Revised Common Lectionary (Semicontinuous)
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે,
હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી
અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે,
તમને તેની પાંખો નીચે આશ્રય મળશે,
તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ
કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી
કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ,
હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ;
સંકટમાં હું તેની સાથે રહીશ
અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ,
અને હું મારું તારણ તેને આપીશ.”
અંજીર સંબંધી યર્મિયાનું દર્શન
24 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. 2 યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.
3 પછી યહોવાએ મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?”
મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”
4 ત્યારે યહોવાએ મને કહ્યું, 5 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું. 6 તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ. 7 હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.
8 “પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. 9 હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. 10 હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”
43 બધા લોકો દેવના આ મહાન પરાક્રમથી આશ્ચર્યચકિત થયા.
ઈસુ તેના મૃત્યુ વિષેની વાત કહે છે
(માથ. 17:22-23; માર્ક 9:30-32)
હજુ પણ લોકો ઈસુએ જે જે બધુ કર્યું તેનાથી વિસ્મિત થતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 44 “હું હમણાં તમને જે બાબતો કહીશ તેને ભૂલશો નહિ. માણસનો દીકરો કેટલાએક માણસોના બંધનોમાં મૂકાશે.” 45 પણ શિષ્યો ઈસુના કહેવાનો અર્થ સમજી શક્યા નહિ. તેનો અર્થ તેનાથી ગુપ્ત રખાયો જેથી તેઓ તે સમજી શક્યા નહિ. પણ શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે વિષે પૂછતાં ડરતા હતા.
સૌથી વધારે મહત્વની વ્યક્તિ
(માથ. 18:1-5; માર્ક 9:33-37)
46 ઈસુના શિષ્યોમાં વાદવિવાદ શરું થયો કે તેમનામાંનો કોણ સૌથી વધારે મહત્વનો છે. 47 ઈસુએ તેઓ શું વિચારતા હતા તે જાણ્યું. તેથી ઈસુએ એક નાનું બાળક લઈને પોતાની બાજુમાં ઊભૂં રાખ્યું. 48 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે કોઈ મારે નામે આ નાનાં બાળકનો અંગીકાર કરે છે તે વ્યક્તિ મારો અંગીકાર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ મારો અંગીકાર કરે છે, ત્યારે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે. તમારામાંનો એ વ્યક્તિ સૌથી મહત્વનો વ્યક્તિ છે જે નમ્ર છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International