Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
8 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. 2 અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.
3 “અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.
પાપ અને સજા
4 “તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે.
“‘કોઇ પડી જાય છે
તો પાછો ઊભો થાય છે.
કોઇ રસ્તો ભૂલે છે
તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે.
5 તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો
તો પાછા કેમ નથી ફરતા?
તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો
અને પાછા આવવાની ના પાડો છો.
6 મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે,
પણ કોઇ સાચું બોલતું નથી,
કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી,
કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?”
જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે,
તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.
7 આકાશમાં ઊડતો બગલો
પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે,
તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે,
પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે
નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે;
પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી.
8 “‘તમે એવું શી રીતે કહી શકો કે, “અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે.”
શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે!
9 “શાણા માણસો” લજ્જિત થશે, તેઓ ડરી જશે
અને તેમના કામો ઉઘાડા પડી જશે.
નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા.
તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે?
10 હું તેમની પર દુકાળ, તરવાર
અને બીમારી મોકલી દઇશ.
હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય,
ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે.
જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.
11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય
એમ ઉપચાર કરે છે.
તેઓ કહે છે કે, “બરાબર છે, બધું બરાબર છે.”
પણ લગારે બરાબર નથી.
12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે?
ના, તેઓને સહેજે શરમ લાગતી નથી;
વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી!
તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે.
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.’”
આ યહોવાના વચન છે.
13 યહોવા કહે છે કે, “‘હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ;
વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ,
ને અંજીરીને અંજીર લાગશે નહિ,
ને પાંદડા ચીમળાશે;
મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.’”
આ યહોવાના વચન છે.
ખ્રિસ્ત ઈસુ પર દેવનો પ્રેમ
31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ. 32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. 34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે. 35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:
“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ.
લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” (A)
37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. 38-39 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International