Revised Common Lectionary (Semicontinuous)
40 તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો;
અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.
41 તેમણે તેઓને વિદેશીઓના હાથમા સોંપી દીધાં;
અને તેમના શત્રુઓએ તેમના ઉપર રાજ કર્યુ.
42 તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા; અને,
તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
43 યહોવાએ વારંવાર મુકત કર્યા ગુલામીમાંથી;
છતાં દેવ વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યુ;
અને પોતાના પાપને લીધે તેઓ તારાજ થયા.
44 તેમ છતાં યહોવાએ તેમની પ્રાર્થનાઓ સાંભળી,
અને તેઓની આફતો તરફ તેમણે ધ્યાન આપ્યું.
45 યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો
અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.
46 જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં,
દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.
47 હે યહોવા અમારા દેવ, અમને તાર;
પ્રજાઓ મધ્યેથી અમને ફરીથી એકત્ર કરો;
જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ
અને સ્તુતિ ગાઇને તમારો જયજયકાર કરીએ.
48 હે ઇસ્રાએલના દેવ યહોવા,
અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ;
સર્વ લોકો આમીન કહો.
અને તમે યહોવાની સ્તુતિ કરો!
વિનાશ આવી ગયો
17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે,
તેઓ તમારો સામાન બાંધો
અને હવે જવાને માટે તૈયાર રહો.”
18 કારણ કે તે એમ કહે છે કે,
“આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ
અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ,
એક પણ માણસ બચવા પામશે નહિ.”
19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે,
તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે;
આતો ફકત એક બિમારી જ છે
અને અમે આ સહન કરી શકીશું.”
20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે,
એનાં દોરડાં તૂટી ગયા છે;
અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે;
એક પણ રહ્યો નથી;
અમારો તંબુ ફરી ઊભો કરનાર
કે એના પડદા બાંધનાર કોઇ નથી!
21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે;
તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી.
અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની
જેમ વેરવિખેર થઇ ગયા છે.
22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો,
તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની
કોતરોમાં ફેરવી નાખશે.
23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી.
તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24 તેથી હે યહોવા, તમે અમને સાચે માર્ગે વાળો.
અમને પ્રમાણસર શિક્ષા કરો,
રોષમાં આવીને નહિ,
નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.
25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો,
જે લોકો તમને માનતા નથી,
તમારું નામ લેતાં નથી. કારણ,
તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે,
તેમણે તેમનો અંત આણ્યો છે,
અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.
શાસ્ત્રીઓથી સાવધાન રહેવાની ચેતવણી
(માથ. 23:1-36; માર્ક 12:38-40; લૂ. 11:37-54)
45 બધા લોકો ઈસુને ધ્યાનથી સાંભળતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 46 “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરીને માનવંતા દેખાડવાનું ગમે છે. બજારનાં સ્થળોએ તેઓને લોકો માન આપે તેમ તેઓ ઈચ્છે છે. તેઓ સભાસ્થાનોમાં, મુખ્ય મહત્વની બેઠકો મેળવવા ચાહે છે. તેઓ જમણવારમાં પણ મહત્વની બેઠકો ચાહે છે. 47 પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”
સાચું દાન
(માથ. 12:41-44)
21 ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો. 2 પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા. 3 ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે. 4 ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International