Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
ઇસ્રાએલના પડોશીયોને યહોવાના વચન
14 યહોવા કહે છે, “જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇસ્રાએલને આપ્યો છે, તેને જ મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે,” તેથી યહોવા તેઓ વિષે કહે છે, “જુઓ, હું તેઓની ભુમિમાંથી તેઓને ઉખેડી નાખીશ, અને હું તેમના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઇશ. 15 પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ. 16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. 17 પરંતુ જે કોઇ પ્રજા મને આધીન થવાનો ઇન્કાર કરશે, તો હું તેને જડમૂળથી ઉખેડી નાખીશ અને તેનો નાશ કરીશ.” આ યહોવાના વચન છે.
બંદીવાન થવાનો લોકોનો ડર
13 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.”
2 આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો. 3 યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું, 4 “તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.”
5 તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો. 6 ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.”
7 આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો.
8 પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો, 9 “આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ. 10 તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.” 11 યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીર્તિ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”
3 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? 2 હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો. 3 જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે? 4 ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:
“તારા વચનો સત્ય સાબિત થશે,
અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” (A)
5 જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.) 6 ના! જો દેવ આપણને શિક્ષા ન કરે તો, પછી તે દુનિયાનો ન્યાય કરી શકશે નહિ.
7 કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?” 8 કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International