાક કરે છે,
પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
52 હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે.
અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
53 જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે;
તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
54 તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં
મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે,
અને હું તમારા નિયમો પાળુ છું.
56 આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
36 “તેથી હવે ઇસ્રાએલના દેવ યહોવા આ નગર વિષે કહે છે કે ‘તેને તરવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સુપ્રત કરવામાં આવશે.’ 37 ‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ. 38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ. 39 હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે.
40 “‘હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય. 41 એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.’”
42 હા, આ યહોવા કહે છે, “જેમ તેઓ પર આ બધા દુ:ખ અને સમસ્યાઓ હું લાવ્યો હતો, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ. 43 તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, ‘એ તો વેરાન થઇ જાણો, એમાં નહિ માણસ વસે કે નહિ એમાં પશુ વસે.’ એ તો બાબિલવાસીઓના હાથમાં જ પડી જાણો. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે. 44 બિન્યામીન કુળસમૂહના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસ, યહૂદિયાના ગામોમાં, પહાડી દેશોમાં, શફેલાહની તળેટીમાં અને નેગેબમાં લોકો ખેતરો ખરીદશે, કિંમત ચૂકવશે, અને સહીસીક્કા કરીને કરારો બનાવશે, કારણ કે હું તેમનું ભાગ્ય ફેરવી તેઓને સુખ-સમૃદ્ધિ આપીશ.”
સ્વાર્થી શ્રીમંતો શિક્ષાને પાત્ર
5 તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે. 2 વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે. 3 તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે. 4 લોકોએ તમારાં ખેતરોમા કામ કર્યું, પરંતુ તમે તેમને વળતર ચૂકવ્યું નહિ તેં લોકો તમારી વિરૂદ્ધ રૂદન કરી રહ્યા છે તે લોકોએ તમારા પાકની લણણી કરી. હવે આકાશના લશ્કરોના પ્રભુએ તેઓની બૂમો સાંભળી છે.
5 તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે. 6 ન્યાયી પ્રત્યે તમે કોઈ દયા બતાવી નથી. તેઓ તમારી વિરૂદ્ધ નહોતા, છતાં તમે તેઓને મારી નાખ્યાં છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International