Revised Common Lectionary (Semicontinuous)
1 હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
2 હે પૃથ્વીના ન્યાયાધીશ,
ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
3 હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
કેટલી વધારે?
4 તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
5 હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
6 તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
અનાથની હત્યા કરે છે.
7 તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”
8 હે મૂર્ખ લોકો,
ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
તમે ક્યારે ડાહ્યાં થશો?
9 જે કાનનો ઘડનાર છે,
તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!
12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.
16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.
20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.
18 તેમ છતાં એ દિવસોમાં પણ-આ હું યહોવા બોલું છું-
“હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું.
19 અને યર્મિયા જ્યારે તમારા લોકો પૂછે,
‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’
ત્યારે તમે કહેજો,
‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો
અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા.
હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.’”
20 યહોવા કહે છે, “યાકૂબના વંશજોને આની જાણ કરો,
યહૂદિયાના લોકોમાં આની ઘોષણા કરો:
21 ધ્યાન દઇને સાંભળો,
‘હે મૂરખ અને અક્કલ વગરના લોકો!
તમે છતી આંખે જોતા નથી,
છતે કાને સાંભળતા નથી;
તમને મારો ભય નથી?’”
22 આ હું યહોવા બોલું છું
“શું તમે મને જોઇને થથરી નહિ જાઓ?
મેં સાગરને રેતીની પાળ બાંધી છે;
એ પાળ કાયમી છે;
સાગર એને ઓળંગી શકે નહિ,
સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ.
એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે
પણ એને ઓળંગી નહિ શકે.
23 પરંતુ આ લોકો તો હઠીલા
અને બળવાખોરો છો.
તેઓ મારાથી દૂર ભટકી ગયા છે.
24 પ્રતિવર્ષ હું તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપું છું
અને વાવણીનો સમય આપું છું,
છતાં તમે તમારી જાતને ક્યારેય કહેતા નથી.
ચાલો, આપણા યહોવા દેવને માન આપીએ.
25 તમારા પોતાના દુષ્કર્મોથી વરસાદ તમારાથી વિમુખ થઇ ગયો.
અને તમારાં પોતાના પાપે તમને કુદરતના આશીર્વાદથી વંચિત રાખ્યા છે.
26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે,
અને પારધીઓ જેમ ગુપ્ત રહીને
શિકાર કરવાનો લાગ શોધે છે,
તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.
27 જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે,
તેઓનાં ઘરો વિશ્વાસઘાતથી ભરેલાં છે.
પરિણામે તેઓ મહાન અને શ્રીમંત થઇ ગયા.
28 તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે.
તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી.
તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી,
તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી,
અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.
29 આ બધાં માટે મારે તેમને સજા ન કરવી?
એવી પ્રજાને મારે બદલો ન આપવો?”
આ હું યહોવા બોલું છું.
30 યહોવા કહે છે, “દેશમાં ભયંકર આઘાતજનક
વાતો બની રહી છે:
31 પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે,
યાજકો મનમાની સત્તા ચલાવે છે;
અને મારા લોકોને એ ગમે છે;
પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?
8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે. 11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International