Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
14 પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ?
આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ
અને ત્યાં મૃત્યુ પામીએ,
કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે
અને આપણા સર્વ પાપોને
કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.
15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી,
પરંતુ કઇં શાંતિ થઇ નહિ,
આપણે કુશળ સમયની રાહ જોઇ હતી,
પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.
16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે.
દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે;
ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે,
તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે,
એ લોકો આખો પ્રદેશ
અને એમનું સર્વસ્વ,
શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.’”
17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સર્પો
અને નાગો મોકલું છું,
એવા કે જેને કોઇ મંત્રથી વશ ન કરી શકે,
તે તમને કરડશે.”
2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં
અને તેઓને વીસરી જાઉં
અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને,
તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં!
એ બધા બેવફા લોકો છે,
દગાબાજોની ટોળકી છે.
3 યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક
પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે.
તેઓ સત્યની પરવા કરતા નથી
અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે;
તેઓ મારી પણ પરવા કરતા નથી.”
4 “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો,
ભાઇનો પણ વિશ્વાસ ન કરતા,
કારણ, એકેએક ભાઇ
યાકૂબ જેવો દગાબાજ છે.
5 અને એકેએક મિત્ર પોતાના મિત્રની
નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે.
દરેક જણ પોતાના મિત્રને છેતરે છે,
કોઇ સાચું બોલતું નથી,
તેમની જીભ જૂઠું
બોલવા ટેવાઇ ગઇ છે.
6 તેઓ ખોટે માર્ગે ચડી ગયા છે,
પાછા ફરી શકે એમ નથી,
અન્યાય પર અન્યાય અને છેતરપિંડી
ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે!
મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.”
આ યહોવાના વચન છે.
7 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ.
હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ
હું તેઓની પરીક્ષા કરીશ,
આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?
8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે,
તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે.
બધા મોઢે મીઠું બોલે છે,
પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
9 યહોવા પૂછે છે, “આ બધા માટે
મારે તેમને શું સજા ન કરવી?
આવી પ્રજા પર શું
મારો આત્મા વૈર નહિ લે?”
10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ
અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું;
તેઓ ઉજ્જડ થઇ ગયા છે,
તેમાં કોઇ જીવતું રહ્યું નથી.
ઢોરનો અવાજ સંભળાતો નથી
અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી;
સર્વ નાસી ગયા છે.
11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ,
શિયાળોની બોડ બનાવી દઇશ,
અને હું યહૂદિયાના શહેરોને નિર્જન
વગડામાં ફેરવી નાખીશ.”
વિધવા આપવાનો અર્થ બતાવે છે
(લૂ. 21:1-4)
41 ઈસુ મંદિરમાં દાનપેટી નજીક બેઠો, જ્યાં લોકો તેઓની ભેટો મૂકતા. લોકો પેટીમાં પૈસા આપતા. 42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી.
43 ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું, “હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે. 44 આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે જરુંર હતું તે બધુજ નાણું આપ્યું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International