Revised Common Lectionary (Semicontinuous)
જમીન ખરીદવા પાછળનો સંકેત
32 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના દશમાં વર્ષમાં, નબૂખાદનેસ્સારના અઢારમાં વર્ષમાં યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ. 2 તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યર્મિયા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો; 3 સિદકિયા રાજાએ યર્મિયાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “‘બાબિલનો રાજા નગરને જીતી લેશે.
6 પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો: 7 “તારા કાકા શાલ્લૂમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને તને કહેશે કે, ‘અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે, કારણ નજીકના સગા તરીકે તારો એ હક્ક છે.’
8 “અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’”
તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે. 9 તેથી 17 શેકેલ ચાંદી ચૂકવીને મેં હનામએલ પાસેથી તે ખેતર વેચાતું લીધું. 10 મેં વેચાણખત કરી તેના પર સહીસિક્કા અને સાક્ષી કરાવી અને કાંટા પર કિંમત ચૂકવી દીધી. 11 ત્યાર પછી મેઁ મહોર મારેલું બંધ ખરીદખત લીધું જે નિયમો અને શરતો ધરાવતું હતું અને તેની એક ઉઘાડી પ્રત પણ લીધી. 12 અને જાહેરમાં મારા પિતરાઇ ભાઇ હનામએલ, વેચાણખત પર સહી કરનારા સાક્ષીઓની અને રક્ષકઘરના ચોકમાં તે વખતે હાજર હતા તે બધા યહૂદીઓની સાક્ષીમાં નેરિયાના પુત્ર માઅસેયાના પૌત્ર બારૂખના હાથમાં સુપ્રત કરી.
13 તેમનાં દેખતા જ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી: 14 “આ બન્ને દસ્તાવેજ, મહોર મારેલું બંધ ખરીદખત અને તેની ઉઘાડી પ્રત લઇ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂકજે. 15 કારણ કે ઇસ્રાએલના સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, ‘લોકો આ દેશમાં ફરીથી ઘરો, ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ ખરીદશે.’”
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. 7 આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા ત્યારે, આપણે કશુંય લીધા વગર ખાલી હાથે આવ્યા હતા. અને આપણે જ્યારે મરી જઈશું ત્યારે, આપણે કશુંય લઈ જઈ શકવાના નથી. 8 તેથી આપણને જો પૂરતો ખોરાક અને કપડાં મળી રહે, તો તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. 9 ધનવાન થવાની ઈચ્છા રાખતા લોકો પોતે જ પ્રલોભનોની જાળમાં પકડાય છે. તેઓને ઘણી બધી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા થાય છે, કે જે ચીજે તેઓને નુકસાન કે આઘાત આપનારી નીવડે છે. એ વસ્તુઓ લોકોને પાયમાલ કરીને તેઓનો સર્વનાશ આણે છે. 10 પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે.
તારે યાદ રાખવા જેવી કેટલીક બાબતો
11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ. 12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.
17 દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે. 18 તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય. 19 એવું કરીને તેઓ પોતાના માટે આકાશમાં એક ખજાનો સંગ્રહ કરશે. તે ખજાનો મજબૂત સ્તંભ બનશે – તે ખજાના ઉપર તેઓ તે ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકે.
ધનવાન માણસ અને લાજરસ
19 ઈસુએ કહ્યું, “એક ધનવાન માણસ હતો જે હંમેશા સૌથી સુંદર વસ્ત્રો પહેરતો. તે એટલો ધનવાન હતો કે રોજ ખૂબ વૈભવવિલાસ અને મિજબાનીઓ રાખવા સમર્થ હતો. 20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો. 21 ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.
22 “પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો. 23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો. 24 તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું.’
25 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે. 26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’
27 “ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ. 28 મારે પાંત ભાઈઓ છે. લાજરસ મારા ભાઈઓને ચેતવણી આપી શકે, જેથી તેઓને આ વેદનાની ભૂમિ પર આવવું ના પડે.’
29 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘તેઓની પાસે મૂસાનો નિયમ અને પ્રબોધકોના લખાણો વાંચવા માટે છે. તેમને તેમાંથી શીખવા દે.’
30 “પરંતુ ધનવાન માણસે કહ્યું, ના ઈબ્રાહિમ બાપ! જો કોઈ મરણ પામેલામાંથી તેઓની પાસે આવે, તો તેઓ વિશ્વાસ કરશે અને પસ્તાવો કરશે.
31 “પણ ઈબ્રાહિમે તેને કહ્યું, ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International